ના૫ડા પાસે હોટલની જમીન વિવાદમાં મેનેજર સહિત સ્ટાફ પર હુમલો
- 12 શખ્સો હોટલમાં ઘુસી સ્ટાફને ગોંધી રાખી મારમાર્યો
- મેનેજરને ગંભીર ઈજા થતાંં સ્થાનિક હોસ્પિટલમાં ખસેડાયા સમગ્ર મામલો શામળાજી પોલીસ મથકે પહોંચ્યો
મોડાસા,તા. 28 જૂન, 2020,
રવિવાર
શામળાજી પાસે નાપડા ગામે
આવેલા માધવ હોટલમાં જમીન વિવાદમાં ૧૨ જેટલા શખ્શો હોટલમાં ઘૂસી મેનેજર અને હોટલ ના
સ્ટાફ પર હુમલો કર્યો હતો.આ શખ્શોએ હોટલના મેનેજર સહિત સ્ટાફને ઢોર માર મારી ગોંધી
રાખી ઘટનાને અંજામ આપ્યો હતો.જેમાં હોટલના મેનેજરને ગંભીર ઈજાઓ પહોંચતાં સ્થાનિક
હોસ્પિટમાં સારવાર અર્થે ખસેડાયા હતા.આ સમગ્ર મામલો શામળાજી પોલીસ મથકે પહોંચ્યો
હતો. શામળાજીના નાપડા ગામે માધવ હોટલ આવેલી છે.આ હોટલનો જમીનનો વિવાદ ચાલતો હોઈ ૧૨
જેટલા શખ્શોએ ભેગા મળી હોટલ માધવમાં આવી ચઢયા હતા.અને એકાએક મેનેજર સહિત સ્ટાફ ઉપર
હુમલો કરી દીધો હતો.ગેરકાયદે હોટલમાં ઘૂસી સ્ટાફના માણસો અને મેનેજરને ઢોર માર
મારી ગોંધી રાખ્યા હતા.આ ઘટનામાં હોટલના મેનેજર ને શરીરના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી
હતી. આ શખ્સો રીતસરના તૂટી પડયા હતા અને હથીયાર તથા લાકડા વડે મેનેજર ને ઢોરમાર
મારતાં મેનેજરની પીઠના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી.
જમીન વિવાદમાં મેનેજર
સહિત હોટલના સ્ટાફને ઢોર માર મારી રફુચક્કર થઈ ગયા હતા.રોડ ઉપર આવેલી હોટલ ઉપર
ધોળા દિવસે લૂખ્ખા તત્વો તૂટી પડયા હતા અને મેનેજર સહિત હોટલમાં સામાન્ય નોકરી
કરતા કર્મચારીઓને બેરેહમીથી મારી કાયદો હાથમાં લઈ બેફામ ઢોર માર મારતાં આ પંથકમાં
ચકચાર મચી જવા પામી હતી.