For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

રશિયા વિ. યુક્રેનઃ યુરોપમાં ઘેરાતા યુદ્ધના વાદળ

Updated: Dec 3rd, 2021

Article Content Image

- અરાઉન્ડ ધ વર્લ્ડ-  કુલદીપ કારિયા

- અમેરિકા અને યુરોપની ગણતરી યુક્રેનને નાટો સંગઠનમાં સામેલ કરવાની, એવું ન થાય એ માટે પુતિન કોઈ પણ હદે જવા તૈયાર છે

૧૯૯૧માં સોવિયેત યુનિયનનું વિઘટન થયું ત્યારે તેમાંથી આ પ્રમાણેના દેશ છૂટા પડયા, રશિયા, યુક્રેન, જ્યોર્જિયા,  ઉઝબેકિસ્તાન, અર્માનિયા, બેલારુસ, અઝરબાઈજાન, કઝાખસ્તાન, કિર્ગીઝ્સ્તાન, તાજિકિસ્તાન, લેટિવિયા, લીથુઆનિયા અને ઇસ્ટોનિયા. વ્લાદિમિર પુતિનની મંશા આ દેશોને ફરીથી જોડીને ભૂતકાળને પાછો લાવવાનો રહી છે. ચીનની જેમ રશિયા પણ વિસ્તારવાદી જ છે, માત્ર ખોળિયા અલગ છે, પ્રાણતત્ત્વ જુદા નથી. પિકચરના ટ્રેલર સ્વરૂપે ૨૦૧૪માં રશિયાએ યુક્રેનનો ક્રિમિયા પ્રાંત પચાવી પાડયો.  હવે તેણે પૂરી ફિલ્મ રિલીઝ કરવા માટે કવાયત હાથ ધરી છે. 

યુક્રેન પૂર્વ એશિયાનો એક બહુ જ સુંદર દેશ છે. વિસ્તારની દ્રષ્ટિએ સમસ્ત યુરોપમાં બીજા ક્રમે આવે છે. તેની ઉત્તરમાં બેલારુસ, પશ્ચિમમાં પોલેન્ડ, સ્લોવાકિયા અને હંગેરી તથા દક્ષિણમાં રોમાનિયા અને મોલ્ડોવા આવેલા છે. કાળા સમુદ્ર અને અઝોવ સાગર સાથે જોડાયેલું છે. કિવ તેની રાજધાની છે. 

યુક્રેનની ફૂટબોલ ટીમ વિશ્વભરના ફૂટબોલ રસિયાઓમાં આકર્ષણનું કેન્દ્ર છે. તેના જંગલમાં કમાન આકારના વૃક્ષોને કારણે  એક નેચરલ ટનલ બને છે, જે ટનલ ઑફ લવ તરીકે ખ્યાત છે. પ્રેમીપંખીડા એ ટનલની અચૂક મુલાકાત લે છે. એવી માન્યતા છે કે ત્યાં જઈને વિશ માગવાથી પૂરી થાય છે. રશિયાની કુખ્યાત ગેસ દુર્ઘટના જ્યાં બની હતી તે ચાર્નોબિલ યુક્રેનમાં આવેલું છે. દુનિયાનું સૌથી બીજા ક્રમનું સબ-વે સ્ટેશન આર્સેનલાના ત્યાં આવેલું છે. કિવ મેટ્રોને જોડતું આ સ્ટેશન જમીનથી ૩૪૬ મીટરની ઊંડાઈએ છે. 

યુરોપમાં કૉફી શોપ શરૂ કરવાનો જશ લેવા માટે યુક્રેન અને ઓસ્ટ્રિયા બંને પડાપડી કરી રહ્યા છે. યુક્રેનના વોર હીરો યુરિકુલ્ઝીકુએ ઓસ્ટ્રિયાના વિયેના શહેરમાં સાલ ૧૬૮૦માં સૌ પ્રથમ વખત કોફી ઉકાળી હતી. યુક્રેનના વિવ શહેરમાં સૈકાઓ જૂની સંખ્યાબંધ કૉફી શોપ આજે પણ ધમધમે છે. કૂતરાને જેમ બિસ્કિટ ખવડાવવામાં આવતા હોય છે તેમ પોપટનો પ્રિય આહાર છે સૂર્યમુખીના બી. યુક્રેન સૂર્યમુખીના બીનું સૌથી મોટું ઉત્પાદક છે. ત્યાંના સૂર્યમુખીના ખેતરોનો કુલ વિસ્તાર  સ્લોવાનિયાના ક્ષેત્રફળ જેટલો છે. ભવ્ય મહેલો, કિલ્લાઓ, ગુંજબના આકારના ચર્ચો  અને પ્રાચીન શહેરો ગોળનો ગાંગડો જેમ કીડીને આકર્ષે એમ પ્રવાસીઓને ખેંચે છે. યુક્રેનમાં એટલી માત્રામાં ઘઉં પાકે છે કે તેને યુરોપનું પંજાબ કહી શકાય. તેને બ્રેડ બાસ્કેટ ઓફ યુરોપ તરીકે નવાજવામાં આવે છે.

રશિયા અને અમેરિકા વચ્ચેની લડાઈમાં યુક્રેન હોળીનું નાળિયેર છે. ગયા વર્ષે અમેરિકાનું ધ્યાન દોરવા માટે પુતિને યુક્રેનની સરહદે ટેન્ક મોકલેલી. થોડા જ દિવસોમાં જો બાઈડેને તેમને ફોન કર્યો. બંને વચ્ચે જિનેવામાં રૂબરૂ મુલાકાત પણ થઈ. ત્યારબાદ પુતિને પોતાની ટેન્ક પાછી બોલાવી લીધી. હવે વળી પાછી એ જ ટેકનિક અપનાવી છે. રશિયાની ટેન્કો પશ્ચિમી યુક્રેન તરફ કૂચ કરી રહી છે. અમેરિકી ગુપ્તચર એજન્સીઓના મત પ્રમાણે બંને દેશો વચ્ચે ગમે ત્યારે સશસ્ત્ર સંઘર્ષ શરૂ થઈ શકે છે. યુક્રેનમાં  કેટલાક અલગાવવાદી સંગઠનો સક્રિય છે. તેઓ રશિયાના જોર પર કૂદી રહ્યા છે. આગળ કહ્યું તેમ રશિયા યુક્રેન પર લાંબા સમયથી નજર બગાડી રહ્યું છે. તેની સલામતી માટે યુરોપિયન યુનિયન અને અમેરિકાએ તેને નાટોમાં જોડી દેવાનો નિર્ણય કર્યો છે. રશિયા  યુક્રેન નાટોમાં ન જોડાય તે માટે કોઈ પણ હદે જવા તૈયાર છે. પુતિનને સૌથી મોટો ભય એ છે કે યુક્રેન નાટોમાં જોડાશે તો એ નાટોનો ગઢ બની જશે. જો તે નાટોનો ગઢ બની જશે તો સંરક્ષણની દૃષ્ટિએ રશિયા માટે સૌથી મોટો ખતરો ઊભો થશે. 

તુર્કીએ યુક્રેનને ડ્રોન આપેલા છે જેનો પ્રયોગ તેણે તાજેતરમાં અલગાવવાદીઓ પર કરેલો. અમેરિકાએ તેને બોમ્બવર્ષક વિમાનો આપેલા છે. આ બધું રશિયાને અસહજ કરનારું છે. ગયા વર્ષે તેણે સૈન્ય શક્તિનું પ્રદર્શન કરતાં અમેરિકી પ્રમુખે તરત જ તેને ફોન કર્યો હતો.  આ અમેરિકાની ભૂલ હતી. તેના કારણે જ રશિયા બીજી વખત એની એ જ ટેકનિક અપનાવી રહ્યું છે.

રશિયાની ગુપ્તચર એજન્સી એસ.વી.આર.એ યુક્રેનને જ્યોર્જિયાના યુદ્ધની યાદ અપાવી હતી. જ્યોર્જિયાના પ્રમુખ મિખાઈલ શાકાશવિલીએ દક્ષિણ ઓસેટિયાને નિયંત્રણમાં લેવા માટે સાલ ૨૦૦૮માં રશિયા સાથે યુદ્ધ છેડી દીધું હતું. જેની તેમને ભારે કિંમત ચૂકવવી પડી હતી. રશિયાની ગુપ્તચર એજન્સી આડકતરી ધમકી આપે છે કે જે જ્યોર્જિયા સાથે થયું તે રશિયા સાથે પણ થઈ શકે છે. રશિયાએ યુક્રેનની સીમા પર ૯૦ હજાર સૈનિકો ઉભા રાખી દીધા છે. ૨૦૨૨માં તે ગમે ત્યારે હુમલો કરશે એવી દ્દઢ આશંકા છે. 

એક અંદાજ એવો પણ છે કે સરહદે સૈનિકો અને ટેન્કોનો જમાવડો કરીને પુતિન બાઈડેનને ફરીથી વાતચીતના ટેબલ પર લાવવા માગે છે.    વ્લાદિમીર પુતિન ગમે તેટલી મંત્રણા કરે તો પણ એક સમય તો એવો આવશે જ જ્યારે તે  મોટાપાયે યુદ્ધ છેડી દેશે. કારણ કે તેમની માનસિકતા યુદ્ધખોર છે. એવા જ તેમના મિત્ર શી જિનપિંગ છે. આ બંને નેતાઓ મરતા પહેલાં વિશ્વને ત્રીજું મહાયુદ્ધ નહીં દેખાડે તે માનવું બિલકુલ અસંભવ છે.

બીજી બાજુ બેલારુસ શરણાર્થીઓને હથિયાર બનાવીને યુરોપિયન યુનિયન સાથે  ઘર્ષણમાં ઊતર્યું છે. અત્યાર સુધી એમ માનવામાં આવતું હતું કે ત્રીજા વિશ્વયુદ્ધનું એપી સેન્ટર એશિયા હશે, રશિયા અને બેલારુસની કરતૂતો જોતાં લાગે છે કે ત્રીજા વિશ્વયુદ્ધનું કેન્દ્ર બનવાનું  યુરોપના લલાટે પણ લખાયેલું છે. યુરોપ સતત ત્રીજા મહાયુદ્ધનો ભોગ અને ભાગ બનશે, અરેરે યુરોપ.

વૈશ્વિક હાઇલાઇટ્સ...

- સાઉદી અરેબિયાએ આર્થિક સંકટમાંથી પસાર થઈ રહેલા પાકિસ્તાનની મદદ કરવાનો નિર્ણય લીધો છે. બંને દેશો વચ્ચે થયેલી સમજૂતિ અનુસાર સાઉદી અરેબિયાની સરકાર  પાકિસ્તાનની સ્ટેટ બેન્કમાં એક વર્ષ માટે ૩ અબજ ડોલર જમા કરાવશે. તેના બદલામાં પાકિસ્તાની સ્ટેટ બેન્ક તેને ચાર ટકા વ્યાજ ચૂકવશે.

- પાકિસ્તાનના હૈદ્રાબાદ શહેરમાં સોનારી બાગડી નામની હિંદુ મહિલાએ એક મંદિરને સ્કૂલમાં રૂપાંતરિત કરી નાખ્યું છે. આસપાસમાં કોઈ સ્કૂલ ન હોવાથી ગરીબોના બાળકોને અહીં ભણાવવામાં આવે છે. બાગડી એક કબિલો છે, જે કાઠિયાવાડ અને મારવાડના રસ્તે સિંધ પહોંચ્યો હતો. બિકાનેરમાં રહેતાં રાજપૂતો માટે પણ આ શબ્દ પ્રયોગ કરવામાં આવે છે. 

- તુર્કીમાં રજબ તૈયબ અર્દોઆન સત્તામાં આવ્યા પછી સામાન્ય લોકો પર દમન વધી ગયું છે. સરકાર સામે અવાજ ઉઠાવવો ગુનો બની ગયો છે. માનવ અધિકાર કાર્યકર્તા ઉસ્માન કવાલાને જેલમાં નાખી દેવામાં આવ્યા છે. અર્દોઆન તેને તુર્કી માટે ખતરારૂપ માને છે. 

- દક્ષિણ આફ્રિકામાં કોરોનાનો નવો વેરિઅન્ટ ઓમિક્રોન મળી આવ્યો છે. વિશ્વ સ્વાસ્થ્ય સંગઠને સમગ્ર વિશ્વને એલર્ટ કરી દીધું છે. ઓમિક્રોન ડેલ્ટા વેરિઅન્ટ કરતાં અનેકગણો વધારે ખતરનાક માનવામાં આવે છે. મોટા ભાગના દેશોએ દક્ષિણ આફ્રિકા, બોત્સવાના, ઝિમ્બાબ્વે, નામિબિયા, લેસોથો, ઇસ્વાતિની, મોઝામ્બિક અને મલાવીથી આવતી ફ્લાઈટ્સ પર પ્રતિબંધ મૂકી દીધો છે.

Gujarat