આણંદ જિલ્લામાં માર્ગો પર લટાર મારવા નિકળેલા યુવકોને પોલીસે ઉઠ-બેસ કરાવી
- તા.31મી માર્ચ સુધી ગુજરાતને લોકડાઉન કરવાના નિર્ણયને પગલે
- જિલ્લા પોલીસ તંત્ર દ્વારા શહેરમાં પ્રવેશતા માર્ગો સીલ કરી ચેકિંગ ઝુંબેશ હાથ ધરી : પોલીસે વાહન ચાલકોને ઘરમાં જ રહેવા અપીલ કરી
આણંદ,તા.24 માર્ચ 2020, મંગળવાર
કોરોના વાયરસની મહામારીએ સર્જેલ ગંભીર પરિસ્થિતિને લઈને ગુજરાત સરકાર દ્વારા સોમવારની મધ્યરાત્રિથી તા.૩૧ માર્ચ સુધી સમગ્ર ગુજરાતને લોકડાઉન કરવાનો નિર્ણય લેવાયો છે. આ નિર્ણયને લઈને આણંદ જિલ્લામાં મોટાભાગના વિસ્તારોમાં લોકડાઉનની અસર જોવા મળી હતી.
જો કે સવારના સુમારે કેટલાક યુવકો મોટરસાયકલ લઈને લટાર મારવા નીકળી પડતા રાજમાર્ગો ઉપર હાજર પોલીસ કર્મીઓએ તેઓને અટકાવી ઘરે રહેવા સમજાવ્યું હતું. લોકડાઉનને લઈને આણંદ શહેરમાં પ્રવેશવાના મુખ્ય માર્ગો બંધ કરી દેવામાં આવ્યા છે. વિવિધ પોઈન્ટ ઉપર ચુસ્ત પોલીસ બંદોબસ્ત તૈનાત કરી દેવાયો છે. દૂધ, શાકભાજી, મેડિકલ સ્ટોર તથા કરિયાણાની દુકાનો સિવાયના તમામ ધંધો-રોજગાર બંધ રહેવા પામ્યા હતા.
ગુજરાતમાં કોરોના વાયરસનો પ્રભાવ વધતા તેમજ એક જ દિવસમાં કોરોના વાયરસના કેસોની સંખ્યામાં મોટો વધારો થતા પરિસ્થિતિને વકરતી રોકવા માટે સોમવાર રાત્રિના સુમારે ગુજરાતના પોલીસ વડા શિવાનંદ ઝા અને ગૃહવિભાગના અધિક મુખ્ય સચિવે એક પત્રકાર પરિષદ બોલાવી સમગ્ર રાજ્યની બોર્ડર સીલ કરી દેવાના નિર્ણયની જાહેરાત કરી હતી. સાથે સાથે સમગ્ર ગુજરાતમાં ૧૪૪ની કલમ લાગુ કરી લોકડાઉનની જાહેરાત કરાઈ હતી.
લોકડાઉનમાંથી મેડિકલ સ્ટોર કરિયાણાની દુકાનો અને દૂધ, શાકભાજી જેવી જીવન જરૂરીયાતની ચીજવસ્તુઓને બાદ રાખવામાં આવતા ગઈકાલ રાત્રિના સુમારે આ જાહેરાત થયા બાદ દૂધ સહિતની આવશ્યક ચીજવસ્તુઓ ખરીદવા લોકોએ પડાપડી કરી હતી. ગઈકાલ રાત્રિના ૧૨:૦૦ વાગ્યાથી લોકડાઉન જાહેર કરાતા આણંદ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા જિલ્લામાં પ્રવેશવાના મુખ્ય માર્ગો સીલ કરી દેવાયા હતા.
લોકડાઉનને લઈને આજે સવારથી જ જિલ્લામાં ઠેર-ઠેર ચુસ્ત પોલીસ બંદોબસ્ત તૈનાત કરી દેવામાં આવ્યો હતો. આણંદ શહેર ઉપરાંત જિલ્લાના ઉમરેઠ, બોરસદ, પેટલાદ, ખંભાત, તારાપુર, આંકલાવ, સોજિત્રા સહિતના વિવિધ તાલુકા મથકો ખાતે લોકડાઉનની અસર જોવા મળી હતી અને મોટાભાગના બજારો બંધ રહેવા પામ્યા હતા. લોકડાઉન દરમ્યાન પોલીસ દ્વારા સઘન પેટ્રોલીંગ કરી જિલ્લાવાસીઓને ઘરની બહાર ન નીકળવા અપીલ કરાઈ હતી.
આણંદ શહેરમાં પણ આજે સવારથી જ લોકડાઉનની અસર જોવા મળી હતી અને મોટાભાગના તમામ વેપારીઓએ પોતાના ધંધા-રોજગાર બંધ રાખ્યા હતા. જિલ્લા પોલીસ તંત્ર દ્વારા આણંદ શહેરમાં પ્રવેશવાના તમામ મુખ્ય માર્ગો સીલ કરી સઘન ચેકીંગ ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી.
જો કે કેટલાક શહેરીજનો પોતાના ટુવ્હીલર સાથે સવારના સુમારે લોકડાઉનની અસર જોવા નીકળી પડયા હતા. તો કેટલાક ઠેકાણે યુવકો ટોળે વળી લોકડાઉનની ચર્ચા કરતા નજરે પડયા હતા. જો કે પોલીસે આવા તમામ સામે લાલ આંખ કરી તેઓને ઘરમાં રહેવા માટે ખાસ અપીલ કરી હતી. કામકાજ સિવાય લટાર મારવા બહાર નીકળતા યુવકોને પોલીસે કાયદાનો પાઠ ભણાવી કેટલાકને ઉઠ-બેસ કરાવી હોવાના કિસ્સા પણ જોવા મળ્યા હતા.
માર્ગો પર વાહનચાલકોએ પોલીસને નીતનવા બહાના બતાવ્યા
કોરોના વાયરસના વ્યાપને રોકવા માટે આણંદ સહિત સમગ્ર રાજ્યમાં સોમવાર મધ્યરાત્રિથી લોકડાઉનનો નિર્ણય લેવાયો છે ત્યારે મંગળવાર સવારના સુમારે આણંદ શહેરમાં લોકડાઉનની પરિસ્થિતિને નિહાળવા માટે કેટલાક શહેરીજનો ટુવ્હીલર અને કાર લઈને નીકળી પડયા હતા. જો કે લોકડાઉનને લઈને શહેરના રાજમાર્ગો ઉપર ઉપસ્થિત પોલીસ દ્વારા આવા લોકોને અટકાવી ક્યાં જઈ રહ્યા છો તેવું પુંછતા કેટલાક લોકોએ મેડિકલ સ્ટોરનું બીલ બતાવી દવા લેવા જાઉં છું તેવું બહાનું બતાવ્યું હતું તો કોઈકે ર્ડાક્ટરની મુલાકાત લેવા જતા હોવાનું બહાનું આગળ કર્યું હતું. કેટલાક જીવનજરૂરીયાતની ચીજવસ્તુ લેવા તો કેટલાક બેંકમાં જતા હોવાનું જણાવ્યું હતું.