યુએનનું કાયમી સભ્યપદઃ ભારત વિ.ચીન
- અરાઉન્ડ ધ વર્લ્ડ- કુલદીપ કારિયા
- તાઇવાનને 1945માં સંયુક્ત રાષ્ટ સુરક્ષા પરિષદનું કાયમી સભ્ય બનાવાયેલુંઃ તેને હટાવીને ભારતને સભ્ય બનાવવાની વાત હતી
ભારત-ચીન વચ્ચેના સંબંધો ઐતિહાસિક નીચલી સપાટીએ પહોંચ્યા છે ત્યારે ફરીથી નહેરુની ભૂલ ચર્ચાનું કેન્દ્ર બની છે. ભારત પાસે યુએનની સુરક્ષા સમિતિમાં કાયમી સભ્યપદ મેળવવાનો સોનેરી અવસર હતો, જે નહેરુના આદર્શવાદને લીધે આપણે હાથે કરીને ખોઇ બેઠા. બેશક આ એક ભૂલ છે, પણ આ ભૂલને આધાર બનાવીને વર્તમાન સરકાર પોતાની ક્ષતિઓ છુપાવી શકે નહીં. આપણે સુરક્ષા સમિતિના કાયમી સભ્ય હોત તો આપણને ઘણા બધા ફાયદા થયા હોત. પણ તેનો અર્થ એ નથી કે આપણે કાયમી સભ્યપદના આધારે ચીનને દબાવી દીધું હોત. ચારેકોર શત્રુઓથી ઘેરાયેલા ઇઝરાયલ પાસે ક્યાં કાયમી સભ્યપદ છે? તો ય તે વાઘ બનીને નથી બેઠું? શત્રુને હરાવવા માટે બે જ આવશ્યકતાઓ છે. એક, ઉત્તમ રણનીતિ, અને બે, અત્યાધુનિક શસ્ત્રો.
જાન્યુઆરી ૧૯૪૨માં જ્યારે યુનાઇટેડ નેશન્સ અસ્તિત્ત્વમાં આવ્યું ત્યારે ઘોષણા પત્ર પર હસ્તાક્ષર કરનારા ૨૬ દેશોમાં એક ભારત પણ હતું. ૨૫ એપ્રિલ ૧૯૪૫થી સાન ફ્રાન્સિસ્કોમાં યુએનનું પ્રથમ સંમેલન યોજાયું, જે સતત બે મહિના સુધી ચાલ્યું. ૫૦ દેશના પ્રતિનિધિએ તેમાં ભાગ લીધો હતો. તેમાં મુદ્દો ઊઠયો કે ભારત આઝાદ થાય પછી તેને સંયુક્ત રાષ્ટ્રની સુરક્ષા સમિતિનું સભ્ય બનાવવામાં આવે.
ચીનમાં એ સમયે ચ્યાંગ કાઇ સેકની કુઓમીતાંગ પાર્ટી અને માઓત્સે તુંગની કોમ્યુનિસ્ટ પાર્ટી વચ્ચે ગૃહયુદ્ધ ચાલી રહ્યું હતું. સામ્યવાદીઓને નફરત કરતાં અમેરિકા, બ્રિટન અને ફ્રાંસ ચીનને કોઇપણ કાળે સુરક્ષા પરિષદમાં ઇચ્છતા નહોતા. ચીનની સીટ ૧૯૪૫માં ચ્યાંગ કાઇ સેકની રાષ્ટ્રવાદી ચીન સરકારને આપવામાં આવી. ગૃહયુદ્ધમાં તેનાથી ઊલટું થયું. સામ્યવાદીઓનો વિજય થયો. ૧૯૪૯માં મેઇનલેન્ડ ચીનમાં તેણે સરકાર બનાવી. ચ્યાંગ કાઇ સેક તેમના સમર્થકો જોડે તાઇવાન ભાગી ગયા. ત્યાં તેમણે પોતાની સરકાર બનાવી. ત્યારથી તાઇવાન કોમ્યુનિસ્ટ ચીનનો વિરોધી રહ્યો છે. ચીનના સામ્યવાદી વિરોધીઓ જ ત્યાં જઇને વસ્યા છે. હવે ચીન તાઇવાનની સ્વાયત્તતા ખતમ કરીને ગળી જવા માગે છે ત્યારે સામ્યવાદ વિરોધી અને લોકશાહી તરફી તાઇવાનીઓને ક્યાં જવું? ક્યાં શરણ લેવી? તે એક પ્રશ્ન છે. સંયુક્ત રાષ્ટ્રની સ્થાયી સદસ્યતા ચ્યાંગ કાઇ સેકની સરકારને આપવામાં આવી રહી હોવાથી ચીનને બદલે તાઇવાન કાયમી સભ્ય બન્યું.
ભારત આઝાદ થતાં દેશના પહેલા વિદેશ મંત્રી પણ નહેરુ જ બન્યા. તેઓ ચીન અને રશિયાની સામ્યવાદી વિચારધારાથી અત્યંત પ્રભાવિત હતા. ચીનમાં જ્યારે માઓત્સે તુંગની કોમ્યુનિસ્ટ સરકાર સ્થપાઇ ત્યારે તેને સૌથી પહેલાં માન્યતા આપનારા દેશોમાં ભારત પણ સામેલ હતું.
૨૪ ઓગસ્ટ ૧૯૫૦ના રોજ નહેરુના બહેન વિજ્યાલક્ષ્મી પંડિતે નહેરુને એક પત્ર લખ્યો. તેઓ ત્યારે અમેરિકામાં રાજદૂત તરીકે સેવા આપી રહ્યા હતા. તેમણે લખ્યું, અમેરિકા તાઇવાનનું કાયમી સભ્યપદ રદ કરીને ભારતને બેસાડવા માગે છે. રોઇટરમાં મેં હમણાં તમારો રીપોર્ટ પણ વાંચ્યો. અમેરિકી વિદેશ મંત્રાલયના શાંતિવાર્તા પ્રભારી જોન ફોસ્ટર ડલેસ તમારા વલણથી વ્યથિત છે.
અહીં નોંધવું જોઇએ કે સુરક્ષા સમિતિના કાયમી સભ્યપદ પરથી તાઇવાનને હટાવીને ભારતને બેસાડવાની વાત હતી. તાઇવાનની સીટ એક રીતે ચીનની જ હતી કારણ કે યુનાઇટેડ નેશન્સે એ સીટ ચીનના રાજકીય પક્ષને આપી હતી, જે બાદમાં તાઇવાન સ્થળાંતરિત થઇ ગયો. નહેરુ ચાહત તો એ સીટ ત્યારે આરામથી આંચકી શકત, પણ ભારત- ચીન વચ્ચેના કેટલાક વિવાદોમાં આ પણ નવો મુદ્દો બનત એ સત્યથી મોંઢુ ફેરવી શકાય નહીં. નહેરૂએ બહેન વિજ્યાલક્ષ્મીને લખ્યું, અમેરિકી વિદેશ મંત્રાલય સુરક્ષા સમિતિની કાયમી બેઠક પરથી ચીનને હટાવી ભારતને બેસાડવા માગે છે, જ્યાં સુધી મારો પ્રશ્ન છે ત્યાં સુધી હું આ મામલાનું સમર્થન નહીં કરું. મારી દૃષ્ટિએ આ એક ખરાબ વાત હશે. ભારત અને ચીનના સંબંધો પણ બગડશે. (નહેરુ ત્યારે જાણતા નહોતા કે બંને વચ્ચેના સંબંધો એમ પણ બગડવાના જ હતા.) અમેરિકાના વિદેશ મંત્રાલયને ભલે ન ગમે પણ હું આ રસ્તે ચાલવાનો નથી. હું સંયુક્ત રાષ્ટ્રમાં ચીનની સદસ્યતા પર ભાર મૂકતો રહીશ. ચીનને સંયુક્ત રાષ્ટ્ર સંઘનું સભ્યપદ ન અપાય તો શક્ય છે કે સોવિયેત સંઘ અને બીજા કેટલાક દેશ તેમના સભ્યપદનો ત્યાગ કરે, આવું થશે તો સંયુક્ત રાષ્ટ્રનો અંત થઇ જશે. હું આ વાત સારી રીતે સમજું છું. તેનો એક અર્થ યુદ્ધ તરફ ધસવાનો પણ હશે.
નહેરુને યુદ્ધની આશંકા એટલા માટે હતી કેમ કે સોવિયેત સંઘ જાન્યુઆરી ૧૯૫૦થી લગભગ ૮ મહિના સુધી સંયુક્ત રાષ્ટ્રની સુરક્ષા બેઠકનો બહિષ્કાર કરી રહ્યું હતું. ચીનને સ્થાયી સભ્યપદ મળી રહ્યું ન હોવાથી તે આવું કરી રહ્યું હતું.
નહેરુ ભલે સમાજવાદ અને સામ્યવાદથી પ્રભાવિત હતા પણ તેઓ આદર્શવાદી પણ હતા. સામ્યવાદી દેશોના ખોટા પગલાંનો વિરોધ પણ એટલી જ બૂલંદીથી કરતા. જેમ કે સામ્યવાદી ઉત્તર કોરિયાએ બિનસામ્યવાદી દક્ષિણ કોરિયા પર હુમલો કરી દેતાં નહેરુએ તેની આકરી ટીકા કરી. અમેરિકા પણ ઉત્તર કોરિયાના હુમલાની વિરુદ્ધ હતું. નહેરુ દ્વારા જે સ્ટેન્ડ લેવામાં આવતો હતો તે અમેરિકાને પસંદ પડતો હતો. આથી રાજકીય વિચાર ધારા અલગ હોવા છતાં અમેરિકા ઇચ્છતું કે ભારત યુએનનું કાયમી સભ્ય બને. નહેરુનું કહેવું એમ હતું કે તાઇવાનને મળેલી કાયમી બેઠક પર ચીનનો અધિકાર છે તો તે ચીનને જ મળવું જોઇએ, ભારતને નહીં.
બીજી બાજુ ચીને નહેરુના બધા ભ્રમ ભાંગી નાખી સપ્ટેમ્બર ૧૯૫૦માં તિબેટ પર આક્રમણ કરી દીધું. દલાઇ લામા તેના પ્રતિનિધિ મંડળ સાથે ભારત આવી ગયા. નહેરુએ સંયુક્ત રાષ્ટ્રમાં ભારતનું કાયમી સભ્યપદ જતું કરી દાખવેલી ઉદારતા ચીન ભૂલી ગયું અને તિબેટના વડા દલાઇ લામાને આપેલા રાજ્યાશ્રયને દાઢમાં રાખ્યો.
સંયુક્ત રાષ્ટ્રની સુરક્ષા પરિષદના કાયમી સભ્યોમાં એકપણ દેશ એવો નહોતો જે ઉપનિવેશ વાદથી પીડિત અવિકસીત બિનજોડાણવાદી અને નવા આઝાદ થયેલા દેશોનું પ્રતિનિધિત્વ કરે. ભારત આ પેરામીટરમાં એકદમ ફીટ બેસતું હતું, ભારતના પ્રથમ વડાપ્રધાને સિદ્ધાંતવશ આ અવસર જતો કર્યો.
રશિયાના તત્કાલીન પ્રધાનમંત્રી નિકોલાઇ બુલગાનીને નહેરુનું મન જાણવા ઓફર કરી કે ભારત ઇચ્છે તો તેને સુરક્ષા પરિષદમાં કાયમી સભ્ય બનાવવા માટે બેઠકોની સંખ્યા પાંચથી વધારીને છ કરી નાખવામાં આવશે, નહેરુએ જવાબ આપ્યો, કોમ્યુનિસ્ટ ચીનને તેની બેઠક જ્યાં સુધી નહીં મળે ત્યાં સુધી ભારત તેની સદસ્યતાનો કોઇ સ્વીકાર કરશે નહીં. નહેરુની આ ભૂલ આપણને સમજાવે છે કે આંતરરાષ્ટ્રીય રાજનીતિમાં આદર્શો અને સિદ્ધાંતોનું કોઇ મૂલ્ય નથી. ત્યાં ખંધાઇ, લુચ્ચાઇ, બેકસ્ટેબિંગની જ બોલબાલા છે. સંયુક્ત રાષ્ટ્ર સંગઠન આટલું મજબૂત અને દીર્ઘકાલીન પુરવાર થશે એ પણ ત્યારે નક્કી નહોતું. આજે જે રાજકીય સ્થિતિ છે તે ત્યારે બિલકુલ જુદી હતી.
અલબત્ત, ત્યારે જો આપણે સિદ્ધાંતોનું પૂંછડું મૂકીને સંયુક્ત રાષ્ટ્રના કાયમી સભ્ય બની ગયા હોત તો આંતરરાષ્ટ્રીય રાજનીતિમાં આપણું વધારે વજન હોત ને સાથોસાથ એ પણ યાદ રાખવું જોઇએ કે ખાલી સંયુક્ત રાષ્ટ્રના કાયમી સભ્ય હોવાના નાતે આપણે વૈતરણી પાર કરી જાત નહીં, તેના માટે જે સક્ષમતા આવશ્યક છે તે તો કેળવવી જ પડત. અત્યારે ભારત અને પાકિસ્તાન વચ્ચે જે વિવાદો છે તે ઉકેલવાની દિશામાં ભારતનું વજન વધી જાત પણ માત્ર કાયમી સભ્ય હોવાથી ઓલ ઇઝ વેલ થઇ જાય એ માનવું પણ અતિશ્યોકિત ભરેલું છે.
એક વાત એવી પણ છે કે ભારતે દાખવેલી ઉદારતાથી ચીનનો અહમ ઘવાયો. નહેરુની દાનવીરતા માઓને ખૂંચી. આથી તેણે ઉપકારનો બદલો અપકારથી વાળ્યો. આંતર રાષ્ટ્રીય રાજનીતિમાં ઉપકાર અને અપકાર આ બે જ શબ્દો સમજવાના હોય છે. આખરે ૧૯૭૧માં તાઇવાનના સ્થાને ચીનને કાયમી સભ્યપદ આપવામાં આવ્યું. હવે ભારતે કાયમી સભ્યપદ પ્રાપ્ત કરવું હોય તો વિશ્વમાં આક્રમક શક્તિ તરીકે ઊભરી આવવું પડે. નહેરુની ભૂલ છે પણ તે વારંવાર યાદ કરવાથી વર્તમાન સરકારની નિર્બળતા છુપાઇ જવાની નથી. અત્યારે જે સ્થિતિ છે તે બદલવા માટે જે કંઇ કરવાનું છે તે હવેની સરકારે કરવાનું છે.