ટીંબા તળાવ ગામમાં ત્યજી દેવાયેલા નવજાત શિશુના મૃતદેહની દફનવિધિ કરાઈ
- નિષ્ઠુર માતા સામે ચોમેરથી ફિટકાર
- એફએસએલની પણ તપાસ માટે મદદ લેવાઈ : પોલીસે આરોપીની શોધખોળ હાથ ધરી
તલોદ તા. 4
તલોદ તાલુકાના ટીંબા તળાવ ગામના ખેત સીમાડામાંથી મળી આવેલ
બિનવારસી નવજાત શિશુ ના મૃતદેહ ની અંતિમવિધી તલોદ પોલીસે તલોદ નગર પાલિકાના સથવારે
કરવાની ફરજ બજાવી હતી. તલોદના સ્મશાનગૃહની ભુમીમાં એ નવજાત શિશુના મૃત દેહને
દફનાવવામાં આવ્યો હતો.
તલોદ તાલુકાના હરસોલ- ગાંભોઇ રોડ માર્ગ ઉપરના ટીંબા તળાવ ગામના
નાડિયા સમાજના પરિવારોના રહેઠાણો પાછળ ઘઉંના એક ખેતરના શેઢેથી ગત સવારે એક નવજાત
શિશુ નો મૃતદેહ મળી આવ્યો હતો. માતાએ પોતાના પેટનું પાપ છુપાવવા કે અન્ય કોઈ અગમ્ય
કારણોસર પોતાના કાળજા ના કટકા જેવા તાજા જન્મેલા દીકરાને ત્યજી દઈને છુટકારો
મેળવવા પ્રયાસ કર્યો હતો. જે કુમળી કળી જેવા નાદાન શિશુના મૃતદેહનો કબજો ઘટના
સ્થળેથી લઈને તલોદ/હરસોલ પોલીસે શિશુના મૃતદેહને તલોદની રેફરલ હોસ્પિટલમાં
પોસ્ટમોર્ટમ વિધી માટે પહોંચાડીને કાયદેસર ની ફરિયાદ દાખલ કરીને તપાસ નો ધમધમાટ
જારી રાખેલ છે . તાજા જન્મેલા દીકરાને
ખેત સીમાડામાં રઝળતું ત્યજી દઈને છુટકારો મેળવવા માંગતી તેની જનેતા તથા તેના
પરિવારની શોધખોળ પોલીસે આદરી છે. જેમાં તપાસ ઉંડાણપૂર્વક થાય તે માટે પોલીસે
સાબરકાંઠા ફોરેન્સિક લેબોરેટરીના અધિકારીઓની પણ મદદ મેળવી છે. સંતાન પ્રાપ્તિ માટે
નિઃસંતાન દંપતીઓ 'પથ્થર એટલા દેવ' કરે છે..
તો પણ અનેક સંજોગોમાં શેર માટીની ખોટ પુરાતી હોતી નથી. ત્યારે બાળકને ત્યજી દેતા
ચોમેરથી માતા સામે ફિટકાર લોકો વરસાવી રહ્યા છે.