ટોક્યો ઑલિમ્પિક્સની થાળીમાં કોરોનાની મેખ
- એરાઉન્ડ ધ વર્લ્ડ ઃ કુલદિપ કારિયા
- જાપાન માટે ૧૯૬૪ની ઑલિમ્પિક્સ પ્રતિષ્ઠાનો જંગ હતી અને આ વખતની પણ પ્રતિષ્ઠાનો જંગ, પરંતુ બંને વખતે પ્રતિષ્ઠા દાવ પર લાગવાના કારણો જુદા-જુદા છે
લગ્નનું ઘર સોસાયટીના તમામ ઘરોની વચ્ચે અલગ તરી આવતું હોય છે. તેની રોનક જુદી હોય છે. ત્યાં મોડી રાત સુધી ધમાધમ હોય છે. હાસ્યની છોળો છેક ગલીના નાકા સુધી ઊડતી હોય છે. રોશનીનું અજવાળું અંતરના અજવાળા સાથે હરિફાઈ કરતું હોય છે. એક દેશ માટે ઑલિમ્પિક્સની રમતોનુંય એવું જ છે. જ્યારે કોઈ દેશમાં ઑલિમ્પિક્સ યોજવાની હોય તેના મહિનાઓ પહેલા ત્યાં ઉત્સવનું વાતાવરણ ગોરંભાઈ જાય છે, પરંતુ આ વખતે આપણે ત્યાં લગ્ન પ્રસંગો સાદાઈથી પૂરા થયા તેમ જાપાનમાં ઑલિમ્પિક્સના આયોજનમાં પણ એ ઝાકમઝોળ, એ રોનક ગાયબ છે.
ઑલિમ્પિક્સની મશાલ દુનિયાભરમાં ફરીને ટોક્યોના કોમાઝાવા સ્ટેડિયમમાં પહોંચી ત્યારે પરંપરાગત રીલે યોજાવાને બદલે બંધ બારણે નાનકડો કાર્યક્રમ યોજવામાં આવ્યો. સ્ટેડિયમની બહાર કેટલાક રમતપ્રેમીઓ એકઠા થયા હતા તો કેટલાક દેખાવકારો. આ સમયે રમતના આયોજનનો વિરોધ કરી રહેલા લોકોના હાથમાં પ્લેકાર્ડ્સ હતા. એકમાં લખ્યું હતું, પ્રોટેક્ટ લાઇવ્ઝ, નોટ ધ ઑલિમ્પિક્સ. બીજામાં લખ્યું હતું, ઑલિમ્પિકની મશાલ ઠારી નાખો. કોઈ એવું કહી રહ્યું હતું કે, આ સમય ઑલિમ્પિક યોજવા માટે યોગ્ય નથી તો કોઈ એવું કોઈ ત્યાં એ આશાએ ઊભું હતું કે મશાલની એક ઝલક જોવા મળી જાય. તેઓ એવું માને છે કે ઑલિમ્પિકની મશાલનું અજવાળું મહામારીના કાળમીઢ અંધકારને ઓછો કરશે. ભેદશે.
આઠ વર્ષ પહેલા જ્યારે જાપાનને ઑલિમ્પિક્સ ૨૦૨૦ના રાઇટ્સ મળ્યા ત્યારે જાપાનમાં જબરદસ્ત ઉત્સવ થયેલો. તત્કાલીન વડા પ્રધાન શિન્ઝો આબેએ વિધાન કરેલું, હું વડા પ્રધાન બન્યો ત્યારે જેટલો ખુશ થયેલો તેના કરતા પણ વધારે ખુશ અત્યારે છું. આબેએ આવું શા માટે કહેલું? કારણ કે ઑલિમ્પિક્સ માત્ર રમત નથી. તે પ્રાઇડ છે. અભિમાન છે. તમારે તમારા દેશમાં ઑલિમ્પિક્સ યોજવી હોય તો પહેલા તેના સ્ટાન્ડર્ડ્સને મેચ થવું પડે. જેવા તેવા દેશનું કામ નહીં તે યોજવાનું. તેનું બહુ વિશાળ ઇકોનોમિક્સ પણ છે. આયોજક દેશ, ઇન્ટરનેશનલ ઑલિમ્પિક્સ કમિટી અને સ્પોર્સ્ટ ક્ષેત્રના આંતરરાષ્ટ્રીય બિઝનેસમેનોનું ગણિત બેસે તો જ તો જ અને ત્યાં જ ઑલિમ્પિક્સનું આયોજન થાય છે. ૧૯૪૪માં અણું બોમ્બથી ભાંગી પડેલા જાપાને ૧૯૬૪માં ભવ્ય ઑલિમ્પિક્સ યોજીને દુનિયાને સંદેશ આપી દીધેલો કે અમે વધારે શક્તિથી ઊભા થઈ ગયા છીએ. ૬૦નો દશક જાપાન માટે ગોલ્ડન પીરિયડ હતો. પ્રતિદિન તે વધુને વધુ ધનવાન બનતું જતું હતું. બુલેટ ટ્રેન પણ ત્યારે દોડવા લાગેલી.
એ ઉત્સાહ અને એ આનંદ અત્યારે ગાયબ છે. લોકો હતાશ થઈ ચૂક્યા છે. જે સપનાં તેની જનતાએ અને તેમના શાસકોએ સેવ્યા હતા ટોક્યો ઑલિમ્પિક્સ-૨૦૨૦ને લઈને તે તો ક્યારના તૂટી ચૂક્યા છે. કેવી રીતે? સમજીએ. જાપાનનું અર્થતંત્ર છેલ્લા કેટલાક વર્ષોથી સ્ટેગનેશનનો સામનો કરી રહ્યું છે. વિકસિત દેશોમાં આવી સમસ્યાઓ આવતી હોય છે. ફુગ્ગો જ્યારે ફુલાઈ જાય ત્યારે તેમાં વધુ હવા ભરવી મુશ્કેલ થાય. બીજી બાજુ દેશમાં મંદી ન આવે તે માટે સ્ટેગ્નેશનનો અંત લાવવો જરૂરી હોય છે. જાપાનના શાસકોનું ગણિત એવું હતું કે ઑલિમ્પિક્સના આયોજનોથી દેશનો ઉત્સાહ વધતા નવી ખરીદી નીકળશે, વળી તેઓ ૪ કરોડ વિદેશી મહેમાનોને આવકારવાની ગણતરી રાખતા હતા. આટલા વિદેશી દર્શકો આવે એટલે તેઓ પણ ત્યાં પૈસા ખર્ચે. તેનાથી પણ દેશને જબ્બર કમાણીની અપેક્ષા હતી. કોરોનાએ તેમનું આ ગણિત વીખી નાખ્યું.
જાપાનના વડા પ્રધાન યોશિહિદે સુગાએ કોવિડ હોવા છતાં ઑલિમ્પિક્સના આયોજનો પડતા ન મૂકવાનું નક્કી કર્યું. તેનું બે કારણ. ૧) ચીન ૨) આર્થિક સમિકરણ. ચીન ફેબુ્રઆરી-૨૦૨૨માં તેમને ત્યાં વિન્ટર ઑલિમ્પિક્સ યોજવાનું છે. ૨૦૦૮માં તેણે ભવ્ય ઑલિમ્પિક્સ પણ યોજી હતી. ચીને દૃઢતાપૂર્વક જાહેર કરી દીધું છે કે તે વિન્ટર ઑલિમ્પિક્સ રદ કરશે નહીં. જાપાન ઑલિમ્પિક્સ રદ કરે અને ચીન વિન્ટર ઑલિમ્પિક્સ દબદબાભેર યોજે તો આંતરરાષ્ટ્રીય સ્તરે જાપાનની ફજેતી થાય. ચીનની મહત્તા વધી જાય. જાપાન આવું થવા દેવા માગતું નથી. તે એવો મેસેજ આપવા માગે છે કે હજી પણ જાપાન એટલું જ મજબૂત છે.
બીજું કારણ આર્થિક છે. હવે જાપાનમાં આંતરરાષ્ટ્રીય દર્શકો તો નહીં હોય એટલે તે આવક તો ગઈ, પણ ઇન્ટરનેશનલ ઑલિમ્પિક કમિટીને રમતોના પ્રસારણમાંથી આવક થતી હોય છે. જાપાનને પણ તેમાં પોતાનો શેર મળે. ઇન્ટરનેશનલ ઑલિમ્પિક્સ કમિટી, સ્પોન્સરો અને જાપાન જે લોકો ટોક્યો ઑલિમ્પિક્સમાં પૈસા રોકીને બેઠા છે તેમના આર્થિક હિતો સાવ ન ધોવાઈ જાય એટલા માટે ઑલિમ્પિક્સ રદ કરવામાં આવી રહી નથી.
કોરોનાના કહેર પછી એવું નક્કી થયેલું કે સ્ટેડિયમમાં માત્ર ૧૦,૦૦૦ દર્શકોને જ એન્ટ્રી મળશે. ટોક્યોમાં કોવિડ કેસ વધવા લાગતા ત્યાં ફરીથી હેલ્થ ઇમર્જન્સી લાગુ કરવામાં આવી છે અને હવે એવું નક્કી કરાયું છે કે દર્શકો વિના રમતો યોજાશે. ઑલિમ્પિક્સના સહસ્ત્રાબ્દીઓના ઈતિહાસમાં કદાચ આ પહેલી એવી રમત હશે જે દર્શકગણ વિના રમાશે.
ટોક્યો ઑલિમ્પિક્સના આયોજનના ટીકાકારો સિક્કાની બીજી બાજુ બતાડી રહ્યા છે. માની લો કે ઑલિમ્પિક્સ વિલેજમાં કોરોના ફાટી નીકળશે તો? એ ખેલાડીઓ, એ સ્ટાફ જ્યારે તેના દેશમાં જશે ત્યારે? આનાથી ન માત્ર જાપાનમાં, પરંતુ સમસ્ત દુનિયામાં કોરોના ફેલાશે. અત્યાર સુધી કોરોના સામેની લડાઈમાં જાપાનનું પ્રદર્શન સારું રહ્યું છે, પણ તેનાથી એવું થોડું ફાઇનલ છે કે આવતીકાલે કશું નહીં જ થાય.
જાપાનમાં અત્યાર સુધી કોરોનાના ઓછા કેસ આવ્યા છે તેમાં સરકારને બદલે જનતાને ક્રેડિટ અપાઈ રહી છે. જાપાનમાં અત્યાર સુધીમાં ૮.૪૨ લાખ કોવિડ કેસ થયા છે અને ૧૪,૯૯૩ લોકોનાં મૃત્યુ થયાં છે.
ખરેખર કસોટી રૂપ છે. જાપાન કાં તો આ તરફ કાં તો પેલી તરફ એક મોટું ઉદાહરણ પેશ કરશે.
વૈશ્વિક હાઇલાઇટ્સ...
- ક્યુબામાં ચીજવસ્તુઓની, દવાની, અનાજની તાતી અછત સર્જાતા હજારો લોકો સડક પર વિરોધ કરવા ઊતરી પડયા છે. છેલ્લા છ દાયકામાં ત્યાં થયેલો આ સૌથી મોટો જનવિરોધ છે. પોલિસ દ્વારા વિરોધનું જબરદસ્ત દમન કરવામાં આવી રહ્યું છે અને લગભગ ૧૫૦ લોકો લાપતા બન્યા છે. ક્યુબામાં અત્યારે વીજળીની પણ ભયંકર અછત છે. જે દેશને અમેરિકા ન તોડી શક્યું તેને કોરોના તોડશે કે શું?
- દક્ષિણ આફ્રિકાના ભૂતપૂર્વ પ્રમુખ જેકબ ઝુમાને ને જેલભેગા કરવામાં આવતા ત્યાં રમખાણ ફાટી નીકળ્યા છે. તેમના સમર્થકોએ અનેકની હત્યા કરી છે તથા ફેક્ટરી, વેરહાઉસ અને દુકાનો સળગાવી નાખ્યા છે.
- લેબેનોનમાં પણ આર્થિક તંગીને કારણે બે પાવર પ્લાન્ટ બંધ કરવામાં આવ્યા છે. ત્યાં અંધારપટ સર્જાઈ ગયો છે. ઈરાકમાં કોવિડ વોર્ડમાં આગ લાગતા ૯૨ લોકોના મોત થયાં હતાં. છેલ્લા ત્રણ મહિનામાં ત્યાં બીજો આવો બનાવ બન્યો છે.
- બ્રિટનમાં કોરોના કેસની સંખ્યા એકાએક ફરીથી વધવા લાગી છે. જોકે ત્યાં રસીકરણ કાર્યક્રમ સફળ રહ્યો હોવાથી આ વખતે હૉસ્પિટલમાં દાખલ થનારા દર્દીઓની સંખ્યા ખૂબ ઓછી છે અને મૃત્યુ પામનારાઓની સંખ્યા તો એનાથી પણ ઓછી.