મોડાસા,તા. 23
ચાલુ વર્ષે જિલ્લામાં વરસાદ ઓછો નોંધાયો છે, અધુરામાં પાછોરા વરસાદથી
કેટલાક ખેતીપાકોને નુકશાન પહોંચ્યું હતું.ત્યારે ભરશિયાળે સર્જાયેલ માવઠાને લીધે શાકભાજી
વાવેતરમાં ટામેટાને વ્યાપક નુકશાન પહોંચતાં જિલ્લામાં વડોદરા-અમદાવાદથી આયાત થતા ટામેટાના
ભાવમાં બમણાથી પણ વધુ વધારો નોંધાતાં ગૃહિણીઓમાં નારાજગી જોવા મળી હતી.
રાજયભરમાં તાજેતરમાં વરસેલ કમોસમી વરસાદથી ખેતીપાકોની સાથે સાથે
શાકભાજી વાવેતરને પણ મહદઅંશે નુકશાન પહોંચ્યું છે. શાકભાજીની વિવિધ જાતોમાં ત્રણેય
સીઝન ઉગાડવામાં આવતા ટામેટા પાકને પણ આ માવઠાનો માર પડયો હોય એમ વ્યાપક નુકશાન પહોંચ્યું
હતું.
ટામેટાની ખેતીને પહોંચેલ નુકશાનથી માવઠા બાદ ૪ દિવસમાં જ અરવલ્લી
જિલ્લાના શાકભાજી બજારોમાં ભાવમાં ભડકો થવા પામ્યો હતો. મોડાસાના શાકભાજીના હોલસેલ વેપારી પિયુષભાઈ પટેલ ના જણાવ્યા મુજબ અગાઉ ૪૦ રૂપિયે
કીલોના ભાવે વેચાતા ટામેટાના ભાવ રૂ.૮૦ થી ૧૦૦ એ પહોંચ્યા છે.
માલની તીવ્ર તંગીથી ટામેટાના ભાવ વધતાં ખૂબ જ સારા પોષકતત્વો
ધરાવતા એવા લીલી શાકભાજીમાં શ્રેષ્ઠ એવા ટામેટાની ખરીદી માટે આવતો ગ્રાહકો,ગૃહિણીઓમાં ભારે કચવાટની
લાગણી પ્રસરી હતી. જિલ્લાના બજારોમાં વડોદરા અને અમદાવાદથી ટામેટાની આવક થતી હોય છે.
ટામેટાનો કેટલોક જથ્થો
રાજય બહારથી પણ આવતો હોવાનું વેપારી અમીતભાઈ પટેલે જણાવ્યું હતું.ત્યારે એક તરફ માલની
અછત અને બીજી તરફ લગ્નસરા નિમિત્તે વધેલી માંગથી ભાવોમાં બમણાથી અઢી ગણો વધારો નોંધતાં
ગૃહિણીઓની રસોઈનો સ્વાદ ફીક્કો થવા પામ્યો હતો.


