ખંભાતના વત્રા ગામે બાઇકની અડફેટે ઇજાગ્રસ્ત મહિલાનું સારવારમાં મોત
- અકસ્માત સર્જનાર ચાલક સામે ગુનો નોંધાયો
- બોરસદ તાલુકાના શખ્સે પગપાળા જતી મહિલાને ટક્કર મારતા ગંભીર ઇજા પહોંચી હતી
આણંદ : ખંભાત તાલુકાના વત્રા ગામ નજીક ગઈકાલે સવારના સુમારે બાઇકની અડફેટે આવેલી એક મહિલાનું ગંભીર ઈજાઓ થવાના કારણે સારવાર દરમિયાન કરૂણ મોત નિપજ્યું હતું.
ખંભાત તાલુકાના વત્રા ગામે એક ફેક્ટરી નજીક મંજુલાબેન છોટાભાઈ સોલંકી રહેતા હતા. ગઈકાલ સવારના સુમારે તેઓ ફેક્ટરી નજીકના રોડ પરથી ચાલતા પસાર થઈ રહ્યા હતા. દરમિયાન બોરસદના સૈજપુર ખાતે રહેતા બાબુભાઈ પટેલે પોતાની બાઇક પૂરઝડપે હંકારી લાવી મંજુલાબેનને ટક્કર મારતા તેઓને માથા તેમજ શરીરના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી. આ અકસ્માતમાં ગંભીર રીતે ઘવાયેલ મંજુલાબેનને સારવાર અર્થે તુરત જ નજીકની હોસ્પિટલમાં ખસેડાયા હતા. જ્યાં સારવાર દરમિયાન તેઓનું મોત નિપજ્યું હતું. ખંભાત ગ્રામ્ય પોલીસે બાઇક ચાલક વિરુધ્ધ અકસ્માતનો ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.