Get The App

વડાલી અને ઇડર તાલુકાના 42 તળાવ પાઈપલાઈનથી ભરાયા

- બાધરોલ ઉદવહન સિંચાઈ યોજનાથી

- અપુરતા વરસાદમાં તળાવ ભરવામાં આવતા 11 હજાર હેક્ટર જમીનમાં સિંચાઈનો લાભ ખેડૂતોને થશે

Updated: Jan 2nd, 2022

GS TEAM

Google News
Google News
વડાલી અને ઇડર તાલુકાના 42 તળાવ પાઈપલાઈનથી ભરાયા 1 - image

વડાલી તા. 1

કુબાધરોલ ઉદવહન સિંચાઈ યોજનાથી વડાલી અને ઇડર તાલુકાના ૪૨ તળાવો પાઈપલાઈનથી ચાલુ સાલે ભરવામાં આવતા બંને તાલુકાની ૧૧૦૦૦ હજાર હેક્ટર જમીનમાં વાવેતર કરેલા રવી પાકોને સિંચાઈનો લાભ થશે.ચોમાસામાં પડેલા અપુરતા વરસાદથી જમીનમાં પાણીના સ્તર નીચા જતા પાકો પર સર્જાયેલા સંકટના સમયે તળાવો ભરવામાં આવતા પાકોને જીવતદાન મળતા ખેડૂતોને રાહત થઇ છે.

વડાલી અને ઇડર તાલુકામાં અપુરતા વરસાદથી જમીનમાં પાણીના સ્તર નીચા જતા બોર અને કુવાઓમાં ખાલીખમ થઈ જતા ખેડુતોએ ચોમાસુ ખેતી પર જ નિર્ભર રહેવાનો વારો ગત વર્ષોમાં આવતો હતો.જેથી ખેડુતોની હાલત દિવસેને દિવસે કફોડી બનતા સિંચાઇની વ્યવસ્થા કરવા ઉગ્ર માંગ કરવા લાગ્યા હતા.જેથી રાજ્ય સરકાર દ્વારા વર્ષ ૨૦૧૦/૧૧ માં ધરોઈ જળાશય યોજના આધારિત કુબાધરોલ ઉદવહન સિંચાઈ યોજના કાર્યરત કરવામાં આવી હતી.જે યોજના અંતર્ગત વર્ષ ૨૦૧૩ થી પાઈપલાઈન દ્વારા ધરોઈ ડેમમાંથી પાણી ઉદવહન કરી ઇડર અને વડાલી તાલુકાના ૨૨ તળાવો ભરવામાં આવી રહ્યા છે.જે બાદ યોજનાનું વિસ્તૃતિકરણ કરી બંને તાલુકાના ૨૦ મળી યોજના હેઠળ હાલમાં ૪૨ તળાવો ભરવામાં આવી રહ્યા છે.જે યોજના ૬૫ થી ૭૦ કરોડ રૃપિયા ખર્ચ કરી કાર્યરત કરવામાં આવી છે.ચાલુ સાલે નહીંવત વરસાદ પડતાં જમીનમાં પાણીના સ્તર નીચા જતા શિયાળુ પાકોને બચાવવા ખેડુતો માટે મુશ્કેલ બની ગયા હતા.જે સંકટ સમયે જવાબદાર તંત્ર દ્વારા યોજના અંતર્ગત તળાવો તાજેતરમાં ભરી બંને તાલુકાની ૧૧ હજાર હેક્ટર જમીનમાં સિંચાઇનો લાભ આપતા રવી પાકોને જીવતદાન મળતા ખેડુતોમાં ખુશીની લહેર ફેલાઈ હતી.તેમજ સંકટ સમયે તળાવો ભરવામાં આવતા ખેડુતોએ પૂજન અર્ચન કરી વાજતે ગાજતે પાણીને વધાવી તળાવમાં દીવડાઓ તળતા મુક્યા હતા.

તાલુકાના પૂર્વ વિસ્તારના તળાવો ભરવા ખેડૂતોની માંગણી

કુબાધરોલ ઉદવહન સિંચાઈ યોજના અંતર્ગત વડાલી તાલુકાના પશ્ચિમ વિસ્તારના ગામોના તળાવો ભરવામાં આવે છે.પરંતુ પૂર્વ વિસ્તારમાં આવેલા ભજપુરા,થેરાસણા,વડગામડા,થુરાવાસ,ધરોદ,ચુલ્લા,વેટલા,કોઠણ,મેઘ,સવાસલા,જુનાચામું,નવાચામું ગામોના તળાવો યોજના હેઠળ ભરવામાં ન આવતા  ખેડુતોની હાલત કફોડી બની ગઈ છે.જે હાલતમાં સુધાર લાવવા યોજનાનું વિસ્તૃતીકરણ કરી ગામોના તળાવો રાજ્ય સરકાર દ્વારા ભરવામાં આવે તેવી ખેડુતો ઉગ્ર માંગ કરી રહ્યા છે.