For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

વિશ્વ: સુરક્ષા અને વિકાસની જુગલબંધી

Updated: Aug 6th, 2021


- અરાઉન્ડ ધ વર્લ્ડ-  કુલદીપ કારિયા

- ભારતના યુવાનોએ ભણવા, નોકરી કરવા અને સેટલ થવા શા માટે કેનેડાની વાટ પકડી છે? વિચારવા જેવો મુદ્દો

- કોરોનાએ એક નવો જ દૃષ્ટિકોણ આપ્યો છે. જે દેશ આપદા સામે લડવા માટે જેટલો વધારે સક્ષમ હોય તેતેટલો વિકસિત

છેલ્લાં બે વર્ષથી સતત એવી ઘટનાઓ ઘટી રહી છે જેણે આપણો દૃષ્ટિકોણ સાવ પાયામાંથી બદલી નાખ્યો છે. દરેક દેશની દોડ અવિકસિતથી વિકાસશીલ અને વિકાસશીલથી વિકસિત બનવા તરફની હોય છે, જે આપણી પણ છે, પરંતુ હવે વિકાસની વ્યાખ્યા નવેસરથી કરવી પડે એમ છે.

કોઈ દેશમાં પૈસાની તંગી દૂર થઈ ગઈ હોય પરંતુ પ્રદૂષણનો પ્રશ્ન જડબું ફાડીને ઊભો હોય તો શું તેને વિકાસ કહીશું? કોરોનાએ એક નવો જ દૃષ્ટિકોણ આપ્યો છે. જે દેશ આપદા સામે લડવા માટે જેટલો વધારે સક્ષમ હોય તે તેટલો વિકસિત. તાલીબાન અફઘાનિસ્તાનમાં પુનરાગમન કરી રહ્યાં છે. આ એવી ઘટના છે જેની કદાચ આપણને કલ્પના પણ નહોતી. યુદ્ધ અમેરિકાએ કર્યું, પલાયન પણ અમેરિકા કરી રહ્યું છે અને સૌથી વધારે ખતરો ભારતને છે.  ચીન અને તાલીબાન વચ્ચે મિત્રતાના બીજ વવાઈ ચૂક્યા છે. પાકિસ્તાનની જેમ ચીન પણ તેનો ઉપયોગ ભારત સામે પ્રોક્સિવોર છેડવા માટે કરશે. આ પ્રકારના ઓચિંતા નિર્મિત થનારા સંકટો સામે સંરક્ષણાત્મક અને આક્રમણકારી શક્તિ પણ વિકાસનું એક મહત્ત્વપૂર્ણ પરિમાણ છે. બાંગ્લાદેશમાં આર્થિક વિકાસે વેગ પકડયો છે તો તેમને રોહિંગ્યા શરણાર્થીઓની સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો છે. આવામાં કોને વિકાસ કહીશું એ વિશે ફરીથી વિચારવાનો સમય આવી ગયો છે. 

બ્રિટનની એંગલિયા રસ્કીન યુનિવર્સિટીના વિજ્ઞાાનીઓએ એક નવો જ દૃષ્ટિકોણ પ્રસ્તુત કર્યો છે. તેમણે એવો વિચાર કર્યો કે પ્રલય આવી પડે તો ક્યા દેશો સલામત રહે? આ પ્રલય મોસમી, આર્થિક, સામાજિક કે બીજા કોઈ પણ સ્વરૂપમાં હોઈ શકે છે. સસ્ટેનેબિલિટી જર્નલમાં પ્રસિદ્ધ થયેલા અભ્યાસમાં વિજ્ઞાાનીઓએ તમામ રીતે સૌથી સુરક્ષિત હોય એવા દેશોની સૂચિ બનાવી છે.  આ સૂચિમાં સૌથી પહેલો નંબર ન્યુ ઝીલેન્ડનો આવે છે. સંશોધકો કહે છે કે ન્યુ ઝીલેન્ડમાં તમામ પ્રકારના ઝટકા સહેવાની સૌથી વધારે ક્ષમતા છે. દુનિયાના સૌથી ધનવાન લોકો ન્યુઝીલેન્ડમાં બંકર બનાવવા માટે જમીન ખરીદી રહ્યા છે. તમે ગમે તેટલા વિકસિત હો કિંતુ સુરક્ષિત ન હો તો બધું જ નકામું છે. સૌથી સુરક્ષિત એ જ સૌથી વિકસિત એવી નવી વ્યાખ્યા આકાર લઈ રહી છે. 

સંશોધકોની સૂચિમાં બીજા ક્રમે ઓસ્ટ્રેલિયા આવે છે. ઓસ્ટ્રેલિયામાં તસ્માનિયા નામનો વિસ્તાર સૌથી સલામત છે. ત્યાં પુન:પ્રાપ્ય ઊર્જાનો પણ ધોધ વહે છે. ત્યાં તમે અત્યંત સલામત જીવન જીવી શકો છો. ત્રીજા ક્રમે આયર્લેન્ડ આવે છે. આયર્લેન્ડના ત્રણ પ્લસ પોઈન્ટ છે. પુન:પ્રાપ્ય ઊર્જા, પુષ્કળ કૃષિ સંસાધનો અને ઓછી વસ્તી. લોકોને એમ પૂછવામાં આવે કે તમારે  સલામતી જોઈએ છે કે સમૃદ્ધિ? તો મોટા ભાગના સલામતીને પ્રાથમિકતા આપવાના. મોઢામોઢ કદાચ ન સ્વીકારે તો પણ બહુધા મનુષ્યોનું વલણ પહેલાં સુરક્ષા પ્રાપ્ત કરવાનું હોય છે. જીવમાત્રનું આ વલણ છે અને માણસ પણ તેમાંથી બાદ નથી. સંશોધકોએ જે દેશોની યાદી તૈયાર કરી છે તે એવા દેશો છે જે આર્થિક રીતે સમૃદ્ધ પણ છે, અને બીજી તમામ દૃષ્ટિએ સુરક્ષિત પણ.

આ સૂચિમાં ચોથા ક્રમે આઈસલેન્ડ આવે છે. યુરોપનો આ ટચુકડો દેશ ઉત્તર એટલાંટિક મહાસાગર સાથે જોડાયેલો છે. પોતાની ભૌગોલિક સ્થિતિને કારણે તેને સલામતીનો સૌથી વધુ લાભ મળે છે. ત્યાં આર્થિક વિકાસ પણ ખૂબ સારો છે. સાથોસાથ ખનિજ સંસાધનો પણ ભરપૂર માત્રામાં છે. પાંચમા નંબર પર બ્રિટન આવે છે. ફળદ્રુપ જમીન, પુન:પ્રાપ્ય ઊર્જાના સ્રોતો, કુદરતી આપદાઓને આઘી રાખનારી ભૌગોલિક સ્થિતિ, મજબૂત અર્થવ્યવસ્થા, ટેકનોલોજિકલ વિકાસ આ બધા જ તેના જમાપાસાં છે. 

ભારતમાંથી વિદેશ ભણવા જવાની અથવા નોકરી કે બિઝનેસ માટે જવાની તૈયારી કરતાં  યુવાનોને પૂછો કે તમારે ક્યાં જવું છે? તો પચાસ ટકાનો જવાબ હશે કેનેડા. તેનું કારણ છે, કેનેડાની સરકાર પ્રતિભાવંત વિદ્યાર્થીઓને અને પ્રોફેશનલ્સને આવકારી રહી છે. તેના વિઝા અને પી.આર. મેળવવા માટેની પ્રોસેસ સૌથી વૈજ્ઞાાનિક છે. તેની વસ્તી માત્ર ૩,૮૦,૦૦,૦૦૦ છે. પુષ્કળ માત્રામાં જમીન છે.  મહાસાગરો સુધી સીધી પહોંચ છે. ઉત્તર અમેરિકા સાથે સીધું જોડાણ છે. ટેકનોલોજિકલ વિકાસ પણ ખૂબ સારો છે. વિવિધ પ્રકારની આપદા સહેવાની જબરદસ્ત ક્ષમતા ધરાવે છે.  આ યાદીમાં સાતમા ક્રમે નોર્વે છે. તેની વસ્તી ૫૫ લાખ છે. યુરેશિયા સાથે ભૌગોલિક  જોડાણ છે. પુન:પ્રાપ્ય ઉર્જાનો અખૂટ ખજાનો છે. ટેકનોલોજિકલ વિકાસ પૂરબહારમાં થયો છે. આ બધાં જમાપાસાં તેને આપદા સામે ઝીંક ઝીલવાની પ્રચંડ શક્તિ પ્રદાન કરે છે. નોર્વે પછી ફીનલેન્ડ, ડેનમાર્ક, સ્વીડન, જર્મની અને ફ્રાંસને સ્થાન અપાયું છે. તેની મજબૂતી પણ લગભગ-લગભગ નોર્વે જેવી જ છે. તેઓ કોઈપણ પ્રકારના સંકટમાંથી ઝડપથી બેઠા થવાની ક્ષમતા ધરાવે છે.

પડીને ઊભા થવામાં અવ્વલ જાપાન આ યાદીમાં ન હોય એવું શી રીતે બને? નોર્વેની જેમ જાપાન પાસે પણ જબરદસ્ત નિર્માણ શક્તિ છે. ટેકનોલોજીમાં તો તેનો જોટો જડે તેમ નથી. કોરોના વચ્ચે પણ તેણે ઓલિમ્પિકનું સફળ આયોજન કરી બતાવ્યું છે. હવે જ્યારે પણ વિકાસની વાત થશે ત્યારે સંરક્ષણ, આર્થિક સમૃદ્ધિ, કુદરતી અને માનવસર્જિત આફતોમાંથી ઝડપથી બેઠા થવાની ક્ષમતા, પ્રદૂષણ પર નિયંત્રણ વગેરે મુદ્દાઓની ચર્ચા અનિવાર્ય બની રહેશે.

વૈશ્વિક હાઇલાઇટ્સ...

- મલેશિયામાં એક જણાએ ૧૮૦ કિ.મી. સુધી હેલિકોપ્ટર ઉડાડીને મહામારીના નિયમોનો ભંગ કર્યો હતો. રેસ્ટોરન્ટમાંથી અનાજ લાવવા, લઈ જવા માટે તેણે આ પગલું ભર્યું હતું. 

- ટોક્યોમાં નવા કેસમાં વિક્રમી ઉછાળો જોવા મળી રહ્યો છે. જો કે ઓલિમ્પિક વિલેજમાં સ્થિતિ નિયંત્રણ હેઠળ છે. ટોક્યોમાં રોજના ૩૦૦૦ હજાર કોવિડ કેસીસ નોંધાઈ રહ્યા છે. ઓસ્ટ્રેલિયાની રાજધાની સિડનીમાં એક મહિના સુધી લોકડાઉન લંબાવવામાં આવ્યું છે. 

- અમેરિકાના સેન્ટર ફોર ડિસીઝ કંટ્રોલે  સૂચના આપી છે કે જે વિસ્તારોમાં કોરોનાનું પ્રમાણ વધારે જોવા મળી રહ્યંું છે ત્યાંના લોકોએ માસ્ક પહેરવું જોઈએ. કેલિફોર્નિયા અને ન્યુયોર્કના ગવર્નરે આદેશ આપ્યો છે કે સરકારી કર્મચારીઓએ કાં તો રસી લેવી પડશે અથવા દર અઠવાડિયે કોવિડ ટેસ્ટ કરાવવાનો રહેશે. 

- ફ્રાંસની સંસદે પસાર કરેલા નવા ખરડા પ્રમાણે રેસ્ટોરન્ટ અને બારમાં દાખલ થતી વખતે અથવા ટ્રેન કે પ્લેનમાં બેસતી વખતે લોકોએ ફરજિયાતપણે કોવિડ-૧૯ હેલ્થ કાર્ડ બતાવવાનું રહેશે. પ્રમુખ ઈમેન્યુઅલ મેક્રોનનું માનવું છે કે આનાથી લોકો ફરજિયાત રસીકરણ માટે દોરવાશે. સરકારના આ નવા કાયદાનો લાખો લોકોએ પેરિસ તથા અન્ય શહેરોની સડક પર ઊતરીને વિરોધ કર્યો હતો. 

- પેડ્રોકાસ્ટિલો પેરુના નવા પ્રમુખ બન્યા છે. ડાબેરી વિચારધારાના આ નેતા અગાઉ સ્કૂલ ટીચર હતા અને ત્યારબાદ રાજનીતિમાં જોડાયેલા. તેઓ પેરુનું બંધારણ નવેસરથી લખવા માગે છે. 

Gujarat