વાયરલની દુનિયાઃ હાસ્ય, વ્યંગ, મેસેજ અને ઘણું બધું


- અરાઉન્ડ ધ વર્લ્ડ- કુલદીપ કારિયા

- અમેરિકાની સડક પર ગીત ગાઈ રહેલી ભારતીય મૂળની મહિલાને સાંભળવા ટોળું એકત્રિત થયું, એ ટોળામાં તે જે ગીત ગાઈ રહી હતી તેના ગાયક પણ ઉપસ્થિત હતા, જૉન લીજન્ડ

સવાર પડે ને મોબાઈલમાં ગુડ મોર્નિંગના મેસેજનો ઢગલો થઈ જાય, બે પંક્તિઓ અથવા વન લાઈનર ઘણી વખત ટૂંકમાં એટલું બધું કહી દે છે કે જેટલું એક આર્ટીકલ કે એક નવલકથા પણ ન સમજાવી શકે. વર્તમાન સમય તેનાથી પણ આગળ વધી ગયો છે. ગુડ મોર્નિંગ મેસેજ કે ક્વોટ્સ કરતા પણ વધારે બોલબાલા થઈ ગઈ છે શોર્ટ વીડિયોની. દસથી ચાલીસ સેકન્ડનો વીડિયો વીજળીવેગે આખી દુનિયામાં ફેલાઈ જાય છે અને લોકોના ચહેરા પર સ્મિત લાવી દે છે અથવા રડાવી દે છે યા જીવનભર ગાંઠે બાંધીને રાખવા જેવી કોઈક માર્મિક વાત કહી દે છે અર્થાત લખાતા શબ્દોનું સ્થાન વાઈરલ વીડિયોએ લઈ લીધું છે.

અમેરિકાના એરિઝોના સ્ટેટના યુમા શહેરનો એક ભૂતપૂર્વ સૈનિક ગેસ સ્ટેશન સ્ટોરમાં ગયો હતો ત્યારે બે માસ્કધારી લૂંટારા ત્યાં ત્રાટક્યા. તેમની પાસે હથિયાર હતા. તેમણે કેશિયર સામે બંદૂક તાકી તેની પાસે રહેલા બધા જ પૈસા આપી દેવા હુકમ કર્યો. કેશિયર કંઈ સમજે કે રિએક્ટ કરે એ પહેલાં જ પેલો સૈનિક બંને લૂંટારા પર તૂટી પડયો અને તેમને નિહત્થા કરી દીધા. સ્ટોરની બહાર ઊભેલો ત્રીજો લૂંટારો આ દૃશ્ય જોઈને ભાગ્યો. 

સીસી ટીવી કેમેરામાં કેદ થયેલું આ દૃશ્ય સોશિયલ મીડિયામાં સુગંધની જેમ ફેલાઈ ગયું છે. આ ફૂટેજ અમેરિકાની પોલીસે તેના સત્તાવાર ફેસબુક પેજ પર મૂકી છે. માત્ર ગણતરીની  મિનિટોમાં તેને લાખો વ્યૂઝ મળી ગયા ને કોઈ શૌર્યગાથા પણ ન કહી શકે તેવી વાસ્તવિક ઘટના એક નાનકડી ક્લિપે થોડી જ સેકન્ડોમાં કહી બતાવી. ગેસ સ્ટેશન સ્ટોરમાં  ગ્રાહક તરીકે ગયેલા એ મરિન કોર્પના જવાનનું નામ છે જેમ્સ કિલર્સલ. 

અમેરિકાના પ્રખ્યાત ગાયક જોન લિજન્ડે વર્ષ ૨૦૧૩માં એક ગીત ગાયું હતું ઓલ ઑફ મી, જે ખૂબ લોકપ્રિય બન્યું હતું. રાધારાવ નામની ભારતીય મૂળની છોકરી  બોસ્ટનમાં સડક પર આ ગીત પર્ફોમ કરી રહી હતી. તેણે એક પછી એક ઘણાં ગીત ગાયાં અને તેને નિહાળવા માટે, સાંભળવા માટે મોટી સંખ્યામાં લોકો એકત્રિત થયા હતા. જ્યારે તેણે ઓલ ઑફ મી ગાવાનું શરૂ કર્યું ત્યારે લોકોના આશ્ચર્યનો પાર ન રહ્યો. કારણ કે એ ગીતના મૂળ ગાયક જોન લિજન્ડ પણ તે ભીડમાં તેના પરિવાર સાથે આવીને ગોઠવાઈ ગયા હતા. ઘણા બધાએ એ ઘટનાનો વીડિયો બનાવી સોશિયલ મીડિયા પર શેર કર્યો. ગીત પૂરું થયા પછી જોને રાધારાવને ગળે લગાડી અને તેની ગાયકીના ભરપૂર વખાણ કર્યા.

અમેરિકામાં હજુપણ વર્ક ફ્રોમ હોમ પૂરું થયું નથી. જર્મન માર્શલ ફંડના સિનિયર ઑફિસર અને પીટરસન ઈન્સ્ટીટયૂટ ફોર ઈન્ટરનેશનલ ઈકોનોમિક્સ સાથે નિષ્ણાત તરીકે જોડાયેલા જોકોબ ફંગ કીર્કગાર્ડ તેમના ઘરેથી બ્લુમબર્ગ ન્યુઝ પર લાઇવ થયા હતા અને બુંડેશબેંકના અધ્યક્ષ જેમ્સ વિડ્મેનના  રાજીનામાનું વિશ્લેષણ કરી રહ્યા હતા ત્યારે અચાનક તેનો તોફાની દીકરો તેમની પાછળ પ્રગટ થયો હતો અને કેમેરા સામે જોઈને હાથ ફરકાવવા લાગ્યો. તેના ચહેરાના હાવભાવે ન્યુઝ એન્કરને ચાલુ શોએ ખડખડાટ હસવા મજબૂર કરી દીધા. કીર્કગાર્ડને ઠપકો આપવાને બદલે બ્લુમ્બર્ગના પ્રોડયુસરે એ વીડિયો ટ્વીટર પર શેર કર્યો અને આગની જેમ આખી દુનિયામાં ફેલાઈ ગયો. 

મધ્ય અમેરિકામાં ડોમિનિકા નામનો દેશ આવેલો છે. મેહુલ ચોકસી જ્યાં ભાગ્યો હતો એ દેશ. ત્યાં એમેઝોનના વરસાદી જંગલો આવેલાં છે. તંત્ર દ્વારા તેનો કેટલોક હિસ્સો સાફ કરવામાં આવી રહ્યો હતો ત્યારે દસ ફૂટ લાંબો સાપ મળી આવ્યો હતો. તેને ક્રેઈનથી ઊંચકવો પડયો. વાસ્તવિકતામાં ભાગ્યે જ જોવા મળે તેવો જાડો અને લાંબો સાપ. તેનો વીડિયો સોશિયલ મીડિયાના અનેક પ્લેટફોર્મ પર વાઈરલ બન્યો છે.  

ઘણાં બધાં લોકોને  અજાણ્યા નંબર પરથી આવતા ફોન ન ઉપાડવાની આદત હોય છે. કેનેડાના એક પર્વતારોહકને આ પ્રકારની આદત મોંઘી પડી. તે માઉન્ટ એલ્બર્ટ નામની પર્વતમાળામાં ભૂલો પડયો હતો. સ્થાનિક પ્રશાસનને આ વિશે જાણ થતાં તેમણે તરત જ યુવાનને શોધવાનું અભિયાન હાથ ધર્યું.  તેમણે તેને અનેક ફોન કર્યા. પેલાનો સિદ્ધાંત હતો કે અજાણ્યા નંબર પરથી ફોન ન ઉપાડવા. અને તેણે એક પણ ફોન ન ઉપાડયો. ૨૪ કલાક પછી તે સ્વસ્થ હાલતમાં મળી આવ્યો. લેક કન્ટ્રી સર્ચ એન્ડ રેસ્કયુએ તેના ટ્વીટર પેજ પર આ ઘટના વર્ણવીને સૂચના આપી છે કે અજાણ્યા નંબર પરથી આવતા ફોન ઉપાડો, પહાડમાં ખોવાઈ ગયા હો ત્યારે તો ખાસ.

ચેરી લોંગા બર્જર નામની એક મહિલાએ એમેઝોન વેબસાઈટ પરથી એક વસ્તુ મંગાવેલી.  તેણે ઈન્સ્ટ્રકશનમાં લખ્યું કે આ  પેકેજ મારા હસબન્ડથી છુપાવીને રાખજો. લીઝા હોલ નામની મહિલાએ સૌ પ્રથમ તો એ પેકેજ ઘરના ઉંબરે મૂકી દીધું પરંતુ ત્યારપછી પેલી સૂચના યાદ આવતાં તરત જ ત્યાંથી ઉઠાવી ઘરની બહાર ઝાડીઓમાં છુપાવી દીધું હતું. 

આ વિશે  તેણે વીડિયો બનાવીને સોશિયલ મીડિયામાં મૂકતા લોકો હસીને લોટપોટ થઈ ગયા હતા.  ચેરી જ્યારે પણ એમેઝોન પરથી ગિફ્ટ મગાવે ત્યારે એક સૂચના અચૂક લખતી રહે છે આ પેકેટ મારા હસબન્ડથી છુપાવીને રાખજો. તેની સૂચનાનું પાલન કરનારી ડિલીવરીપર્સન લીઝા  હોલ પણ તેને ઑનલાઈન મળી ગઈ હતી અને તેણે તેનો આભાર માની ઘરે આવવાનું આમંત્રણ આપ્યું હતુ. 

વૈશ્વિક હાઇલાઇટ્સ...

- જાપાનના વડાપ્રધાન ફુમિઓ  કિશિદામાં   જાપાની મતદારોએ અણધાર્યો વિશ્વાસ દાખવ્યો છે. તાજેતરમાં યોજાયેલી સામાન્ય ચૂંટણીમાં લિબરલ ડેમોક્રેટિક પાર્ટી સ્પષ્ટ બહુમતીથી વિજેતા બની હતી. આ ઘટનાને પગલે જાપાનનું શેરબજાર એક મહિનાની ટોચે પહોંચી ગયું છે. છેલ્લાં બે વર્ષમાં જાપાનમાં ત્રણ વડાપ્રધાન બદલાઈ ચૂક્યા છે ત્યારે કિશિદા પર લોકો વિશ્વાસ મૂકશે કે કેમ એ વિશે શંકા સેવાઈ રહી હતી.  

- અમેરિકાના મિશીગન રાજ્યમાં આવેલા બંટનહાર્બર શહેરનું પાણી ઝેરી થઈ ગયું છે.  સરકારે લોકોને નળના પાણીનો ઉપયોગ રસોઈમાં, શાકભાજી ધોવામાં અને બ્રશ માટે ન કરવાની ચેતવણી આપી છે. શહેરના પાણીમાં સીસાની માત્રા જોખમી હદે વધી ગઈ છે. આવું પાણી પીવાથી બાળકોનો માનસિક વિકાસ રુંધાય છે.

- શી જિનપિંગ છેલ્લા કેટલાક મહિનાઓથી આંતરરાષ્ટ્રીય મંચો પર ગેરહાજર જોવા મળે છે. ન્યુયોર્કમાં યોજાયેલી સંયુક્ત રાષ્ટ્રની સામાન્ય સભામાં અનઉપસ્થિત રહ્યા બાદ તેમણે ઇટલીમાં રોમ ખાતે આયોજિત જી-૨૦ સંમેલનમાં પણ ભાગ લેવાનું ટાળ્યું હતું. ત્યાં સુધી કે શાંઘાઈ કોપરેશન ઓર્ગેનાઈઝેશનની બેઠકમાં પણ તેમણે ભાગ ન લીધો. એક ચર્ચા એવી છે કે તેમને તખ્તાપલટનો ડર હોવાથી દેશ છોડી રહ્યા નથી. વ્લાદીન પુતિન પણ આ  જ રીતે દેશમાંથી બહાર નીકળવાનું ટાળી રહ્યા છે. 

- અફઘાનિસ્તાનમાં તાલિબાન અને ઇસ્લામિક સ્ટેટ વચ્ચે જંગ શરૂ થયો છે. તાલિબાન ઈસ્લામિક સ્ટેટના ત્રાસવાદીઓને વીણી-વીણીને મારી રહ્યું છે. અમેરિકાએ વિદાય લીધા બાદ તે ગૃહયુદ્ધમાં ધકેલાઈ જશે એવી પૂરેપૂરી શક્યતા છે. 

- ચીનની નેશનલ પિપલ્સ કોંગ્રેસની સ્ટેન્ડિંગ કમિટીએ સીમા સુરક્ષા ધારો પસાર કર્યો છે. આ કાયદો આમ તો સરહદની સુરક્ષા અને ત્યાં આવેલી જમીનના ઉપયોગને લગતો છે પરંતુ તેના લીધે ભારત સાથે ચીનના વિવાદો વધશે એવી આશંકા છે.  ભારત અને ચીન વચ્ચે ૩,૪૮૮ કિલોમીટરની સરહદનો વિવાદ છે. આ મામલે બંને દેશોએ છેલ્લાં ૧૭ મહિનાથી મોટી સંખ્યામાં સૈનિકો ત્યાં ખડકેલા છે.

City News

Sports

RECENT NEWS