Get The App

કિશોરપુરા પાસે ટ્રકની અડફેટે બાઇક ફંગોળાયું : એકનું મોત

- ધનસુરા-હિંમતનગરના માર્ગ પર અકસ્માત સર્જાયો

- બાઇક ચાલકને ઇજા થતાં સારવાર માટે ખસેડાયો અકસ્માત બાદ ટ્રક ચાલક નાસી છૂટતા ફરિયાદ નોંધાઇ

Updated: Feb 4th, 2022

GS TEAM

Google News
Google News
કિશોરપુરા પાસે ટ્રકની અડફેટે બાઇક ફંગોળાયું : એકનું મોત 1 - image

મોડાસા,તા. 3

મોડાસા તાલુકાના કિશોરપુરા ગામની સીમમાંથી પસાર થતાં ધનસુરા-હિંમતનગર માર્ગે પુરઝડપે હંકારાતી ટ્રકના ચાલકે પોતાના કબ્જાની ટ્રકને બેદરકારી ભરી રીતે હંકારી માર્ગ પરથી પસાર થતી બાઈકને ટક્કર મારી દીધી હતી. આ અકસ્માતમાં બાઈક ચાલકને ગંભીર ઈજાઓ પહોંચી હતી. જયારે બાઈક સવાર ૪૯ વર્ષિય ઈસમનું ઘટના સ્થળ  ઉપર મોત નીપજયું હતું. અકસ્માત સર્જી ટ્રક ઘટના સ્થળે છોડી ભાગી જનાર ટ્રક ચાલક વિરૂધ્ધ મોડાસા રૂરલ પોલીસે ગુનો નોંધી કાયદા હેઠળ કાર્યવાહી હાથ ધરી હતી. જયારે આ અકસ્માતમાં ગંભીર રીતે ઘવાયેલા બાઈક ચાલકને સારવાર હેઠળ ખસેડાયો હતો.

ધનસુરા વાયા શીકા-હિંમતનગરના માર્ગના કિશોરપુરા નજીક મેઘરજ તાલુકાના અદાપુર(સીસોદરા)ના બે શખ્સ બાઈક લઈ પસાર થઈ રહ્યા હતા. દરમિયાન આ માર્ગે પુરઝડપે હંકારાઈ રહેલ ટ્રકના ચાલકે પોતાના કબ્જાની ટ્રકને બેદરકારી અને ગફલતભરી રીતે હંકારતાં બાઈકને પાછળથી ટક્કર મારી અકસ્માત સર્જયો હતો. આ અકસ્માતમાં ટ્રકની ટક્કરથી બાઈક ફંગોળાયું હતું અને બાઈક ચાલક અને સવારને ગંભીર ઈજાઓ પહોંચી હતી. અકસ્માતમાં ગંભીર રીતે ઘવાયેલ બાઈક સવાર મનુભાઈ ભગાભાઈ પટેલ (ઉ.વ.૪૯)નું ઘટના સ્થળે જ કરૂણ મોત નીપજયું હતું.

જયારે ગંભીર રીતે ઘવાયેલ બાઈક ચાલક કનુભાઈ હિરાભાઈ પટેલને સારવાર હેઠળ ખસેડયા હતા.અકસ્માતની જાણ થતાં ઘટના સ્થળે પહોંચેલી મોડાસા રૂરલ પોલીસે અકસ્માત સર્જી ટ્રક ઘટના સ્થળે છોડી ભાગી ગયેલા ટ્રક ચાલક વિરૂધ્ધ ઈપીકો અને મોટર વાહન અધિનિયમ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

આ બાઈક ચાલક અને સવાર મેઘરજ તાલુકાના અદાપુર (સીસોદરા) ગામના હોવાનું ફરીયાદમાં જણાવાયું હતું.