For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

વિશ્વનું સૌથી મોંઘું એપલઃ રૂા. 222 લાખ કરોડ

Updated: Jan 7th, 2022

Article Content Image

- અરાઉન્ડ ધ વર્લ્ડ-  કુલદીપ કારિયા

- સફરજન હંમેશા જમીન પર પડે એવું જરૂરી નથી, ક્યારેક આભ પણ આંબી જાય છેઃ સ્ટીવ જૉબ્સે સળગાવેલી ક્રાંતિની મશાલ તેમના મૃત્યુના દાયકા પછી પણ અખંડ છે

ત્રણ સફરજને દુનિયાને સૌથી વધુ પ્રભાવિત કરી છે. પહેલું સફરજન આદમે સ્વર્ગના બગીચામાંથી તોડીને ખાધું હતું એ, બીજું, આઈઝેક ન્યૂટનના માથા પર પડયું હતું એ, અને ત્રીજું સ્ટીવ જોબ્સ દ્વારા સ્થાપવામાં આવેલી  કંપની. ચાર-ચાર બંગડીવાળી ગાડી  અને બચકું ભરેલું સફરજન આપણે ત્યાં સ્ટેટસ  સિમ્બોલ મનાય છે. પણ આજે તો વાત કરવી છે માત્ર બચકા ભરેલા સફરજનની. ૧૯૭૭માં સ્થપાયેલી એપલ કંપનીની બજાર મૂડી આજે ૩ ટ્રિલિયન ડોલરને પાર કરી ચૂકી છે એટલે કે રૂપિયા ૨૨૨ લાખ કરોડ. ભારતની જીડીપી ૨.૬૨ ટ્રિલિયન ડોલર છે એટલે કે ૧૯૩ લાખ કરોડ રૂપિયા. એપલની માર્કેટ કેપ ભારતની જીડીપી કરતા તો વધારે છે જ, ઉપરાંત બીજા ૧૯૭ દેશ કરતા પણ વધારે છે. તેના શૂન્યથી સમસ્ત સુધીના આ સફરનામાનો રોમાંચક પ્રવાસ ખેડવા જેવો છે.  

એપલનો લોગો સાલ ૧૯૭૭માં રોબ જેનોફ દ્વારા ડીઝાઈન કરવામાં આવ્યો હતો. સ્ટીવ જૉબ્સ એક વખત સફરજનના બગીચામાંથી પરત ફરી રહ્યા હતા ત્યારે તેમને પોતાની કંપનીનું નામ એપલ રાખવાનું સૂઝ્યું હતું. ભારતના પુરાણોમાં અમરફળની કથા છે તો ગ્રીક શાસ્ત્રો પ્રમાણે સફરજનને કારણે ત્રણ દેવીઓ વચ્ચે ઝઘડો થયેલો. તે ટ્રોજન વૉર તરીકે ખ્યાત છે. એક સોનાનું સફરજન હતું જે ત્રણે દેવીઓને જોઈતુ હતું. તેમણે સફરજન કોને આપવું તેનો નિર્ણય કરવા ટ્રોજનના રાજકુમાર પેરિસને બોલાવ્યા.  ત્રણે દેવીઓમાંથી જે સૌથી વધારે સુંદર હોય તેને આ સફરજન આપવું તેવું નક્કી થયું. એ દેવીઓ એટલે એફ્રોડાઈટ, એથેની અને હેરા.  કોણ સૌથી વધુ સુંદર છે તે નક્કી કરવાની સત્તા  રાજકુમાર પેરિસના હાથમાં હતી. રાજકુમાર પોતાને પસંદ કરે એટલા માટે ત્રણે દેવીઓએ  તેને જુદા-જુદા પ્રલોભન આપ્યાં. એફ્રોડાઈટે તેને દુનિયાની સૌથી સુંદર સ્ત્રી સાથે પ્રેમનું પ્રલોભન આપ્યું. રાજકુમાર પેરિસે તેને સુવર્ણ સફરજનની ભેટ આપી.  આ કથાનો મર્મ આજે પણ એટલો જ સાચો છે. એપલનો ફોન હોય કે મેકબુક, વિશ્વના મોટા ભાગના લોકો માટે તે પ્રલોભનનું કારણ છે. 

સ્નોવાઈડ અને સાત વેંતિયા નામની પરિકથામાં સાવકી દીકરીના સૌન્દર્યથી બળી મરતી રાણીએ તેને એક ઝેરી સફરજન ખવડાવી દીધેલું. રાજકુમારી મૂર્છિત થઈને જમીન પર પડી જતાં તેને કાચના કોફીનમાં સુવડાવી દીધી. ત્યાં અચાનક એક ઉધરસ આવતા સફરજનનો કટકો તેના ગળામાંથી બહાર નીકળી ગયો અને તે પુર્નજીવિત થઈ ઊઠી. બીટલ્સે જ્યારે ૧૯૮૬માં  પોતાના રેકોર્ડિંગ લેબલની શરૂઆત કરી ત્યારે તેને એપલ  રેકોર્ડ્સ નામ આપ્યું હતું. તેના લોગોમાં ચળકતું ગ્રેની સ્મિથ સફરજન દર્શાવવામાં આવ્યું હતું. 

આજે એપલ કંપનીની બોલબાલા છે. અમેરિકાના શેરબજારમાં તેના શેરનો ભાવ ૧૮૨.૮૮ ડોલરના વિક્રમી સ્તરે પહોંચ્યો છે.  કોરોના મહામારી માત્ર એપલ નહીં, તમામ ટેકનોલોજી કંપનીઓને ફળી છે. જગતભરમાં  લોકડાઉન થતા ઑનલાઈન બિઝનેસ વધ્યો છે.  શિક્ષણ પણ ઑનલાઈન થઈ જતાં સ્માર્ટ ફોન અને લેપટોપની ખરીદીમાં ધૂમ ઉછાળો આવ્યો છે. ઓગસ્ટ ૨૦૨૦માં મહામારી દરમિયાન  એપલની માર્કેટ કેપ ૨ ટ્રિલિયન ડોલરને પાર થઈ ગઈ. બેમાંથી ત્રણ ટ્રિલિયન ડોલર સુધી પહોંચવામાં તેને માત્ર ૧૬ મહિના લાગ્યા. આજે આ કંપની આઈફોનની સાથોસાથ એપલ ટીવી, એપલ મ્યુઝિક અને એપલ સ્ટોરમાંથી પણ પુષ્કળ કમાણી કરી રહી છે. એપલ સ્ટોરને ૭૦ ટકા આવક વીડિયો ગેમમાંથી થાય છે. 

છેલ્લા પાંચ વર્ષમાં એપલના શેરની કિંમતમાં છ ગણો વધારો થયો છે. સ્ટાન્ડર્ડ એન્ડ પુઅર્સ ૫૦૦ ઈન્ડેક્સના કુલ મૂલ્યમાં એપલનો ફાળો સાત ટકા છે. કોઈ પણ કંપનીનો હિસ્સો અત્યાર સુધી આટલો મોટો રહ્યો નથી. મહામારી દરમિયાન એપલની પ્રોડક્ટ્સ કાંદા અને બટેટાની જેમ વેચાઈ છે.   નિષ્ણાતોના મત પ્રમાણે અત્યારે આ કંપની જે ઊંચાઈ પર પહોંચી ગઈ છે તેનાથી આગળ વધવું તેના માટે કઠિન છે. કારણ કે આઈફોનના નિર્માણમાં હવે કશુંક નવું અને આકર્ષક લાવવામાં મુશ્કેલી પડી રહી છે. જેટલી ઝડપથી તે બે ટ્રિલિયન ડોલરથી ત્રણ ટ્રિલિયન ડોલરે પહોંચી છે એટલી ઝડપથી તે ચાર ટ્રિલિયન ડોલર સુધી પહોંચશે નહીં એવું નિષ્ણાતોનું માનવું છે. અત્યારે એપલની કુલ કમાણીમાં ૫૦ ટકા હિસ્સો આઈફોનનો છે. હવે તેને આગળ વધવું હશે તો આઈફોન છોડીને અન્ય ઉત્પાદનો પર ધ્યાન કેન્દ્રિત કરવું પડશે. એપલ સંચાલકો પણ આ વાત બરાબર જાણે છે એટલે જ તેઓ સેલ્ફ ડ્રાઈવિંગ કાર અને આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ પર પણ કામ કરી રહી છે. 

એપલની માર્કેટ કેપ ભારતની કુલ જીડીપી કરતા તો વધારે છે જ ઉપરાંત યુરોપના કેટલાક શેરબજારમાં નોંધાયેલી તમામ કંપનીઓના કુલ બજાર મૂલ્ય કરતા પણ  એપલનું બજાર મૂલ્ય વધારે છે. અમેરિકાની જીડીપી ૨૦.૯ ટ્રિલિયન ડોલર છે. ચીનની ૧૪.૭ ટ્રિલિયન ડોલર છે. જાપાનની ૫.૧ ટ્રિલિયન ડોલર અને જર્મનીની ૩.૮ ટ્રિલિયન ડોલર છે. માત્ર આ ચાર દેશની અર્થવ્યવસ્થા   એપલની માર્કેટ કેપ કરતા મોટી છે. બ્રિટન, ફ્રાન્સ, ઇટલી અને કેનેડા પણ તેનાથી પાછળ છે. માઈક્રો સોફટ, આલ્ફાબેટ, એમેઝોન, ટેસ્લા અને મેટા પણ તેનાથી પાછળ છે. 

આ કંપનીને લઈને કેટલાક વાદ-વિવાદ પણ છે. ભારતમાં કોમ્પિટીશન કમિશન ઑફ ઇંડિયાએ તેની સામે તપાસ શરૂ કરી છે. બજાર પર પોતાનું પ્રભુત્વ સ્થાપિત કરવા માટે તે સ્પર્ધા વિરોધી કાનૂનોનું ઉલ્લંઘન કરી રહી છે. અન્ય પ્રતિસ્પર્ધીઓ ન ટકી શકે એવી સ્થિતિનું નિર્માણ કરી રહી છે. આવો જ કેસ યુરોપિયન યુનિયનમાં પણ ચાલી રહ્યો છે.  તે સાલ-૨૦૨૦થી એપલ સામે તપાસ કરી રહ્યું છે. આવો જ આક્ષેપ ગૂગલ પર પણ છે. આ બંને કંપનીઓ પોતે જે એપ્લિકેશન ધરાવતી હોય તેના જેવી જ બીજી કોઈ એપ્લિકેશન માર્કેટમાં આવે તો તેને એપ સ્ટોરમાં પેઈડ બનાવી દે છે જેથી વપરાશકાર તે ખરીદવા ન પ્રેરાય અને તેના બદલે એપલની જ એપ સર્વિસનો ઉપયોગ કરે. ભારતમાં આવી ચિંતા અનેક સ્ટાર્ટઅપ કંપનીઓએ વ્યક્ત કરી છે તો યુરોપમાં સ્વીડીશ કંપની સ્પોર્ટ એને આ વિશે  યુરોપિય સંઘમાં ફરિયાદ કરી હતી.

એપલમાં હાલ ૧,૪૦,૦૦૦ કર્મચારીઓ કામ કરે છે. સાલ ૨૦૧૮માં એપલે રોજ ૮,૪૯,૪૫૦ આઈફોન વેચ્યા હતા. ૨૦૨૧ના પ્રથમ કવાર્ટરમાં એપલે પ્રતિ મિનિટ ૬,૯૧,૨૩૫  ડોલરની કમાણી કરી હતી. એપલ આઈફોનની દરેક એડમાં ૯.૪૧ વાગ્યાનો ટાઈમ દર્શાવવામાં આવેલો હોય છે, એ સમયે સ્ટીવ જોબ્સે સાલ ૨૦૦૭માં પહેલા આઈફોનનું અનાવરણ કર્યું હતું. સ્ટીવ જૉબ્સ એટલે વિશ્વની એવી પહેલી વ્યક્તિ જેણે પર્સનલ કોમ્પ્યુટર બનાવ્યું. જેણે એવો વિચાર આવ્યો કે કોમ્પ્યુટર ઘરમાં પણ રાખી શકાય. આઈફોન દ્વારા તેણે દુનિયાને મેસેજ આપ્યો કે ટેકનોલોજીને પણ રૂપ હોઈ શકે છે. તે સુંદર અને આકર્ષક હોઈ શકે છે.  આજે તેમના અવસાન પછી પણ એપલ આગેકૂચ કરી રહી છે. કારણ કે તેણે તેની કંપનીને કોઈ પણ વ્યક્તિ કરતા મહાન બનાવી છે.

Gujarat