મોડાસા,તા.25
અરવલ્લી જિલ્લાવાસીઓને આરોગ્ય વિષયક સેવાઓ સળરતાથી મળી રહે જરૂરી
સારવાર માટે મધ્યમ અને ગરીબ વર્ગને છેક હિંમતનગર કે અમદાવાદ સુધી કટોકટી કાળમાં લાંબા
થવાનો વારો ન આવે તેવા પ્રજાલક્ષી ઉદ્દેશ સાથે મોડાસા ખાતે કોંગ્રેસ પક્ષ દ્વારા ૪
દિવસ પ્રતિક ધરણાનો કાર્યક્રમ મંગળવારથી શરૂ કરાયો હતો,પરંતુ આ ધરણા કાર્યક્રમ
કોરોના મહામારીને લઈ યોજવાના મુદ્દે ટાઉન પોલીસે ધરણા સ્થળેથી કોંગ્રેસી ધારાસભ્યો,અગ્રણી હોદ્દેદારો
અને કાર્યકરોની અટકાયત કરી લીધી હતી.
અરવલ્લી જિલ્લાની સ્થાપના ૮ વર્ષે પૂર્ણ થયા પણ જિલ્લાવાસીઓને
જિલ્લાકક્ષાની સીવીલ હોસ્પિટલની સેવા મળી શકી નથી. કોરોના કાળમાં હંગામી ધોરણે તાત્કાલીક
સિવીલ હોસ્પિટલની સેવા શરૂ કરવા કોંગ્રેસ દ્વારા છેલ્લા બે વર્ષથી માંગને વધુ ઉગ્ર
બનાવાઈ રહી છે, ત્યારે આ
સરકારને અન્ય કામો માટે નાણાં મળે છે પરંતુ જિલ્લામાં સીવીલ શરૂ કરવાને લઈ તરહ તરહની
બાનાબાજી કરાતી હોવાનો આક્ષેપ કોંગ્રેસ પક્ષ દ્વારા કરાયો હતો.અને પ્રજાની માંગને વાચ
આપવા અરવલ્લી જિલ્લા કોંગ્રેસ પક્ષ દ્વારા મોડાસા ખાતે ૪ દિવસીય પ્રતિક ધરણાનો કાર્યક્રમ
મંગળવાર થી આરંભાયો હતો. અરવલ્લી જિલ્લા કોંગ્રેસના પ્રમુખ કમલેન્દ્રસિંહ પુવાર,ઉપપ્રમુખ જયદત્તસિંહ
પુવાર અને જિલ્લા મહિલા કોંગ્રેસ પ્રમુખ કલ્પનાબેન ભાવસાર સહિતના નિર્ધારીત કરાયેલ
૮ કાર્યકરો દ્વારા આ પ્રતિક ધરણા યોજાયા હતા. પરંતુ બપોરના સમયે ટાઉન પોલીસે આ પ્રતિક
ધરણા સ્થળે આવી પહોંચી આ કાર્યક્રમ અટકાવાયો હતો. અને ધરણા યોજી રહેલા અગ્રણીઓ, કાર્યકરો અને ધારાસભ્યોની
ધરણા સ્થળેથી અટકાયત કરી લીધી હતી. ટાઉન પોલીસે
ધરણા સ્થળેથી અટકાયત કરાયેલા કોંગ્રેસી કાર્યકરો અને ધારાસભ્યોને ટાઉન પોલીસ સ્ટેશને
લઈ જવાયા હતા.


