માલપુરના ઉભરાણના તળાવમાંથી ગેરકાયદે માટીનું ખનન કરાતું હોવાની રાવ
- બે માસથી માટીની ચોરી થતાં ગામ લોકોમાં રોષ
- ભૂમાફીયાઓ રાત્રિના સમયે જેશીબી મશીન અને ટ્રેકટરો દ્વારા બારોબાર માટીનું વેચાણ કરતા તપાસની માંગણી ઉઠી
મોડાસા,તા.25 જૂન, 2020,
ગુરૂવાર
માલપુર તાલુકાના ઉભરાણ ગામમાં
ભૂમાફિયાઓ છેલ્લા બે માસથી ગેરકાયદેસર તળાવમાંથી માટીનું ખનન કરી ચોરી કરી રહયા છે.રાત્રીના
સમયે જેસીબી મશીન લગાવી ડમ્પર દ્વારા મોટાપાયે લાખ્ખો રૃપિયાની માટીની ચોરી કરી બારોબાર
વેચી રહ્યા છે. ભૂમાફિયાઓ તળાવમાં આવેલા સ્મશાનમાં જયાં લોકોને દફનાવવામાં આવે છે.ત્યાં
ગોરવાડાની માટી પણ ઉઠાવી ગયા છે.
ઉભરાણ ગામમાં આવેલ તળાવમાં ભૂમાફિયા છેલ્લા બે માસ
ઉપરાંતના સમયગાળા દરમ્યાન તળાવમાંથી ગેરકાયદેસર ૪૦ થી ૬૦ ફુટ ઉંડાઈથી માટીનું ખનન કરાતા
તળાવથી માત્ર ૧૦૦ મીટર દૂર આવેલા ભોઈવાડા,વણકરવાસ,ચમારવાસ,રાવળવાસ,વાવ બજાર અને હરિજનવાસ વિસ્તારોમાં ચોમાસાની ઋતુમાં મકાનોમાં પાણી ફુટી નીકળવાની
દહેશત ફેલાઈ છે.છેલ્લા બે મહિનાથી રાત-દિવસ ગેરકાયદેસર માટીનું ખનન કરાતું હોવા છતાં વહીવટી તંત્ર અને ભૂસ્તર વિભાગ અજાણ છે.તળાવમાંથી
રૂપિયા બે થી ત્રણ કરોડ ની માટીનું ખનન કરવામાં આવ્યું છે.ભૂમાફિયાઓ રાત્રીના સમયે
ઉભરાણ તળાવમાં જેસીબી મશીન,ડમ્પર મોટા પાયે લઈ લાખ્ખો રૃપિયાની
માટીની ચોરી કરી લાખ્ખો રૂપિયા રળી લીધા છે.
આ આખીય ઘટનાની જિલ્લા કલેકટર
દ્વારા તપાસ કરી તળાવમાંથી ગેરકાયદે ખોદાણ કરી ગાબટ રોડ પર માટી કયાં લઈ જવાતી હતી.તેની
તપાસ કરી કસુરવારો સામે દંડનીય કાર્યવાહી કરવામા આવે તેવી ગ્રામજનોએ માંગ ઉઠાવી છે.લાખ્ખો
રૂપિયાની માટીનું ગેરકાયદેસર ખનન કરાતા આ પંથકમાં ચકચાર મચી જવા પામી છે.