ભિલોડા પંથકમાં ગાજવીજ સાથે અર્ધો કલાકમાં અડધો ઈંચ વરસાદ
મોડાસા,તા.૧૬ ઓગસ્ટ 2018, ગુરુવાર
અરવલ્લી જિલ્લાના ભિલોડા પંથકમાં ગુરૃવારની બપોરે એકાએક હવામાનમાં આવેલા અણધાર્યા પલ્ટા સાથે ગાજવીજ સાથે વરસાદ વરસ્યો હતો.અર્ધો કલાકમાં વરસેલા અર્ધા ઈંચ જેટલા વરસાદથી ઠેરઠેર પાાણી ભરાયા હતા.જયારે આ વરસાદથી ખરીફ વાવેતરને જીવતદાન મળશે એવી ખેડુતોમાં આશ બંધાઈ હતી.
રાજયમાં આગામી ત્રણ દિવસમાં હળવાથી ભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરાઈ છે.ગુરૃવારની બપોરે અરવલ્લી જિલ્લાના ભિલોડા, શામળાજી, મોડાસા, ધનસુરા સહિતના વિસ્તારોમાં કાળા ડીબાંગ વાદળો ઉભરી આવ્યા હતા.અચાનક વાતાવરણમાં આવેલ પલ્ટા બાદ જિલ્લાના ભિલોડા સહિત આસપાસના વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદ વરસ્યો હતો. ભિલોડા ખાતે અર્ધો કલાકમાં અર્ધો ઈંચ જેટલો વરસાદ થતાં ઠેરઠેર પાણી ભરાયા હતા.જયારે તાલુકાના દઢવાવ,ચિઠોડા અને શામળાજી સહિતના વિસ્તારોમાં પણ હળવા વરસાદી ઝાપટા વરસ્યા હતા.
જિલ્લાના મોડાસા અને ધનસુરા વિસ્તારોમાં ગુરૃવારની સાંજે ધીમી ધારે વરસાદ ની શરૃઆત થઈ હતી.
આમ જિલ્લાના કેટલાક વિસ્તારોમાં હળવાથી ભારે વરસાદ થતાં ખરીફ પાક વાવેતરને જીવતદાન મળતાં ખેડૂતોમાં રાહત ફેલાઈ હતી. અને આગામી દિવસોમાં નોંધપાત્ર વરસાદ થશે એવી આશા બંધાઈ હતી.