ગાબટ-ઉભરાણ વચ્ચે ભમરેચી માતાજી તળાવ બેટની ભૂમાફિયાઓ દ્વારા ખનન કર્યાની રાવ
- માટીનું ખનન કરી ઊંડી ખાઈ પાડી દેવાઈ
- સ્થાનિકોએ ખાણ ખનિજ વિભાગને રજૂઆત કરી : આગામી દિવસોમાં ગ્રામજનો ઉચ્ચે કક્ષાએ રજૂઆત કરશે
મોડાસા,તા.28 જૂન, 2020, રવિવાર
બાયડ તાલુકાના
ગાબટ-ઉભરાણ વચ્ચે વધુ એક માટી ખનનનો કિસ્સો સામે આવ્યો છે.ભૂમાફિયાઓ દ્વારા
ગાબટ-ઉભરાણ વચ્ચે આવેલી ભમરેચી માતાજી તળાવ બેટની હજારો ટન માટીનું ખનન કરી ઉઠાવી
ગયા છે. આજ રોડ પર ના પુલ પાસે થી પણ મોટીમાત્રામાં માટીનું ખનન કરાતા પુલ પાસે
ઊંડી ખાઈ પડી ગઈ છે.આમ ઉભરાણ પંથકમાં
બેફામ રીતે ભૂમાફિયાઓ તંત્રના ડર વગર ગેરકાયદેસર માટીનું ખનન કરી રહયા છે.
માલપુર તાલુકાના ઉભરાણ
તળાવમાંથી છેલ્લા ત્રણ મહિનામાં બે થી ત્રણ કરોડો રૂપિયાની માટીનું ગેરકાયદે ખનન
કર્યુ હોવાનું પ્રકાશમાં આવતાં અરવલ્લી જિલ્લાનાં ભૂસ્તર વિભાગની પોલ ખુલી જતાં
અધિકારીઓ અચંમ્બામા પડી ગયા છે. ત્યારે વધુ એક આ પંથકમાં માટીની ચોરી સામે આવી છે.
ઉભરાણ-ગાબટ ગામ વચ્ચે આવેલ ભમરેચી માતાજીના તળાવ બેટ તરીકે ઓળખાતા તળાવની પાળો
તોડીને ભૂમાફિયાઓ માટી ઉઠાવી ગયા છે.
ભમરેચી માતાજીના દેવાલય પાસે તો પાળો રોકટોક વગર તોડી નાખીને ગેરકાયદે માટીનું ખનન
કરાતા પુંસરી અને ગાબટના ગ્રામજનોમાં આક્રોશ ફાટી નીકળ્યો છે.
ગ્રામજનો એ માટી ખનન
બાબતે અરવલ્લી જિલ્લા ખાણ ખનીજ વિભાગને જાણ કરી છે.આ ગેરકાયદેસર માટીનું ખનન કરનાર
ભૂમાફિયાઓ સામે દંડની કાર્યવાહી નહી કરે અને પર્યાવરણને નુકશાન પહોંચાડનાર
અસામાજીક તત્વો સામે ફોજદારી કાર્યવાહી
નહી કરવામાં આવે તો ગાબટ અને પુંસરીના ગ્રામજનો આ અંગે નાયબ મુખ્યમંત્રી નીતીનભાઈ
પટેલને રજૂઆત કરવા જવાના હોવાનું ગામલોકોએ જણાવ્યું હતું.