કોવિડ-19 : ત્રાસવાદી સંગઠનોનો હેતુફેર
- અરાઉન્ડ ધ વર્લ્ડ - કુલદીપ કારિયા
લેબેનોનમાં હિઝબુલ્લાહ આતંકવાદી સંગઠનની હૉસ્પિટલોમાં પણ કોરોનાની સારવાર ફ્રી છે, ઊંચા પૈસા કટકટાવતી આપણી પ્રાઇવેટ હૉસ્પિટલ્સના સંચાલકોએ શરમાવું જોઈએ!
આ સમય હેતુફેરનો સમય છે. કાર બનાવતી કંપની માસ્ક બનાવી રહી છે, સીએનસી મશીન બનાવતી કંપની વેન્ટીલેટર બનાવી રહી છે. આ હેતુફેર પેલા મફતના ભાવે સરકારી જમીન મેળવનારા ક્રોની કેપિટલિસ્ટ્સ જેવો નથી. ઇરાદાવશ નહીં, મજબૂરીવશ થયેલો છે. એવો જ મજબૂરી ભર્યો હેતુફેર ત્રાસવાદી સંગઠનોમાં જોવા મળી રહ્યો છે. તેમના હેતુફેરમાં અને પેલી કંપનીઓના હેતુફેરમાં ફરક છે. પેલી કંપનીઓ પરમાર્થ માટે કામ કરી રહી છે. રાષ્ટ્રને કામ આવવા હેતુફેર કરી રહી છે જ્યારે ત્રાસવાદી સંગઠનોએ સ્વયંના સ્વાર્થને પોષવા હેતુફેર કર્યો છે. શું કરી રહ્યા છે તેઓ?
આમ તો ત્રાસવાદી સંગઠન એટલે કોણ એ નક્કી કરવું જ અઘરું છે. જે આપણા દેશના સાર્વભૌમત્વને પડકારે છે એ તો નિશંકપણે ત્રાસવાદી સંગઠન છે જ, ઉપરાંત ત્રાવસાદી સંગઠન એટલે અમેરિકા જેને ત્રાસવાદી સંગઠન ગણે છે તે. હાજી, તાલીબાનને અમેરિકા હમણા સુધી ત્રાસવાદી સંગઠન ગણતું હતું. હવે ગણતું નથી. યુનાઇટેડ સ્ટેટ્સને અફઘાનિસ્તાનમાં સૈન્યનો ખર્ચ પોસાતો ન હોવાથી તેણે હથિયાર હેઠા મૂકી દીધાં અને ત્રાસવાદીઓ ઉપ્સ તાલિબાન યોદ્ધાઓ સાથે સમાધાનનો કેપેચિનો પી લીધો.
તાલિબાન-યુએસ વચ્ચે સમાધાન થયું ત્યારે સૌથી મોટી ચર્ચા એ જ હતી કે ક્યારે તાલિબાન પુનઃ સત્તામાં આવશે? અફઘાનની લોકશાહી સરકાર અને તેની વચ્ચે કઈ રીતે યુતિ સર્જાશે? કે પછી તે લોકશાહી ઉથલાવીને પૂર્ણપણે સત્તામાં આવી જશે? આ બધા પ્રશ્નો અત્યારે બાજુ પર રહી ગયા છે અને તાલિબાન કામ કરી રહ્યું છે કોરોના મહામારીને નાથવાનું. અત્યારે બે અફઘાનિસ્તાન બની ગયા છે. અફઘાનિસ્તાનનો જેટલો હિસ્સો તાલિબાનના કબજામાં છે ત્યાં તાલિબાન કામગીરી કરી રહ્યું છે. જેટલા હિસ્સામાં લોકશાહી સરકારનો કબજો છે ત્યાં તે કામ કરી રહી છે.
અમેરિકા અત્યારે કોવિડ-૧૯ના મારથી બેવડ વળી ગયું છે ત્યારે બધાને એમ હતું કે અફઘાનિસ્તાનનું શું થશે? પણ પ્રમાણમાં અફઘાનિસ્તાનની સ્થિતિ સારી છે અને તે લડત આપી રહ્યું છે. તેના માટે તાલિબાનની કામગીરીને યશ આપવો ઘટે. અફઘાન સરકાર પીપીઈ કિટની અછતનો સામનો કરી રહી છે, કિંતુ તાલિબાનોએ તેનો પૂરતો સ્ટોક કરી લીધો છે. તેઓ સરકારી સ્વાસ્થ્ય કર્મીઓને પણ મદદરૂપ બની રહ્યા છે.
થોડા દિવસો પહેલા તાલિબાન યોદ્ધાઓએ ગામેગામ મસ્જિદોમાં ફરવાનું શરૂ કર્યું. ત્યાંના લોકોને કોરોનાના ખતરાથી અવગત કરે, તેનાથી બચવા માટે શું કરવું જોઈએ તે વિશે માર્ગદર્શન આપે, જેમ કે સેનિટાઇઝર યુઝ કરવું, માસ્ક વાપરવું, ફિઝિકલ ડિસ્ટન્સિંગ રાખવું આદિ. અને બધાને મસ્જિદને બદલે ઘરે જ નમાઝ પઢી લેવા કડક સૂચના આપી છે.
તેમણે લોકોને કહ્યું, ઈરાનથી આવતા અફઘાનિસ્તાનીઓ વિશે અમને જાણ કરજો. રોજ ટેસ્ટિંગ પણ કરી રહ્યા છે. ક્વોરન્ટાઇન કરવામાં આવેલા લોકોમાંથી કોઈ ભાગી જાય તો તેને પકડીને પાછા લાવે છે. આફ્રિકામાં પણ કંઈક આવું જ ચિત્ર-વિચિત્ર-ચરિત્ર જોવા મળી રહ્યું છે. ત્યાં પણ ભ્રષ્ટાચારથી ખદબદતી સરકારો કોરોના સામેની લડાઈ લડવામાં અસમર્થ પુરવાર થઈ રહી છે તો આતંકવાદી સંગઠનો, બળવાખોર જૂથો અને અપરાધી ગેન્ગ જનતાની વહારે આવ્યાં છે. આ કંઈ તેમનું મહિમાગાન નથી. અથવા તેઓ જે ગુના કરે છે તેનું જસ્ટિફિકેશન નથી. આ જસ્ટ એક ન્યૂઝ રીપોર્ટીંગ છે. જે ઘટી રહ્યું છે તેની આપવામાં આવી રહેલી જાણકારી માત્ર.
બ્રાઝિલના રીયો-ડી-જિનેરિયો શહેરમાં દુનિયાનો સૌથી મોટો સ્લમ વિસ્તાર આવેલો છે. સેંકડો કિલોમીટરમાં ફેલાયેલી એ ઝૂંપડપટ્ટીને સિટી ઑફ ગોડ કહે છે. શરાબ અને ડ્રગ્સની સૌથી મોટાપાયે હેરાફેરી કરતી તસ્કર ગેન્ગ ત્યાં જ રહે છે. સિટી ઑફ ગોડ્સમાં જે પ્રકારના ગેન્ગ વૉર્સ થતાં, માય ગોડ! મુંબઈમાં થતા ગેન્ગ વૉર્સ તેની પાસે કશું ન કહેવાય.
ગત મહિને સિટી ઑફ ગોડમાં એક વ્યક્તિને કોરોનાનો ચેપ લાગ્યો. બ્રાઝિલિયન સરકારે ત્યાંના ગરીબોમાં કોરોના ફેલાતો અટકાવવા કશું જ ન કરતા ભાઈ લોગની ગેન્ગ મેદાનમાં આવી. તેમણે અંદરો-અંદરની દુશ્મનાવટ ભુલાવી દીધી ને સિટી ઑફ ગોડમાં કર્ફ્યુ જાહેર કરી દીધો. સરકારે નહીં ગુંડાઓએ કર્ફ્યુ જાહેર કર્યો. જે બહાર નીકળે તેમને કડકમાં કડક સજા કરવામાં આવે. અલબત્ત પહેલા તેમને સાંભળવામાં આવે. જો વાજબી કારણ હોય તો તેમની મદદ કરાય. જરૂરિયાતમંદોને કરિયાણું અથવા ભોજન પહોંચાડવા આવે.
લેબેનોનમાં આતંકવાદી સંગઠન હિઝબુલ્લાહ કોવિડ-૧૯ની સામે પડયું છે. ૧,૫૦૦ ડોક્ટર્સ, ૩,૦૦૦ નર્સીઝ અને ૨૦,૦૦૦ લડવૈયાઓને કામે લગાડવામાં આવ્યા છે. દેશભરમાં સેનિટાઇઝેશન અને જરૂરિયાતમંદોને મદદની જવાબદારી તેમણે રાઇફલની જેમ ઉપાડી લીધી છે. તેની કાર્યકારી પરિષદના પ્રમુખ સય્યદ હશ્મ સફીદીન કહે છે, કોરોના વાઇરસ કોઈ નાની સૂની બીમારી નથી. આપણે યોદ્ધાની માનસિકતા સાથે તેમનો સામનો કરવો પડશે.
હિઝબુલ્લાહની અનેક હૉસ્પિટલ્સ પણ છે જ્યાં મફત ટેસ્ટિંગ અને સારવાર થઈ રહ્યાં છે. યાને કે હિઝબુલ્લાના આતંકવાદીઓ કોરોનાની સારવારના બેફામ પૈૈસા કટકટાવતી પ્રાઇવેટ હૉસ્પિટલ્સના માલિકો કરતા તો સારા જ છે. ઈરાન સમર્થક દેશો માટે તો આમેય આ કોઈ આતંકવાદી સંગઠન નહોતું.
દુનિયાના સૌથી મોટા ત્રાસવાદી સંગઠન અલકાયદાએ આવી મહામારીમાં પણ તેના લખ્ખણ ઝળકાવવાનું મોકુફ રાખ્યું નથી. મુસ્લિમ દેશોમાં કોરોનાના પ્રસરાટ માટે તેણે કેવું કારણ આપ્યું જુઓ. તેણે નિવેદન જારી કર્યું કે, પાપ, ભ્રષ્ટાચાર અને અનૈતિકતાને કારણે આ વાઇરસ મુસ્લિમ દેશોમાં ફેલાઈ રહ્યો છે.
સોમાલિયાનો ઘણો ખરો હિસ્સો આતંકવાદી સંગઠન અલ શબાબના કબજામાં છે. ત્યાં સરકારી સહાય પહોંચતી ન હોવાથી તે કોવિડ-૧૯ પર આત્મઘાતી હુમલા કરી રહ્યું છે! ગાઝા પટ્ટી હમાસના કબજામાં છે. ત્યાં તેણે જાગરુકતા અભિયાન છેડયું છે અને બે ક્વોરન્ટીન સેન્ટર પણ ઊભાં કર્યાં છે. લિબિયામાં બળવાખોર સંગઠને સાંજે છથી સવારે છે સુધી દેશવ્યાપી કર્ફ્યુ જાહેર કરી દીધો છે.
કુદરતે આ બધાનું હેતુ પરિવર્તન કરી નાખ્યું તેમ હૃદય પરિવર્તન પણ કરી નાખે એવી ઈશ્વરને પ્રાર્થના.
વૈશ્વિક હાઇલાઇટ્સ...
- સ્પેનમાં આઠ સપ્તાહમાં ચાર તબક્કામાં લોકડાઉન ખોલવાની ઘોષણા કરવામાં આવી છે. જો બધું સીધું ઊતરશે તો જૂન મહિનાના અંત સુધીમાં તેના બીચ અને બાર્સ પણ ખૂલી જશે. ૧૧મી મેથી મોટા ભાગના કામ ધંધા શરૂ થઈ જવાના છે. કાફે, રેસ્ટોરેન્ટ્સ અને મ્યુઝિયમ્સને છોડીને.
- આર્જેન્ટિનાએ તેની ઘરેલું અને આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સ પર સપ્ટેમ્બર મહિના સુધી પ્રતિબંધ લગાવી દીધો છે. બ્રિટન દુનિયાના કેટલાક એવા દેશોમાંથી છે જ્યાં વિમાની સેવા આજની તારીખેય ચાલું છે. જોકે હીથુ્ર એરપોર્ટ પર ઊતરતા એક-એક પેસેન્જરનું ટેસ્ટિંગ કરવામાં આવી રહ્યું છે.
- દુનિયામાં જ્યાં સૌથી વધુ ગુનાખોરી છે તેવા દેશોમાં અલ સાલ્વાડોરનું નામ આવે છે. પોલીસ કોવિડ-૧૯ સામે લડવામાં વ્યસ્ત છે ત્યારે ત્યાંના ગુંડાઓએ લાભ ઉઠાવી છેલ્લા કેટલાક દિવસોમાં અનેક હત્યાઓ કરી નાખી છે. ત્યાંના પ્રમુખે પોલીસને ગુનાખોરી અટકાવવા છુટ્ટોદોર આપ્યો છે.
- સીરિયાના અફ્રિન શહેરમાં તેલ ભરેલા ખટારા વિસ્ફોટકો પરથી પસાર થતા ભયંકર વિસ્ફોટ થયો હતો. જેમાં અનેક લોકોનાં મોત થયાં છે. આ હુમલો કૂર્દ બળવાખોરો દ્વારા કરવામાં આવ્યો હોવાનું કહેવાઈ રહ્યું છે. હાલ આ શહેર તુર્ક સૈન્ય તથા તેના સાથીદારોના કબજામાં છે. અહીંથી બે વર્ષ પહેલા કૂર્દોને ભગાડી મુકવામાં આવ્યા હતા.
- બ્રિટનના વડા પ્રધાન બોરિસ જૉનસન કોવિડ-૧૯માંથી બહાર આવી ગયા છે. ત્રણ અઠવાડીયા સુધી સારવાર લીધા પછી તેઓ કામ પર પાછા ફર્યા છે. તેમની ફિયાન્સેએ પુત્રને જન્મ આપ્યો છે.