Get The App

મોડાસા બીએપીએસ દ્વારા આઠ ઓક્સિજન, કોન્સન્ટ્રેટર, 16 પલ્સ ઓકસોમીટરનું દાન

- મંદિરના કામગીરીને સાર્વજનિક હોસ્પિટલ અને તંત્ર દ્વારા બિરદાવાઈ

- કોરોના કાળના કપરા સમયે શ્રી સ્વામીનારાયણ મંદિર દ્વારા મોડાસાની સાર્વજનિક હોસ્પિટલ સહિત અન્ય કોવિડ હોસ્પિટલોને મશીન અપાયા

Updated: May 11th, 2021

GS TEAM

Google News
Google News
મોડાસા બીએપીએસ દ્વારા  આઠ ઓક્સિજન, કોન્સન્ટ્રેટર, 16 પલ્સ ઓકસોમીટરનું દાન 1 - image

મોડાસા,તા.10

શ્રી બોચાસણવાસી અક્ષર પુરૂષોત્તમ સંસ્થા સંચાલીત મોડાસાના શ્રી સ્વામીનારાયણ મંદિર દ્વારા આ કોરોના મહામારીમાં જરૂરતમંદોને સહયોગી થવા રૂપિયા ૧૫ લાખની કિંમતના ઓકસીજન મશીનો નું દાન કરાયું હતું.મોડાસાની  સાર્વજનિક હોસ્પિટલ તેમજ અન્ય કોવીડ હોસ્પિટલોને અપાયેલ ૮ ઓકસીજન કોન્સન્ટ્રેટર અને ૧૬ પલ્સ ઓકસોમીટર મશીનના આ દાનને ટ્રસ્ટ મંડળ,તંત્ર અને અગ્રણીઓ દ્વારા બીરદાવાયું હતું. અને આ કપરાકાળમાં મંદિર ટ્રસ્ટના આ સહયોગને આવકારાયો હતો.

 વિશ્વભરમાં કોરોનાની મહામારી એ માજા મૂકી છે. ચારેકોર સંક્રમણ વધ્યું છે. અરવલ્લી જિલ્લામાં વધતા જતાં સંક્રમણ સામે જરૂરતમંદોને બેડ,દવા,ઈન્જેકશન કે ઓકસીજન પણ સમયસર મળતા નથી. આ જરૂરી સેવાઓ પૂરી પાડવામાં તંત્રનો પનો ટૂંકો પડી રહયો છે.

ત્યારે સેવાભાવી સંસ્થાઓ આ કપરાકાળમાં વ્હારે આવી રહી છે. પરમ પૂજય પ્રમુખ સ્વામી મહારાજ અને પૂજા મહંત સ્વામી મહારાજની પ્રેરણાથી આંતર રાષ્ટ્રીય સ્તરે આધ્યત્મિક તથા સેવાકીય પ્રવૃત્તીઓમાં સદા અગ્રેસર બીએપીએસ સ્વામી નારાયણ સંસ્થા દ્વારા આ કોવીડ કાળમાં પણ ઠેરઠેર સેવા અપાઈ રહી છે. ત્યારે મોડાસા ખાતેના શ્રી અક્ષર પુરૂષોત્તમ સ્વામીનારાયણ મંદિર દ્વારા રૂપિયા ૧૫ લાખના ખર્ચ આઠ ઓકસીજન કોન્સન્ટ્રેટર મશીન અને ૧૬ પલ્સ ઓકસોમીટર મશીનોનું સહયોગ પુરો પડાયો છે. મોડાસાની સાર્વજનિક હોસ્પિટલમાં તેમજ અન્ય કોવીડ-૧૯ સારવાર આપતી હોસ્પિટલો માં મંદિર દ્વારા અપાયેલ આ સેવાને ટ્રસ્ટ મંડળ,તંત્ર અને અગ્રણીઓ દ્વારા બીરદાવાઈ હતી.

મોડાસા ખાતેના નૂતન સ્વામીનારાયણ મંદિરે પૂજય સંતો દ્વારા વિધીવત સેવા-પૂજા અને શાંતીપાઠ કરી આ કોરોનાનો નાશ થાય તેવી પ્રાર્થના કરાઈ હતી. આ પ્રસંગે સંત નિર્દેશક પૂ. મંગલ પુરુષ સ્વામી, પૂ. આનંદ યોગી સ્વામી સહિત ર્ડા. જે. બી. સોમપુરા, ર્ડા.જીતેન્દ્ર પટેલ સહિતના અગ્રણી હરીભક્તો અને અન્ય સેવાભાવીઓ ઉપસ્થિત રહયા હતા.આ મશીન દ્વારા દર ૧૦ મીનીટે ૧૦ લીટર ઓકસીજન મળે છે અને એક સાથે બે દર્દીઓને ઓકસીજન આપી શકાય છે એમ મંદિરની યાદીમાં જણાવાયું હતું.

માલપુર ખાતેના સામુહિક આરોગ્ય કેન્દ્રમાં ઓકસીજન પ્લાન્ટ નંખાશે

રાજય સરકાર દ્વારા આ કોરોનાકાળમાં વર્ષ ૨૦૨૧-૨૨ ધારાસભ્ય ફંડ ની જોગવાઈઓમાં કોવીડ-૧૯ ને લગતી સેવાઓ વિસ્તારવા કામો ઉપર પસંદગી ઉતારાય તેવો આગ્રહ રખાયો છે અને કોરોનાને નાથવા અને જરૂરી સાધન-સુવિધાઓ ઉભી કરવા દરેક ધારાસભ્યોને રૂપિયા ૫૦ લાખની જોગવાઈ કરાયેલ છે. ત્યારે બાયડ-માલપુર ના ધારાસભ્ય જશુભાઈ પટેલે પોતાના ફંડમાંથી રૂપિયા ૪૮ લાખની ફાળવણી સામુહિક આરોગ્ય કેન્દ્ર માલપુર ખાતે જરૂરી ઓકસીજન પ્લાન્ટ ઉભો કરવા કરી હતી. હાલ આ સીએચસીમાં ૩૬ બેડની સુવિધા ઉભી કરાઈ છે. ત્યારે આ ઓકસીજન પ્લાન્ટનું ત્વરીત કામ દર્દીઓને મદદરૂપ થઈ પડશે એમ મનાઈ રહયું છે.

હોટલમાં હોસ્પિટલ ઉભી કરી સારવાર હાથ ધરાઈ

મોડાસાના હજીરા (ગણેશપુર) વિસ્તારમાં આવેલ એક હોટલ ની જગા માં ઉમા સેવા ટ્રસ્ટ દ્વારા ઓકસીજન, એમ્બ્યુલન્સ અને જરૂરી દવા, સારવાર સહિત ભોજનની નિઃશુલ્ક સેવા ધરાવતી સેવા ઉભી કરાઈ છે. સેવા ટ્રસ્ટના કનુભાઈ પટેલ ના જણાવ્યા મુજબ હાલ ૨૪ બેડ ધરાવતી આ હોસ્પિટલની સારવારથી ૬૦ સમાજબંધુઓ સ્વસ્થ થયા છે.

Tags :