Get The App

દેવ દિવાળીએ પવિત્ર નાગધરામાં હજારો શ્રધ્ધાળુઓએ શ્રધ્ધાની ડૂબકી લગાવી

- યાત્રાધામ શામળાજી ખાતેના લોકમેળામાં માનવ મહેરામણ ઉમટયો

- કાળિયા ઠાકોરના દર્શનાર્થે કતારો જામી : પ્રાચિન નાગધરામાં શ્રધ્ધાળુઓ દ્વારા અસ્થિ વિસર્જન કરાયું

Updated: Nov 20th, 2021


Google NewsGoogle News
દેવ દિવાળીએ પવિત્ર નાગધરામાં હજારો શ્રધ્ધાળુઓએ શ્રધ્ધાની ડૂબકી લગાવી 1 - image

મોડાસા,તા.19

યાત્રાધામ શામળાજી ખાતે પરંપરાગત રીતે યોજાતાં કાર્તીકેય મેળામાં દેવદિવાળીના પવિત્ર અને મહિમાવંતા પર્વે માનવ મહેરામણ ઉમટયો હતો.જયારે ભગવાન શામળીયાના દર્શનાર્થે યાત્રાધામે આવેલા હજારો ભક્તોએ કાળીયા ઠાકોરના દર્શન કરી ધન્યતા અનુભવી હતી. શામળાજી ખાતે વર્ષો વર્ષ  યોજાતા આ લોકમેળા સાથે મેશ્વો ડેમની તળેટીમાં આવેલ પવિત્ર નાગધરામાં પરંપરાગત રીતે શ્રધ્ધાળુઓએ મૃતક સ્વજનના અસ્થિ વિસર્જિત કરી શ્રધ્ધાની ડૂબકી લગાવી હતી.

  જિલ્લાની ગીરીમાળાઓથી ઘેરાયેલા અને મેશ્વો નદીના કાંઠે આવેલા પ્રાચીન નગરી શામળાજી ધામે પરંપરાગત ત્રિદિવસીય લોકમેળાનું ભવ્ય આયોજન બે વર્ષ બાદ કરાતાં આ વર્ષે બમણી સંખ્યામાં લોકો ઉત્સાહ-ઉમળકાભેર ઉમટયા હતા.કોરોના સંક્રમણને લઈ ગત વર્ષે મેળો યોજાયો ન હતો. પરંતુ સંક્રમણ અને કોરોનાનો કહેર ઘટતાં આ વર્ષે યોજાયેલા લોકમેળામાં માનવ મહેરામણ ઉમટયો હતો.અને હજારો ભક્તોએ તેમના વહાલા ઈષ્ટદેવ શામળીયાજીના પાવનકારી દર્શન કરી ધન્યતા અનુભવી હતી. કારતક વદ ૧૧ થી પૂનમ સુધી યોજાતો આ મેળો હવે ત્રિદિવસીય બન્યો છે. ત્યારે છેલ્લા ૩ દિવસથી યોજાઈ રહેલ આ લોકમેળામાં દેવ દિવાળી પર્વે કારતકી પૂનમના દર્શનને લઈ ભારે ભીડ જામી હતી. અને હજારો ભક્તો દર્શન કરવા ઉમટી પડતાં લાંબી કતારો જામી હતી. છેલ્લા બે દિવસથી શામળાજી નગરમાં ભરાયેલા મેળામાં માવઠાએ મજા બગાડી હોય એમ જણાઈ આવ્યું હતું.પરંતુ આ પ્રાચીન નગરીના વિશેષ દર્શનીય ધામો,પવિત્ર મંદિરો અને વિશેષ મહિમા ધરાવતા નાગધરામાં હજારો શ્રધ્ધાળુઓ ઉમટયા હતા.

પરંપરા મુજબ નાગધરામાં અસ્થિ વિસર્જન અને શ્રાધ્ધપૂજન કેટલાય પરીવારો દ્વારા કરાયું હતું.

જયારે મોટીસંખ્યામાં શ્રધ્ધાળુઓએ આ પવિત્ર નાગધરામાં શ્રધ્ધાની ડૂબકી લગાવી હતી. લોકમેળો અને દેવદિવાળી પર્વના પાવનકારી દર્શનને લઈ મંદિરમાં ઉમટેલી દર્શનાર્થીઓની ભીડ વચ્ચે પણ મંદિર ટ્રસ્ટ દ્વારા કોવિડ-૧૯ ગાઈડ લાઈનનું પાલન તકેદારી પૂર્વક કરાયું હતું.અને દર્શનાર્થીઓને જરૂરી સુવિધા પૂરી પડાઈ હતી. આ મેળામાં સરકારના જુદાજુદા વિભાગો દ્વારા ટેબ્લો,પ્રદર્શન રજુ કરાયા હતા અને વિવિધ યોજનાઓને લઈ પ્રજાજનોને જાણકારી પૂરી પડાઈ હતી.

દેવ દિવાળી પર્વે ભગવાનનું મેરાયું પ્રગટાવાશે

પ્રસિધ્ધ યાત્રાધામ શામળાજી ખાતે પરંપરાગત રીતે ભરાતા લોકમેળામાં રાજયના દૂરદૂર વિસ્તારના તેમજ પરપ્રાંત રાજસ્થાન,મધ્યપ્રદેશ સહિતના પંથક માંથી હજારો શ્રધ્ધાળુઓ ભગવાન કાળીયા ઠાકોરના દર્શને અને પિતૃમોક્ષ માટે નાગધરામાં સ્નાન માટે આવે છે. દેવ દિવાળી પર્વે ભગવાન શામળીયાજીને સુવર્ણ આભુષણ સહિતના વાધા પહેરાવી શણગારાય છે અને રાત્રે ભગવાનનું મેરાયું પ્રગટાવવાની પરંપરા પણ નીભાવાય છે. 

nagdhara

Google NewsGoogle News