For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

ઇરાનમાં નવા પ્રમુખઃ માત્ર મહોરું બદલાયું

Updated: Jul 2nd, 2021


- અરાઉન્ડ ધ વર્લ્ડ-  કુલદીપ કારિયા

- અમેરિકામાંથી ટ્રમ્પ જેવા જડ પ્રમુખ ગયા તો ઈરાનમાં રઈસી જેવા જડ આવ્યા, આવામાં નવા પરમાણું કાર્યક્રમની શક્યતા બહુુ ઝાંખી છેઃ ઈરાન ન્યુક્લિઅર સ્ટેટ બનીને જ રહેશે

કોરોના મહામારી આવી પડતા દુનિયાના તમામ દેશોની પોલીસી બદલાશે, માનવતા વધશે, કટ્ટરતા ઘટશે, લોકશાહી બળવાન બનશે, એવું માનનારા ખોટા પડયા છે. તેમની આશાઓએ તેમને છેહ આપ્યો છે. ઊલટું સત્તા કેન્દ્રો વધુ મજબૂત બન્યા છે. રાષ્ટ્રીય શાસકોના હાથ વધારે મજબૂત બન્યા છે. આપદાનો ઉપયોગ તેમણે પોતાની શક્તિ વધારવા માટે કર્યો છે. ઈરાન પણ તેમાંથી બાદ નથી. 

આપણે જેમ રાષ્ટ્રપતિનું પદ હોય છે તેમ બ્રિટનમાં ક્વીનનું પદ હોય છે અને ઈરાનમાં સુપ્રીમ લીડરનું. ક્વીનનું પદ રાજકીય છે અને સુપ્રીમ લીડરનું પદ છે તે ધાર્મિક છે. અયાતુલ્લા ખામેની ઈરાનના સર્વોચ્ચ નેતા છે. ઈરાનમાં પ્રમુખો બદલાતા રહે છે, પણ સુપ્રીમ લીડર બદલાતા નથી. નજીકના ભૂતકાળમાં ત્યાં રાષ્ટ્રપતિની ચૂંટણી યોજાઈ અને તેમાં કટ્ટરપંથી વિચારધારા ધરાવતા ઇબ્રાહિમ રઈસી વિજેતા બન્યા. વાંચો કે વિજેતા બનાવવામાં આવ્યા.

૨૦૧૭માં ઈરાનમાં પ્રમાણિક ચૂંટણી થયેલી અને ૭૩.૩૩ ટકા મતદાન થયું હતું.  પ્રમાણમાં ઉદારવાદી વિચારધારાવાળા નેતા હસન રુહાની ઈરાનના પ્રમુખ બનેલા. ત્યાર બાદ ઈરાનમાં મોંઘવારી વધી જતા આંદોલન શરૂ થઈ ગયું. એ આંદોલનને તો બળપૂર્વક કચડી નાખવામાં આવ્યું. અલી ખામેની એ સમયે પોતાની લિમિટેશન્સનો પણ અહેસાસ થઈ આવ્યો. ઈરાન શિયા દેશોનું નેતા છે અને ખામેની તેના સુપ્રીમ લીડર છે, પણ તેઓય પરિવારવાદની મમતથી મુક્ત નથી. તેઓ હવે ૮૨ વર્ષના થયા છે અને ઇચ્છે છે કે તેમના ગયા પછી પણ તેમનો જ પરિવાર ઇરાનમાં સત્તાનું કેન્દ્ર બની રહે. તેમને દેશ કરતા વધારે ચિંતા તેના પુત્ર મોજ્તાબાની કારકિર્દીની છે.

ખામેનીને મદદ કરવા માટે ૧૨ સભ્યોની એક બોડી છે, કાઉન્સીલ ઑફ ઇસ્લામિક ગાર્ડિયન્સ. તેની મદદથી એવી ગોઠવણ કરી કે ચૂંટણીમાં કંઈ પણ થાય રઈસી આગળ રહે. આ વાત જાણતી જનતાએ ચૂંટણીમાં ખૂબ ઓછો રસ દાખવ્યો અને માત્ર ૪૮.૮ ટકા મતદાન થયું. ઇબ્રાહિમ રઈસી જાણે છે કે તેઓ લોકપ્રિય નથી અને આ માટે કવાયત કરવાની તેમણે તૈયારી દેખાડી છે. જેટલું મતદાન થયું તેમાંથી ૬૨ ટકા મત રઈસીને મળ્યા છે. લિબરલ મતદારો ચૂંટણીથી દૂર રહ્યા છે. 

અસલમાં તેઓ પોલિટિકલ લીડર નથી એટલે કેટલા સફળ થશે તે પણ અટકળનો વિષય છે, તેમને સફળ થવાની કોઈ અનિવાર્યતા નથી એ પાછો અલગ વિષય છે. ઇરાનના ચીફ જસ્ટિસ રહી ચૂક્યા છે. ઈરાની રાજસત્તાને ચેલેન્જ કરનારા કેટલાક નેતાઓને તેમણે ફાંસીએ ચડાવી દીધેલા. આથી જ અમેરિકાએ તેમના પર પ્રતિબંધ લાદેલો છે. વિજય બાદ યોજાયેલી પ્રેસ કોન્ફરન્સમાં તેમણે કહ્યું, હું એક ઇમાનદાર, મહેનતુ, ક્રાંતિકારી અને ભ્રષ્ટાચાર વિરોધી સરકાર બનાવીશ. (મતલબ હમણાની સરકાર ભ્રષ્ટાચારી હતી. તો તેના માટે અલી ખામેની જવાબદાર શા માટે નહીં? તેઓ અબોવ ધ લો મનાય છે.)

રઈસીએ કહ્યું કે, તેઓ જો બાઇડનને મળવાના નથી. ઈરાનનો બેલિસ્ટિક મિસાઇલ પ્રોગ્રામ ધમધોકાર આગળ વધારશે અને વિદેશી સંગઠનોને સમર્થન આપવામાં કોઈ બાંધછોડ કરશે નહીં. હાલ ઇરાન લેબેનોનમાં તથા યમનમાં બળવાખોર સંગઠનોને મદદ કરી રહ્યું છે. પશ્ચિમી દેશો ઈરાક-અફઘાનિસ્તાનમાં પોતાની ઉપસ્થિતિ ઘટાડી રહ્યા છે ત્યારે તે ઇરાકમાં પણ પોતાનું પ્રભૂત્વ વધારવાની મનોકામના ધરાવે છે.

ઈરાનમાં તો આમેય ચૂંટણી નામ માત્રની જ યોજાય છે તો ૨૦૧૭ જેવી ચૂંટણીઓને અપવાદ ગણવી રહી, પણ રઈસીના ચૂંટાવાની વિશ્વ રાજનીતિમાં શું અસર થશે તે જોવું રહ્યું. બરાક ઑબામાએ ઇરાન સાથે પરમાણું કરાર કરી તેના પરમાણું કાર્યક્રમને લગામ લગાવી હતી અને બદલામાં તેના પરના આર્થિક પ્રતિબંધો હળવા કર્યા હતા. ડોનલ્ડ ટ્રમ્પે સત્તામાં આવી ઈરાન સાથેના પરમાણું કરાર ફગાવી દઈ તેના પર ફરીથી પ્રતિબંધો મૂકી દીધા. જવાબમાં ઇરાને પણ તેનો પરમાણું કાર્યક્રમ પૂરજોશમાં શરૂ કરી દીધો. હવે તે પરમાણું બોમ્બ વિકાસવવાની કગાર પર પહોંચી ગયું છે. ઇઝરાયલના નવા વડા પ્રધાન નેફ્ટાલી બેનેટ ઇબ્રાહિમ રઈસીને હેન્ગમેન કહે છે. સુન્ની રાષ્ટ્રો પણ તેના ચૂંટાવાથી ખુશ નથી. મતલબ મિડલ ઇસ્ટમાં અશાંતિ વધશે. 

ઇરાન અને ઈઝરાયલ વચ્ચે પ્રોક્સીવૉર સતત ચાલતું રહે છે. દરિયામાં બંને દેશો એકબીજાના જહાજો પણ ઉડાવતા રહે છે. આવનારા દિવસોમાં તેમાં વધારો થશે તેમાં સંશય નથી. જો બાઇડન ઇરાન સાથે નવો પરમાણું કરાર કરી ઈરાન પર ફરી લગામ લગાવવા ચાહે છે, પણ હવે ઑબામા કરી ગયેલા એવું શક્ય લાગતું નથી. આજે નહીં તો કાલે તે ન્યુક્લિઅર સ્ટેટ બની જ જવાનું. અમેરિકામાંથી ટ્રમ્પ જેવા જડ નેતા ગયા તો હવે ઈરાનમાં રઈસી જેવા જડ નેતા આવી ગયા છે. એટલે હાલ નવા ન્યુક્લિઅર પ્રોગ્રામ માટે વાટાઘાટ ચાલુ હોવા છતાં ગાડી પાટે ચડે એવી શક્યાઓ દેખાતી નથી. ઈરાનની વિવિધ માગણીઓમાંથી એક એવી છે કે અત્યારે અમેરિકા અને ઈરાન વચ્ચે જે પરમાણું કરાર થાય તે એવા હોવા જોઈએ કે આવનારા સમયમાં અમેરિકામાં સત્તામાં આવનારો પ્રમુખ તેને ઉથલાવી શકે નહીં. શું થાય છે તે તો આગળ ઉપર જ જોવાનું રહેશે.

અમેરિકામાં બાઇડન સત્તામાં હોવાથી અમેરિકાનું ઈરાન પ્રત્યેનું વલણ અગાઉ જેટલું જડ નહીં હોય. ઇરાન પાસેથી ભારતને ખનીજ તેલ સસ્તું પડતું હોવા છતાં ટ્રમ્પ તંત્રે ભારતને ઈરાન પાસેથી ખનીજતેલ ન લેવા ફરજ પાડેલી.  બાઇડનને કારણે ઇરાન-ભારતના સંબંધો વધારે સમૃદ્ધ બનશે. હાલ ભારત ચાબહાર બંદર ઓપરેટ કરશે. હવે દ્વિપક્ષીય વ્યાપાર તથા ચાબહાર સીપોર્ટ મારફતે ભારતનો વિશ્વ વ્યાપાર વધશે. ઈરાનને ચીન અને રશિયા સાથે ઘનિષ્ઠ સંબંધો છે. એ ઇક્વેશનમાં ભારત અને ઈરાનના સંબંધો રઈસીના રાજમાં ક્યાં ફિટ બેસે છે તે જોવું રહ્યું. આમ તો ખામેનું જ રાજ. માત્ર મહોરું નવું.

વૈશ્વિક હાઇલાઇટ્સ...

- ઝામ્બિયાના સ્થાપક પ્રમુખ કેનેથ કોન્ડાનું ૯૭ વર્ષે અવસાન થયું હતું. તેમણે આફ્રિકાને ગુલામીમાંથી મુક્ત કરાવવા માટે જબરદસ્ત આંદોલન ચલાવ્યું હતું. ૧૯૯૧માં પરાજિત થયા બાદ તેમણે સત્તા ત્યાગી હતી.

- મોઝામ્બિકમાં જેહાદીઓના ત્રાસથી ૧૦ લાખ લોકો ઘર છોડીને ભાગી ગયા છે. ૧૬ દેશોની બનેલી દક્ષિણ આફ્રિકન ડેવલોપમેન્ટ કમિટીએ તેમને નિયંત્રણમાં લેવા સૈન્ય મોકલવાનો નિર્ણય કર્યો છે. 

- હોંગકોંગનું સુપ્રસિદ્ધ એપલ ડેઇલી ચીને બંધ કરાવી દીધું છે. તેના એડિટર અને બીજા સ્ટાફની ધરપકડ કરવામાં આવી છે. તેણે તેમણે અખબારમાં હાંકલ કરી હતી કે ચીની સરકાર પર હોંગકોંગમાં પ્રતિબંધ મૂકવામાં આવે. આ અખબારના છેલ્લા અંકની નકલો ૧૩ ગણી વધારે છાપવામાં આવી હતી અને બધી ચપોચપ વેચાઈ ગઈ છે.

- ઓસ્ટ્રેલિયામાં દુનિયાની સૌથી મોટી કોરલ રીફ આવેલી છે, જે ગ્રેટ બેરિયર રીફ તરીકે ઓળખાય છે. સમુદ્રનું તાપમાન વધવાથી તથા સમુદ્રમાં માનવીય પ્રવૃત્તિ વધવાથી તેને ખૂબ નુકસાન થઈ રહ્યું છે. ધ ગ્રેટ બેરિયર રીફ જગતનું સૌથી મોટું બાંધકામ છે, જે માણસ દ્વારા નહીં, પણ પરવાળા દ્વારા કરવામાં આવેલું છે. યુનેસ્કોએ ગ્રેટ બેરિયર રીફને ભયગ્રસ્ત હેરિટેજ સાઇટની સૂચિમાં મૂકવાનું જાહેર કરતા ઓસ્ટ્રેલિયા ભડકી ગયું છે.

Gujarat