રામપુર અને સાકરીયા ગામે પરંપરાગત રીતે પશુઓ ભડકાવાયા
- ગામના પાદરે પશુઓ એકઠા કરી ફટાકડા ફોડી પર્વ મનાવાય છે
- પશુઓ અને માનવોમાં મહામારી ના ફેલાય તેવી શ્રધ્ધા અને માન્યતા સાથે પશુઓ ભડકાવવાનો કાર્યક્રમ ઉજવાયો
મોડાસા,તા. 19 નવેમ્બર, 2020, ગુરૂવાર
મહાપર્વ એવા પર્વધિરાજ
દિવાળીની શ્રધ્ધા-ઉમંગભેર ઉજવણી બાદ બીજા દિવસે શુભારંભ થતાં વિક્રમ સંવતના નવા
વર્ષ ટાણે વિવિધ પ્રકારની ઉજવણીઓ હાથ ધરાય છે.આવી જુદીજુદી ઉજવણીમાં મોડાસા તાલુકાના
રામપુર અને સાકરીયા ગામે પશુઓ ભડકાવવાની પરંપરા વિશેષ મહિમા ધરાવે છે.આવી જ
મહીમાવંતી નવા વર્ષની અનોખી ઉજવણી ગ્રામજનો દ્વારા કરાઈ હતી.અને એકતાના પ્રતિકરૂપ
ની આ ઉજવણી બાદ એકબીજાને નવા વર્ષના જયશ્રી કૃષ્ણ પાઠવાવમાં આવ્યા હતા.
મોડાસા તાલુકાના રામપુર
ગામે નૂતન વર્ષની વહેલી સવારે ગામના પાદરે આવેલ શ્રી કૃષ્ણ મંદિર ખાતેથી ગ્રામજનો
શ્રધ્ધાભેર એકઠા થયા હતા અને પૂજા,અર્ચના અને આરતી કરાઈ હતી.ત્યાર બાદ ગામના પશુઓને મંદિરે એકઠા કરાયા
હતા.અને વડીલોની પરંપરા મુજબ ફટાકડાઓ ફોડી આ પશુઓ ને ભડકાવવામાં આવ્યા હતા.રામપુર
ગામના અગ્રણી અને મોડાસા તાલુકા પંચાયતના પૂર્વ ઉપપ્રમુખ વાલાભાઈ ભરવાડે વર્ષોથી
ચાલી આવતી આ વડીલોની પરંપરાનું મહત્વ અને મહિમા સમજાવતા જણાવ્યું હતું કે ભગવાન
શ્રીકૃષ્ણને અતિપ્રિય ગાય અને તેના ગોપાલકોનું આ પર્વ છે.નૂતનવર્ષે પશુઓ
ભડકાવવામાં પશુઓ અને માનવોમાં મહામારી ન ફેલાય તેવી માન્યતા રહેલી છે.અને ફટાકડા
ફોડી પશુઓ ભડકાવવા છતાં પશુઓ કે કોઈ ગ્રામજનોને નજીવી પણ ઈજા પહોંચતી નથી એજ મોટું
સુખદ આશ્ચર્ય આ પરંપરામાં અખંડ જળવાઈ રહયું છે.
મોડાસા તાલુકાના સાકરીયા
ગામે પણ બેસતા વર્ષે એટલે કે નવા વર્ષની સાંજે પરંપરાગત રીતે યુવાનો દ્વારા ફટાકડા
ફોડી પશુઓને ભડકાવવામાં આવ્યા હતા.આ ઉજવણી પ્રસંગે સમસ્ત ગ્રામજનો જરૂરી તકેદારી
સાથે હરખભેર ઉપસ્થિત રહી આ કાર્યક્રમમાં જોડાયા હતા.