ખોલ દો: વિવિધ દેશોમાં અનલોકની આગેકૂચ
અરાઉન્ડ ધ વર્લ્ડ - કુલદીપ કારિયા
- સ્પેનમાં રેસ્ટોરન્ટ્સ, બાર, નાઇટક્લબ, થિયેટર્સ, જાહેર પ્રદર્શન બધું ખૂલી ચૂક્યું છે: ઇટલીમાં અંતિમ યાત્રામાં 15 લોકો જોડાઈ શકે છે
લોકડાઉન અલ્પકાલિક વિકલ્પ હતો, તેનો સમય હવે સમાપ્ત થઇ ચૂક્યો છે. કોરોનાગ્રસિત દેશો એક વાત સારી રીતે સમજી ગયા છે કે હવે આ અસ્ત્ર બૂઠું થઇ ચૂક્યું છે, કોઇ ખપમાં આવી શકે એમ નથી. ઊલટું તેનો પ્રયોગ કરવાથી ઊંધી ગોળી છૂટી શકે છે. લોકડાઉન એલોપેથિક દવા જેવું છે. એલોપેથિક દવા અસરકારક ખરી, પણ સાઇડ ઇફેક્ટ પણ એટલી જ વધારે હોય છે. એક સમય અવધિ પછી એન્ટીબાયોટિક દવા તો બિલકુલ કામ આપવાનું જ બંધ કરી દે છે. લોકડાઉનનું આ એન્ટિબાયોટિક દવા જેવું છે. જે વિસ્તારમાં કોરોના બોમ્બની જેમ ફાટયો છે ત્યાં બરોબર છે. એ સિવાયના વિસ્તારોને તાળું મારવું ઠીક નથી. તે સારી પેઠે સમજી ચૂકેલા કોરોનાગ્રસિત દેશોના શાસકોએ લોકડાઉનના દરવાજા અનલોક કરવાનું તો ક્યારનું શરૂ કરી દીધું છે. આ પ્રોસેસ તબક્કાવાર આગળ વધતી જાય છે. દરવાજા વધુ ને વધુ ખૂલતા જાય છે.
સ્પેનમાં કોરોનાના દર્દીઓનો સ્પાન બહુ મોટો છે. તેમાંથી આગળ વધીને 28મી એપ્રિલે જ પ્રધાનમંત્રી પેટ્રો સાંચેઝે દેશ તબક્કાવાર ઉઘાડવાની ઘોષણા કરી દીધેલી. કુલ 4 ચાર તબક્કા. પ્રથમ ચરણ 4થી મેથી શરૂ થયેલું. તે અંતર્ગત જ્યાં કોરોનાની અસર ઓછી છે એવા ટાપુઓ ખોલવામાં આવેલા. નાની દુકાનો, સલૂન અને બ્યુટી પાર્લસ ખોલાયેલાં. રેસ્ટોરન્ટ્સ અને બારને પણ લોકડાઉનમાંથી બહાર કરી દેવાયાં. જોકે માત્ર ટેક અવે સર્વિસ. બેસીને ખાવા-પીવાની છૂટ નહીં.
11મી મેએ બીજું ચરણ શરૂ થયું, તે અંતર્ગત વધારે અસરગ્રસ્ત હોય તેવા વિસ્તારોને છોડીને આખા દેશનું શટર ઉઘાડી નાખવામાં આવ્યું. અપોઇમેન્ટના આધાર પર જિમ્નેશિયમ તેમજ તેના જેવા બીજા નાના વ્યવસાયો ખોલવામાં આવ્યા. લાયબ્રેરી અને દુકાનોમાં વધુમાં વધુ 10 જણાંને એકઠા થવાની અનુમતિ અપાઇ. રેસ્ટોરન્ટ્સને 30 ટકા જગ્યામાં ગ્રાહકોને જમવાનું પીરસવાની છૂટ અપાઇ. કંપનીઓને 30 ટકા કર્મચારી સાથે પુન: કાર્યરત થવાની રજા અપાઇ. સ્પેનમાં મેના અંતમાં અનલોકીંગ પ્રોસેસનો ત્રીજો તબક્કો શરૂ થયો. થિયેટરો અને એકઝીબિશન્સને ઓછા દર્શકો સાથે કાર્યરત થવાની મંજૂરી આપવામાં આવી. 8મી જૂનથી ચોથો તબક્કો શરૂ થશે, જે આખરી હશે. તે અંતર્ગત શોપિંગ સેન્ટર્સ, બાર, નાઇટ કલબ 30 ટકા ક્ષમતા સાથે ખોલવામાં આવશે. તમામ પ્રકારની કંપનીઓ ખૂલી જશે. જો કે દરેક કર્મચારીએ સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરવાનું રહેશે અને ફરજિયાતપણે પીપીઇ કીટ પહેરવાની થશે.
યુરોપમાં કોરોનાથી સર્વાધિક પ્રભાવિત દેશ હોય તો તે ઇટલી છે. તેણે પણ પછડાટ ખાધા બાદ ભીતમાં પગ ભરાવીને ઊભા થવાના પ્રયત્નો આરંભી દીધા છે. 4થી મેથી જ તેણે લોકડાઉનની ગાંઠ ઢીલી કરવા માંડેલી. બહાર નીકળતા લોકોએ તેમનું હેલ્થ સર્ટિફીકેટ પોતાની સાથે રાખવાનું રહે છે. લોકો પાર્કમાં જઇ શકે છે પરંતુ ત્યાં પણ તેમને સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરવું ફરજિયાત છે. માસ્ક પહેરવું ફરજિયાત છે. પિકનીક મનાવવા અને ભીડ એકત્રિત કરવાના કાર્યક્રમો હજુ પણ પ્રતિબંધિત છે. સોશિયલ ડિસ્ટન્સીંગના નિયમો સાથે કેથલીક ચર્ચ ખુલ્લા મૂકી દેવામાં આવ્યા છે. જો કે દેવળોના સંચાલકોને કોઇ ધાર્મિક કાર્યક્રમો યોજવાની છૂટ નથી. અંતિમ સંસ્કારમાં વધુમાં વધુ 15 જણાંને જોડાવાની છૂટ અપાઇ છે. હોલસેલની દુકાનો, બાંધકામ અને રિયલ એસ્ટેટના કામકાજને પણ મંજૂરી આપી દેવાઇ છે. રેસ્ટોરન્ટ અને બાર્સ ખોલી નાખવામાં આવ્યાં છે. હેર ડ્રેસર અને બ્યુટી સલૂન પણ ઉઘાડવામાં આવ્યાં છે. કમસેકમ સપ્ટેમ્બર મહિના સુધી શાળા અને કોલેજો ખૂલવાની કોઇ શક્યતા દેખાતી નથી.
કોરોનાથી સૌથી વધુ પ્રભાવિત અમેરિકાએ સૌથી છેલ્લે લોકડાઉન કર્યું અને સૌથી પહેલાં ખોલવાનું શરૂ દીધું. 17મી એપ્રિલે જ ટ્રમ્પે 3 તબક્કામાં લોકડાઉન ખોલવાની ઘોષણા કરેલી. ભારતમાં જેમ લોકડાઉન ખોલવાની બાબતમાં રાજ્યોને સ્વાયત્તતા અપાઇ છે તેમ અમેરિકાએ પણ બિલકુલ એવું જ કર્યું. પહેલાં તબક્કામાં જે રાજ્યોમાં સતત 14 દિવસ કેસ ઘટયા હોય ત્યાંના નાગરીકોને ઘરની બહાર નીકળવાની પરવાનગી અપાઇ. મર્યાદામાં રહીને બજારો ખોલવાની છૂટ અપાઇ. તે પછી પણ જો ત્યાં કોરોનાના કેસ ઘટે તો બીજા તબક્કાનું લોકડાઉન ખોલી શકાય એવી શરત હતી. બીજા તબક્કામાં શરત રખાયેલી કે એક જગ્યા પર 50થી વધુ લોકો એકત્રિત થઇ શકે નહીં. ત્રીજા તબક્કામાં સામાન્ય કામકાજ પુન: શરૂ કરવાની છૂટ અપાઇ છે. હોસ્પિટલ અને કેર હોમમાં પણ અવરજવરની છૂટ અપાઇ છે. દરેક તબક્કા વચ્ચે કમસેકમ 14 દિવસનો સમયગાળો રાખવાની સૂચના અપાઇ છે.
ટ્રમ્પની ઘોષણા સાથે જ રાજ્યોએ લોકડાઉનમાં રાહત આપવાનું શરૂ કરી દીધેલું. લોકડાઉન ખોલવામાં ટ્રમ્પની રિપબ્લીકન પાર્ટીના રાજ્યો અગ્રેસર રહ્યા. જયોર્જિયાના રિપબ્લીકન ગર્વનર બ્રાયન કેમ્પે 24મી એપ્રિલથી સલૂન, પાર્લર અને ટેટૂની દુકાન ખોલવાની મંજૂરી આપેલી. જ્યોર્જિયામાં 1 લાખ ટેસ્ટીંગ કરવામાં આવતા 21 હજાર લોકોને કોરોના નીકળેલો. તેના પગલે સરકારે ટેસ્ટિંગ ઓછું કરી નાખતા ચારે દિશામાંથી ટીકા શરૂ થયેલી. આ બધાની વચ્ચે પણ 27મી એપ્રિલે બ્રાયન કેમ્પે રેસ્ટોરન્ટ ખોલવાની મંજૂરી આપી દીધી. સરકારની ઉતાવળ ત્યારે દેખાઇ આવી જ્યારે તેમણે મંજુરી આપ્યા પછી પણ 120 રેસ્ટોરન્ટ માલિક રેસ્ટોરન્ટ ખોલવા તૈયાર ન થયા.
લોકડાઉન ખોલવું જરૂરી છે પણ જ્યાં કોરોનાનો ફેલાવો ઓછો હોય ત્યાં જ. જયોર્જિયા જેવા રાજ્યો કે જ્યાં કોવિડ-19 એનાકોન્ડાની જેમ આતંક મચાવી રહ્યો છે ત્યાં લોકડાઉન ખોલવું એ નરી મૂર્ખામી છે. અમેરિકાના 20થી વધુ મહામારી વિશેષજ્ઞાો પણ આ જ અભિપ્રાય ધરાવે છે.
આ સમય ખાંડાની ધાર પર ચાલવા જેવો છે. લોકડાઉન ખોલો તો ય મરો અને ન ખોલો તોય. આથી લોકડાઉન ખોલવામાં આવે ત્યાં પણ સાવધાની અતિઆવશ્યક બની જાય છે. ઇમ્પીરીયલ કોલેજ ઓફ લંડનના સંશોધકો કહે છે કે અમેરિકામાં સપ્ટેમ્બર માસ સુધીમાં કોરોનાથી 22 લાખ લોકોના મૃત્યુ થઇ શકે છે. ન્યુયોર્ક ટાઇમ્સમાં પણ કેટલાક સંશોધકો એ જણાવેલું, અમેરિકાએ કટાણે લોકડાઉન ખોલી નાખતા રોજ સરેરાશ 3 હજાર લોકોના મોત થશે.
લોકડાઉન ખોલવું અનિવાર્ય છે પણ ક્યારે, ક્યાં અને કેવી રીતે ખોલવું તે એક કળા છે.
વૈશ્વિક હાઇલાઇટ્સ...
- હોંગકોંગની રબર સ્ટેમ્પ સરકારે ચીનનો નેશનલ સિક્યોરિટી લો લાગુ કરતા ભારે વિરોધ ફાટી નીકળ્યો હતો. નાગરિકો દ્વારા જાહેરમાં દેખાવો કરવામાં આવ્યા હતા. તાનાશાહ ચીને હોંગકોંગમાં ચાઇનીઝ રાષ્ટ્ર ગીતના અપમાનને ગુનાપાત્ર બનાવી દીધું છે.
- ચાલુ વર્ષના પહેલાં કવાર્ટરમાં ચીનની જીડીપીમાં 6.8 ટકાનો ઘટાડો નોંધાયો છે. પહેલી વખત ચીનની સંસદે જીડીપીનો લક્ષ્યાંક પડતો મૂકી દીધો છે.
- જાપાનમાં જે એરિયા બાકી હતા ત્યાં પણ લોકડાઉન ખોલી નાખવામાં આવ્યું છે, ત્યાંની સરકારે બીજું સ્ટીમ્યુલસ પેકેજ બહાર પાડયું છે. જેની કિંમત 1 ટ્રીલીયન ડોલર છે. એક ટ્રીલીયન ડોલર એટલે ભારતની જીડીપીના 40 ટકા.
- ફિલીપાઇન્સના માથા ફરેલા રાષ્ટ્રપતિ રોડ્રીગો ડુટર્ટીએ ઘોષણા કરી હતી કે જ્યાં સુધી કોવિડ-19ની રસી ન શોધાય ત્યાં સુધી શાળાઓ ખોલવામાં આવશે નહીં. રસી શોધવામાં કમસેકમ એક વર્ષ તો લાગી જ જવાનું. ત્યાં સુધી બાળકોને ઘરે બેસાડી રાખવાનો નિર્ણય ફિલીપાઇન્સને અંધકાર યુગમાં ધકેલનારો પુરવાર થઇ શકે છે સિવાય કે સારી ગુણવત્તાનું ઓનલાઇન એજ્યુકેશન સુલભ બને.
- યુરોપિયન કમિશને યુરોપિયન દેશોને કોરોનાની અસરમાંથી બહાર કાઢવા માટે 750 અબજ યુરોનું પેકેજ જાહેર કર્યું છે. આ પેકેજ 7 વર્ષ દરમ્યાન આપવામાં આવશે. તેમાંથી 500 અબજ યુરો ગ્રાન્ટ પેટે અને 250 અબજ યુરો લોન પેટે આપવામાં આવશે.