કોરોનાઃ વિશ્વનું તારણહાર ક્યુબા
- અરાઉન્ડ ધ વર્લ્ડ- કુલદીપ કારિયા
- ક્યુબાના ડૉક્ટર્સ હાલ 22 દેશમાં સેવા આપી રહ્યા છે, જે પશ્ચિમી દેશોએ તેમના પર આર્થિક પ્રતિબંધ લાદ્યો તેમને પણ તેણે પથ્થરનો જવાબ ફૂલથી આપ્યો
સંકટની ઘડી આવે ત્યારે ધર્મઝનૂન, મિથ્યાભિમાન, પૈસો કશું કામ લાગતું નથી તે કોરોનાએ સાબિત કરી દીધું છે, તે ક્યુબાએ પણ સાબિત કરી દીધું છે. અમેરિકાની બગલમાં બેઠેલો અને અત્યાર સુધી હંમેશા ઉપેક્ષા તથા અન્યાયનો ભોગ બનેલો ક્યુબા મહામારીના આ સમયમાં મસીહા તરીકે ઊભરી આવ્યો છે. તેની તબીબી ટીમ દુનિયામાં જ્યાં પણ જરૂર હોય ત્યાં પહોંચી રહી છે અને કોવિડના દર્દીઓની નિઃસ્વાર્થ સેવા કરી રહી છે. ફિદેલ કાસ્ત્રોના દેશે પથ્થરની સામે ફૂલની ગાંધીગીરી કરી છે. કોવિડ સામેની લડાઇનો જ્યારે ઇતિહાસ લખાશે ત્યારે ક્યુબાનું નામ સૌથી ઉપર હશે.
હેનરી રીવ નામનો એક અમેરિકન યુવાન હતો. ન્યુયોર્કમાં બુ્રકલીન ખાતે રહેતો હતો. તે ૧૯મી સદીના અંતિમ તબક્કામાં ઘર છોડીને સ્પેનિશ શાસકો વિરૂદ્ધ ક્યુબન સંઘર્ષમાં જોડાઇ ગયેલો. તેની યાદમાં ક્યુબાએ એક વિશાળ મેડિકલ બ્રિગેડનું ગઠન કર્યું. આજે આ બ્રિગેડ ૨૨ દેશમાં કોરોના સામે બાથ ભીડી રહી છે.
મિલાનમાં જ્યારે ક્યુબાના તબીબો એરપોર્ટ પર ઊતર્યા ત્યારે ત્યાંની જનતાએ જુસ્સાભેર તાળીઓનો ગડગડાટ કરીને તેમનું સ્વાગત કરેલું. આ દૃશ્ય વર્લ્ડમીડિયામાં વાઇરલ બનેલું. ઇટલીમાં તબીબોની અછત સર્જાતા તેઓ ત્યાં પહોંચેલા. હેનરી રીવ બ્રિગેડના એ સદસ્યોમાં ડોકટર્સ તથા પ્રોફેશનલ મેડિકલ કર્મીઓ હતા. તેમનું અભિવાદન કરનારા ઇટાલિયનોમાંથી કેટલાકે છાતી પર ક્રોસ બ નાવીને ભગવાનને યાદ કર્યા. તેમના માટે આ તબીબી ટીમ દેવદૂતથી જરાય કમ નહોતી.
ક્યુબાના ડોકટર ઇટલી પહોંચવા બાબતે ઇકવાડોરના પૂર્વ રાષ્ટ્રપતિએ કરેલું એક વિધાન પણ ખાસ્સું ચર્ચિત બનેલું, એક દિવસ આપણે આપણા બાળકોને કહેશું કે દાયકાઓ સુધી સિનેમા બતાવ્યા બાદ ને પ્રચાર કર્યા પછી જ્યારે પરીક્ષાની ઘડી આવી ત્યારે જ્યારે માનવતાની જરૂરિયાત ઊભી થઇ ત્યારે જ્યારે મહાસત્તાઓ ફસડાઇ પડી હતી ત્યારે ક્યુબાના ડોકટરો આવી પહોંચ્યા, કંઇ પણ મેળવવાની આશા વગર. ઇટલી ક્યુબાનો વિરોધી દેશ રહ્યો છે. તેના પર પ્રતિબંધ મૂકવામાં તેણે હંમેશા અમેરિકાનો સાથ આપ્યો છે. જો ક્યુબા ધારત તો અપકારનો બદલો અપકારથી વાળી શકત, પોતાના ડોકટર્સ મોકલવાની ઉદારતા ન દાખવત. પણ તે અદાવત ભૂલીને આગળ આવ્યું.
આ ઘટનાએ દાયકાઓ સુધી તેનો વિરોધ કરનારા દેશોને શરમમાં મૂકી દીધા છે. બૂરાઇનો જવાબ ભલાઇથી આપવાથી કંઇ રીતે જૂની શત્રુતા ખતમ થાય છે તેનું ઉદાહરણ અત્યારે જોવા મળી રહ્યું છે. દુનિયાભરમાંથી ક્યુબાની તરફેણમાં અવાજ ઊઠવા લાગ્યો છે.
ક્યુબાએ સાબિત કરી દીધું છે કે શસ્ત્રો, પૈસા, સત્તા બધું પડયુ રહે છે, માત્ર જ્ઞાાન જ એક એવી ચીજ છે જે હંમેશા કામ લાગે છે. ક્યુબાના ડોકટરો આ વર્ષના નોબેલ શાંતિ પુરસ્કાર માટેના પ્રબળ દાવેદાર બની ગયા છે. તેમનું જેટલું સન્માન થાય એટલું ઓછું છે. કાસ્ત્રો કેવા દીર્ઘદૃષ્ટા હતા તે આજે જોવા મળી રહ્યું છે. ૨૦૦૫માં કેટરીના ઝંઝાવાતે જ્યારે તારાજી સર્જી ત્યારે કાસ્ત્રોએ હેનરી રીવના નામથી આ બ્રિગેડનું નિર્માણ કર્યું. તેમણે અમેરિકામાં ૧,૫૦૦ ડોકટર્સની ટીમ મોકલવાની ઑફર કરેલી, જે યુનાઇટેડ સ્ટેટસે ઠુકરાવી દીધેલી. ઓબામાએ ક્યુબા સાથેના સંબંધો સુધારીને અમેરિકાની ઐતિહાસિક ભૂલનું કરેકશન કર્યું તો ટ્રમ્પે તેના પર પાણી ફેરવી કેટલી મોટી બેવકૂફી કરી તે આજે જોવા મળી રહ્યું છે. કોરોનાનો સૌથી મોટો શિકાર બનેલું અમેરિકા આજે ઇચ્છે તો પણ ક્યા મોઢે ક્યુબાના ડોકટર્સને બોલાવે?
હેનરી રીવ બ્રિગેડમાં ડોકટર્સ અને પેરામેડિકલ સહિત ૭,૪૦૦ સ્વાસ્થ્ય કર્મચારીઓ જોડાયેલા છે. દુનિયામાં ક્યાંય પણ આફત આવી પડે ત્યારે ત્યાં પહોંચવામાં તેઓ અગ્રેસર રહે છે. કોવિડ આવ્યા પહેલા વિવિધ આપદાઓમાં તેઓ ૨૧ દેશોમાં જઇને ૩૫ લાખ દર્દીઓની સેવા કરી ચૂક્યા છે. કોવિડ સામે લડવા માટે ઇટલી પહોંચ્યા પહેલાં તેઓ બીજા પાંચ દેશમાં પહોંચી ચૂક્યા હતા. વેનેઝુએલા, જમૈકા, ગ્રેનાડા, સૂરિનામ અને નિકારાગુઆ.
પહેલી મે સુધીમાં ૨૨ દેશોમાં ૧૪૫૦ ક્યુબન મેડિકલ કર્મી સેવારત બન્યા. એ દેશોના નામ છે, રૂ એન્ડોરા, અંગોલા, એન્ટીગુઆ, બર્મુડા, બાર્બાડોઝ, બેલીજે, કેપવર્દે, ડોમિનીક, ગ્રેનાડા, હૈતી, હોન્ડારાસ, ઇટલી, જમૈકા, મેક્સિકો, નિકારાગુઆ, કતર, સેન્ટલુસીયા, સેન્ટકીટ્સ, સેન્ટવિન્સ્ટેન્ટ, દક્ષિણ આફ્રિકા, સુરિનામ, ટોગો અને વેનેઝુએલા. દુનિયાભરમાં મોટી સંખ્યામાં ડોકટર્સ અને નર્સ પણ કોરોનાનો ભોગ બનવા લાગ્યા છે તે સમયે માત્ર એક કરોડની વસ્તી ધરાવતો દેશ મેડિકલ કર્મીઓની નિકાસ કરી રહ્યો છે તેનાથી મોટું આશ્ચર્ય બીજું શું હોય? સંકુચિત દૃષ્ટિવાળા નેતાઓ વૈશ્વિકકરણ વિરોધી વાતો કરી રહ્યા છે ત્યારે ક્યુબાએ ઇન્ટરનેશનલીઝમની ભાવનાનો પરિચય આપ્યો છે, વળી તેમણે ઘર બાળીને તીરથ નથી કર્યું તેમને ત્યાં કોરોના બિલકુલ નિયંત્રણમાં છે.
અમેરિકા બાદ લેટિન અમેરિકા કોવિડનું નવું એપી સેન્ટર બનવા જઇ રહ્યું છે ત્યારે ક્યુબા તેમાંથી પણ બચી જઇને નોખું તરી આવ્યું છે. સાધુઓને સંસાર ન સ્પર્શે તેમ ક્યુબાને કોવિડ માત્ર અડીને પસાર થઇ જાય છે. ડોમિનિકન નાગરિકોની તુલનાએ તેમને કોરોના થવાની સંભાવના ૨૪ ગણી ઓછી છે. મેક્સિકોના નિવાસીઓની તુલનાએ ૨૭ ગણી. આ બાબત દર્શાવે છે કે કાસ્ત્રોએ મંદિર કરતાં વધુ ધ્યાન પ્રયોગશાળા પર આપ્યું છે. જાહેર આરોગ્યની ઇમારત અત્યંત મજબૂત ચણી છે. બ્રાઝિલિયનોની તુલનાએ ક્યુબનોને કોરોના થવાની સંભાવના ૭૦ ગણી ઓછી છે.
ધ ગાર્ડિયનના અહેવાલ પ્રમાણે ક્યુબાના હજારો ફેમિલી ડોકટર્સ, નર્સ તથા તબીબી વિદ્યાર્થીઓ ઘરે-ઘેરે જઇને લોકોના આરોગ્યની તપાસ કરી રહ્યા છે. એક પણ ઘર મિસ થઇ રહ્યું નથી. એટલે ત્યાં અત્યાર સુધીમાં કોરોનાના માત્ર ૨,૧૧૩ કેસ નોંધાયા છે અને ફક્ત ૮૩નાં મોત થયાં છે. કોવિડનો ચેપ રોકવા માટે કહેવાય છે કે સંભવિત દર્દીઓની તાત્કાલિક ઓળખ કરો અને તેમને બીજા લોકોથી અલગ કરો જેથી તેની ચેઇન તોડી શકાય. આ વિશે જાગૃતિ લાવવા કેરળ સરકાર બ્રેક ધ ચેઇન આંદોલન પણ ચલાવી રહી છે. ક્યુબન સરકાર કોવિડની ચેઇન બ્રેક કરવામાં સફળ રહી છે.
વર્ષોથી એવું કહેવાતુ આવ્યું છે કે આટલા હજારની વસ્તી દીઠ આટલા ડોકટર હોવા જ જોઇએ, અત્યાર સુધી આપણને તે અર્થહીન લાગતુ હતું. કોરોનાએ આપણને તેની પાછળનું ગૂઢ રહસ્ય સમજાવી દીધું છે. ક્યુબામાં વસ્તીની તુલનાએ ડોકટરનો રેશિયો સૌથી ઊંચો છે. એ રેશિયોમાં વિદેશમાં સેવા આપી રહેલા ૧૦,૦૦૦ ડોકટર્સને ગણવામાં આવ્યા નથી એ પણ નોંધવું જોઇએ. જીડીપીની તુલનાએ હેલ્થકેર પર તે સર્વાધિક ખર્ચ કરી રહ્યું છે.
લેટિન અમેરિકન અને કેરેબિયન દેશોમાં ૩૦ ટકા જનતા આરોગ્ય સેવાથી વંચિત છે ત્યારે ક્યુબામાં એકપણ એવો દર્દી નથી જેને ગુણવત્તાપ્રદ સ્વાસ્થ્ય સેવા ઉપલબ્ધ ન હોય. અમેરિકાએ ૫૦ વર્ષ સુધી લાદેલા આર્થિક પ્રતિબંધ વચ્ચે પણ તેણે આ સફળતા પ્રાપ્ત કરી છે, આટલો વિકાસ કર્યો છે. ભાવનાના પૂરમાં તણાવાને બદલે પ્રેક્ટિકલ રહેવાને કારણે તે આ કરી શક્યું છે. તાયફા અને તમાશા કરવાને બદલે સાચા રસ્તે પૈસા ખર્ચવાને કારણે તે આ કરી શક્યું છે. અમેરિકાના પ્રતિબંધને કારણે તેના અર્થતંત્રને ૭૫૦ અબજ ડોલરનું નુકસાન ગયુ તો તે પણ પચાવી જઇને તે આ કરી શક્યું છે.
ક્યુબન નાગરિકોની સરેરાશ ઉંમર ૭૮ વર્ષ છે જે અમેરિકન નાગરિકોની સમકક્ષ છે. અમેરિકાની તુલનાએ હેલ્થકેર પાછળ માત્ર ૪ ટકા ખર્ચ કરીને તે જગતની સૌથી ઉત્તમ સ્વાસ્થ્ય સેવા પૂરી પાડી રહ્યું છે. અમેરિકાની આરોગ્ય સેવાઓ બીમારી કેન્દ્રિત છે, ક્યુબાની નિવારણ કેન્દ્રિત. અમેરિકામાં દર્દી, હોસ્પિટલો અને વિમા કંપનીઓ માટે પૈસા કમાવાનું સાધન છે. ક્યુબામાં તેનાથી ઊલટું છે. એટલે જ પશ્ચિમી જગતના વિદ્વાનો ક્યુબાના જાહેર આરોગ્ય પર ઓળઘોળ છે, તેના પર અનેક પુસ્તકો લખ્યાં છે, અનેક ડોક્યુમેન્ટરી બનાવી છે. કયુબા ખરેખર ક્યુબા છે.