ધનસુરામાં પોણો ઈંચ વરસાદમાં જ નિચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા
- જિલ્લામાં ખરીફ પાકને જીવતદાન
- મોડાસા-નડીયાદ હાઈવે પર પાણી ભરાયા : 24 કલાકમાં તમામ તાલુકામાં છુટોછવાયો વરસાદ પડયો
મોડાસા,તા.9 જુલાઈ, 2020,
ગુરૂવાર
અરવલ્લી જિલ્લામાં
છેલ્લા ૨૪ કલાકમાં સર્વત્ર વરસાદ ખાબક્યો હતો.જેમાં ધનસુરા પંથકમાં ગત રાત્રે
મૂશળધાર વરસાદ ખાબક્તા નીચાણવાળી સોસાયટી વિસ્તારોમાં પાણી ભરાયા હતા.જિલ્લામાં ૨૪
કલાકમાં નોંધાયેલ વરસાદ જેમાં ધનસુરા-૨૧,બાયડ-૧૪,મોડાસા-૬,ભિલોડા-૬ અને
મેઘરજમાં ૩ મીમી વરસાદ નોંધાયો હતો.
જિલ્લામાં એક સપ્તાહથી
વરસાદી વાતાવરણ બન્યું છે.અસહ્ય ઉકળાટ બાદ એકાએક વાતાવરણમાં પલ્ટો આવે છે અને
વરસાદ વરસે છે.છેલ્લા ૨૪ કલાકમાં જિલ્લામાં સર્વત્ર વરસાદ પડયો હતો. જેમાં ધનસુરા
ખાતે ગત રાત્રે એકાએક તોફાની વરસાદ તૂટી પડયો હતો.અંદાજે પોણો ઈંચ જેટલો વરસાદ
નગરમાં ખાબક્તા ધનસુરાની નીચાણવાળી સોસાયટીઓ,મેઈન બજારમાં અને મોડાસા-નડીયાદ રોડ ઉપર પાણી ભરાયા હતા. આ વર્ષે ચોમાસાની
ઋતુમાં જિલ્લામાં સૌથી સારો વરસાદ મોડાસા પંથકમાં ૧૦ ઈંચ નોંધાતા આ પંથકના
ખેડૂતોમાં આનંદની લાગણી છવાઈ છે. કારણ કે સારવાર વરસાદને લઈ ચોમાસુ ખેતી સારી
પાકશે.આમ સૌથી ઓછો વરસાદ મેઘરજ ખાતે ૭૬ મીમી નોંધાયો હતો. આ પંથકમાં સારો વરસાદ થતાં ખેડૂતોમાં ખુશી
વ્યાપી હતી.ચોમાસુ વાવેતર કરેલ મગફળી,મકાઈ,અડદ,તુવેર જેવા પાકોને ફાયદો થશે.આમ જિલ્લાના ધનસુરા, બાયડ, મોડાસા, ભિલોડા અને
મેઘરજ પંથકમાં છેલ્લા ૨૪ કલાકમાં વરસાદ વરસ્યો હતો.આમ વરસાદી માહોલ જામતા
ધરતીપુત્રો હરખાયા હતા.