બ્રાઝિલના પ્રમુખ જૈર બોલ્સોનારો ઘરભેગા થશે?
- અરાઉન્ડ ધ વર્લ્ડ- કુલદીપ કારિયા
- બ્રાઝિલમાં હજુ માત્ર 10 ટકા લોકોને જ રસીકરણ થયું છે, એમ રાતોરાત 100 ટકાને રસીકરણ સંભવ પણ નથી: હાલ વિશ્વમાં રસીના રો મટિરિયલની અછત છે
છેલ્લા થોડા વર્ષોમાં ભારતે જેમ આર્થિક આશાવાદ ઊભો કર્યો તેમ બ્રાઝિલે પણ કરેલો. બ્રાઝિલની ઇકોનોમી એક લિમિટ સુધી આગળ વધ્યા પછી બેસી ગઈ. ૨૦૦૮ પછી આવેલી વૈશ્વિક મંદી તેને નડી. ૨૦૧૬માં ડિલમા રોસેફ સામે મહાભિયોગની કાર્યવાહી કરવામાં આવી. શા માટે? તેમણે દેશથી બજેટની ખાધ છુપાવી. આજે ૨૦૨૧માં જૈર બોલ્સોનારો સામે મહાભિયોગની કાર્યવાહીની માગ ઊઠી રહી છે. કેમ? તેમણે કોરોનાની સાચી સ્થિતિ દેશવાસીઓથી છુપાવી. પરિણામ દુનિયાની સામે છે. સત્તાવાર રીતે બ્રાઝિલમાં સાડા ચાર લાખ લોકોનાં મોત થઈ ચૂક્યાં છે. બિનસત્તાવાર રીતે તો શું સ્થિતિ છે તેની કલ્પના કરવી રહી.
૨૦૦૩થી ૨૦૧૬ બ્રાઝિલમાં ડાબેરીઓનું શાસન હતું. તેમના શાસનમાં આર્થિક વિકાસ સારો હતો, પણ પાછળથી બે કૌભાંડ બહાર આવ્યા અને વૈશ્વિક મંદી પણ નડી. પરિણામે સત્તા પરિવર્તન થયું અને જમણેરી નેતા જૈર બોલ્સોનારો બ્રાઝિલના પ્રમુખ બન્યા. તેઓ જમણેરી વિચારધારાના છે. બ્રાઝિલના ઇવાન્જેલિકલ ખ્રિસ્તીઓમાં ખૂબ લોકપ્રિય છે. કોરોના આવ્યો ત્યારથી તેઓ આ મહામારીની હાંસી ઉડાવતા રહ્યા હતા. તેઓ કોવિડ ક્યારેક સામાન્ય ફ્લુ કહેતા તો ક્યારેક માનસિક બીમારી કહેતા. તેઓ લોકડાઉનના પણ વિરોધી હતા. વિશ્વ આખું બંધ હતું ત્યારે બ્રાઝિલના બીચ પર મેળવાડા જામતા હતા. પણ આ નરી આંખે ન દેખાતો વાઇરસ એમ કોઈને મૂકતો નથી.
બ્રાઝિલમાં કોરોનાની ભયંકર મહામારી ફાટી નીકળી. અને સત્તાવાર રીતે ૪,૬૦,૦૦૦ લોકો મૃત્યુ પામ્યા. રસી કંપનીઓ બ્રાઝિલને રસી આપવાની ઘણા સમયથી ઑફર કરી રહી હતી, પણ માથા ફરેલા પ્રમુખ તે સતત ઠુકરાવી રહ્યા હતા. જો ત્યારે તેમણે ઑફર સ્વીકારી લીધી હોત તો બ્રાઝિલ રસીકરણ શરૂ કરનારો દુનિયાનો પહેલો દેશ બનત. આજે યુરોપ અને અમેરિકામાં ધમધામાટ સાથે વેક્સિનેશન ચાલી રહ્યું છે અને બ્રાઝિલમાં રસીની શોર્ટ સપ્લાય છે. હજી સુધી માત્ર ૧૦ ટકા પબ્લિકને જ રસી મળી છે અને બીજી બાજુ કોવિડ પોતાનું રોલર ક્રૂરતાપૂર્વક ફેરવી રહ્યો છે.
એવે ટાળે બ્રાઝિલની જનતા તેના મૂર્ખ પ્રમુક જૈર બોલ્સોનારો પર ક્રોધે ભરાઈ છે. ઇવાન્જેલિકલ ખ્રિસ્તીઓમાંથી પણ મોટા ભાગના તેમના વિરોધી બની ગયા છે.
બ્રાસિલિયા, રિયો ડિ જાનેરો સહિતના શહેરોમાં લોકો પ્લેકાર્ડ સાથે સડક પર ઊતરી આવ્યા છે અને જૈર બોલ્સોનારોના રાજીનામાની માગણી કરી રહ્યા છે. વિપક્ષી નેતાઓ, ટ્રેડ યુનિયન અને સામાજિક આંદોલનકારીઓ પણ તેમાં જોડાયા છે. મહામારીમાં મૃત્યુ પામેલા લાખો લોકોને શ્રદ્ધાંજલિ આપવા અનેક પ્રદર્શનકારીઓ હાથમાં ક્રોસ લઈને નીકળ્યા હતા. કેટલાક પ્લેકાર્ડ પર બોલ્સોનારોને હટાવવાની માગણી હતી તો કેટલાક પર દેશને ૧૦૦ ટકા વેક્સિનેટેડ કરવાની માગણી હતી. ૧૦૦ ટકા રસીકરણ હવે એમ સંભવ નથી, કારણ કે દુનિયામાં રસી બનાવતી કંપનીઓ ઓછી છે તથા રસી બનાવવા માટેના રો મટિરિયલની પણ શોર્ટેજ ઊભી થઈ છે. સડક પર ઊતરેલા કેટલાક લોકોના હાથમાં જે પ્લેકાર્ડ્સ હતા તેમાં મૂળ નિવાસી બ્રાઝિલિયનોની રક્ષા તથા એમેઝોનના વૃક્ષો ન કાપવાની માગણી કરવામાં આવી હતી.
બ્રાઝિલમાં સંસદીય મોડેલ યુરેપ અને અમેરિકાનું સંયુક્ત છે. પ્રમુખ ઇચ્છે એ પ્રમાણે બજેટ અને કાયદા બનાવી શકે, પણ સંસદમાં બહુમતી વિના તે મંજૂર કરી શકે નહીં. ત્યાં ૩૦ જેવા રાજકીય પક્ષો એવા છે જે સંસદમાં થોડી ઘણી બેઠક મેળવે છે, પણ તેમને કોઈ ખાસ રાજકીય વિચારધારા નથી. કોઈ પણ સરકારને ટેકો આપી દે. બસ તેને પોતાનો લાભ જોઈએ. સત્તા પક્ષ જેટલો નબળો એટલા આ ખાઉધરા પક્ષો વધારે શક્તિશાળી બને છે. તેમને રોડના કોન્ટ્રાક્ટ જોઈએ. ઇમારતોને કલરકામના કોન્ટ્રાક્ટ જોઈએ. એવું બધું. જૈર બોલ્સોનારોને છેલ્લા કેટલાક વખતથી અંદાજ આવી ગયો છે કે તેમના વિરુદ્ધ મહાભિયોગની કાર્યવાહી થઈ શકે છે. આથી તેમણે પણ આવા પક્ષોનું સમર્થન મેળવવાનું શરૂ કર્યું છે. સમર્થનનો અર્થ અહીં સોદેબાજી સિવાય તો બીજો શું થાય? ત્યાંના ગઠબંધન પક્ષોને સેન્ટ્રીઓ તરીકે ઓળખવામાં આવે છે. જૈર બોલ્સોનારો અને આ સેન્ટ્રિયો પક્ષો મળીને બ્રાઝિલની તિજોરી ઉસેડવા લાગ્યા હોવાના અહેવાલો બ્રાઝિલના લીડીંગ દૈનિક એસ્ટેડો ડી. એસ પાઉલોમાં છપાતા રહે છે.
માત્ર ૩૩ ટકા બ્રાઝિલિયનો સુધી જ સરકારી મદદ પહોંચી છે. બોલ્સોનારોનું અપ્રુવલ રેટિંગ ૪૦માંથી ૩૦ ટકા થઈ ગયું છે. મોંઘવારી ફાટીને આસમાને ગઈ છે. ભ્રષ્ટાચાર એ કંઈ નવી વાત નથી. તે ચિંતાનો મુદ્દો જરૂર છે, પણ તેનાથી મોટી ચિંતા બ્રાઝિલિયનો માટે એ હોય કે ત્રીજી લહેર કે ચોથી લહેર આવશે ત્યારે શું? અમેરિકાએ જેમ ડોનલ્ડ ટ્રમ્પને હટાવ્યો તેમ બ્રાઝિલે જૈર બોલ્સોનારોને હટાવી કોઈ સમજદાર નેતાને સત્તા પર લાવવો પડે. બ્રાઝિલની જનતા કેટલુંક જોર બતાવે છે તે આગામી દિવસોમાં જોવા મળશે.
વૈશ્વિક હાઇલાઇટ્સ...
- બેલારુસે ગ્રીસથી લિથુઆનિયા જઈ રહેલું એક પ્લેન હાઇજેક કરી લીધું હતું. તેમાં ૧,૦૦૦ મુસાફરો સવાર હતા. બેલારુસિયન એરસ્પેસમાંથી આ પ્લેન પસાર થઈ રહ્યું હતું ત્યારે સત્તાધીશોએ આ વિમાનમાં બોમ્બ હોવાનો ધડાકો કરીને તેનું તાકીદે ઉતરાણ કરાવ્યું હતું. બેલારુસના પ્રમુખ લુકાશેન્કો વિરુદ્ધ વિપક્ષને સંગઠિત કરનાર પત્રકાર શ્રીમાન પ્રોટાસેવિચ અને તેમની ગર્લફ્રેન્ડ આ વિમાનમાં સવાર હતા. બંનેની ધરપકડ કરવામાં આવી હતી.
- જાપાનમાં કોવિડે ફરીથી ઉછાળો મારતા અમેરિકાએ તેના નાગરિકોને જાપાનની યાત્રા ન કરવા ચેતવણી આપી છે. ૮૦ ટકા જાપાનીઓ માને છે કે જુલાઈમાં શરૂ થનારી ઓલિમ્પિક્સ ફરીથી મુલતવી રાખવી જોઈએ અથવા હંમેશા માટે કેન્સલ કરવી જોઈએ.
- ટેક્સાસમાં લાયસન્સ વિના હેન્ડગન રાખવાની છૂટ આપવામાં આવી છે. સાથોસાથ જેમને ગન હેન્ડલ કરતા ન આવડતું હોય તેમના માટે ઑનલાઇન કોર્સ શરૂ કરવામાં આવ્યો છે.
ઇરાને ઇન્ટરનેશનલ એટમિક એનર્જી એજન્સી સાથે સમજૂતિ કરી છે, જે અંતર્ગત તે વધુ એક મહિના સુધી આંતરરાષ્ટ્રીય સમીક્ષકોને તેના ન્યુક્લિઅર પ્લાન્ટ્સની સમીક્ષા કરવા દેશે. ઇરાને દાવો કર્યો છે કે તે યુરેનિયમનું ૬૦ ટકા સુધી સમૃદ્ધિકરણ કરી રહ્યું છે. આટલું સમૃદ્ધિકરણ એ જ દેશો કરતા હોય જે યુરેનિયમનો ઉપયોગ બોમ્બ માટે કરવાના હોય.
- સ્ત્રીઓને ગુલામ બનાવીને રાખતો બોકો હરામનો ત્રાસવાદી અબુબકર શેકોએ વિરોધી જૂથના હાથમાં આવી જવાના ડરથી પોતાને ઉડાવી દીધો હતો. તે અગાઉ પાંચ વખત મૃત જાહેર થઈ ચૂક્યો છે. જોકે આ વખતે સમાચાર સાચા લાગે છે.
- માલીમાં સેનાએ ફરીથી બળવો કર્યો છે. કારણ એટલું જ કે રાષ્ટ્રપતિએ આર્મીની પસંદગી પ્રમાણે કેબિનેટ વિસ્તરણ કર્યું નહીં. ગયા સપ્ટેમ્બરમાં પણ આર્મીએ બળવો કર્યો હતો. સેના અને રાજનીતિ અલગ હોવા જોઈએ. એક વખત સેના રાજનીતિનો, સત્તાનો સ્વાદ ચાખી જાય એટલે થઈ ગયું. પાકિસ્તાનનું ઉદાહરણ પણ આપણી નજર સામે જ છેને.