Get The App

ઢુંઢરમાં બાળકી પર દુષ્કર્મ બાદ સોશ્યલ મીડિયામાં ઉશ્કેરણીજનક પોસ્ટ કરનાર કિન્નર સહિત બે ઝબ્બે

- બંનેએ પરપ્રાંતિયોને તગેડી મૂકવા માટેના ભય ફેલાવનાર મેસેજ વાયરલ કર્યો હતો

Updated: Oct 10th, 2018

GS TEAM


Google News
Google News
ઢુંઢરમાં બાળકી પર દુષ્કર્મ બાદ સોશ્યલ મીડિયામાં ઉશ્કેરણીજનક પોસ્ટ કરનાર કિન્નર સહિત બે ઝબ્બે 1 - image

અમદાવાદ, મેઘરજ, તા. 9 અોકટોમ્બર, 2018, મંગળવાર

ગુજરાતમાંથી ઉત્તર પ્રદેશ, બિહાર, ઝારખંડ તથા મધ્યપ્રદેશ જેવા રાજ્યોના પરપ્રાંતિયોને તગેડી મૂકવાના ચોક્કસ ઈરાદા સાથે શરૃ થયેલી હીલચાલને વધુ અસરકારક અને વેગવાન બનાવવા સોશ્યલ મિડીયાના માધ્યમથી કુપ્રચાર કરવાની હરકત કરનાર બે શખ્સોની અરવલ્લી જિલ્લાની મેઘરજ પોલીસે ગઇકાલે ધરપકડ કરી હતી. સહુથી વિશેષ અને નવાઇની વાત તો એ છે કે, ધરપકડ કરાયેલા બે આરોપીમાં એક કિન્નરનો સમાવેશ થતો હોવાનું પોલીસે જણાવ્યું હતું.

હિંમતનગર તાલુકાના ઢુંઢર ગામની ૧૪ માસની માસૂમ બાળકી સાથે કુકર્મ આચરવાના બનેલા બનાવના અનુસંધાનમાં પોલીસે એક પરપ્રાંતિય શખ્સની ધરપકડ કરી છે.

જેના પગલે પરપ્રાંતિયોને ગુજરાતમાંથી હાંકી કાઢવાના ઈરાદા સાથે છેલ્લાં સપ્તાહથી શરૃ થયેલી હીલચાલથી કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કથળી રહી હોવાના પૂરાવા પાડતી દરરોજ રાજ્યમાં ક્યાંકને ક્યાં ઘટનાઓ બની રહી છે.

પરપ્રાંતિયોને ગુજરાતમાંથી તગેડી મૂકવાની હીલચાલને વધુ અસરકારક બનાવવા હવે ચોક્કસ તત્ત્વો સોશ્યલ મિડીયાના માધ્યમનો ઉપયોગ કરી રહ્યા હોવાથી રાજ્યના પોલીસ તંત્ર દ્વારા સાયબર ક્રાઇમ સેલ વિભાગને સતર્ક કરી દઇને સઘન તપાસ શરૃ કરી છે.

જેના પગલે સોશ્યલ મિડીયાના માધ્યમથી પરપ્રાંતિયોને તગેડી મૂકવાનો કુપ્રચાર કરી રહેલા તત્ત્વોની દરરોજ ધરપકડ કરવામાં આવી રહી છે. અરવલ્લી જિલ્લાની મેઘરજ પોલીસે પણ ગઇકાલે બે શખ્સોને ઝડપી લીધા હતા.

મેઘરજ પોલીસ મથકના સબ ઈન્સપેકટર એચ.એસ. શર્માએ ગઇકાલે (૧) મેઘરજ નગરના ઘાંચીવાડામાં રહેતા હબીબભાઇ ઈસ્માઈલભાઇ કુસકીવાલા અને (૨) મેઘરજના ઈન્દિરાનગરમાં રહેતા પાવૈવા કોમલદે આરતીદેની ઈ.પી.કો. કલમ ૧૫૩ (એ) હેઠળ ધરપકડ કરીને વધુ તપાસ હાથ ધરી છે.

ઢુંઢરની માસૂમ બાળકી સાથે દુષ્કર્મની ઘટનાને નજર સમક્ષ રાખીને સોશ્યલ મિડીયાના માધ્યમોનો ઉપયોગ કરીને વોટ્સએપ દ્વારા પરપ્રાંતિયોને તગેડી મૂકવાના સંદેશા વહેતા કરવામાં આવી રહ્યાની માહિતી પ્રકાશમાં આવી હતી. જેના પગલે મેઘરજ પોલીસે સક્રીય બનીને તપાસનો દોર આગળ વધાર્યો હતો.

જેમાં બન્ને શખ્સો સોશ્યલ મિડીયાના માધ્યમનો ઉપયોગ કરીને પરપ્રાંતિયોને તગેડી મૂકવા ઉશ્કેરાટ ફેલાવતા સંદેશા વહેતા કરી રહ્યા હોવાના કરતૂતનો પર્દાફાશ થઇ ગયો હતો.

આ કુપ્રચારના કરતૂતોને અંજામ આપવામાં એક કિન્નરની પણ ભૂમિકા હોવાની જાણ થઇ ત્યારે ખુદ તપાસ અધિકારી પણ ચોંકી ઊઠયા હતા. આખરે ગઇકાલે નાત-જાત અને કોમ-કોમ વચ્ચે ધિક્કારની લાગણી ફેલાવે તેવી હરકતો કરનાર બન્ને શખ્સોની ધરપકડ કરી હતી.

Tags :