ખંભાત ખેતીવાડી બજાર ઉત્પન્ન સમિતિ ખોલવાના નિર્ણયને આવકાર
- રજીસ્ટ્રેશન કરાવી ખેડૂતો તૈયાર પાકનું વેચાણ કરી શકે તે માટે વ્યવસ્થા ગોઠવાઇ
આણંદ, તા.18 એપ્રિલ, 2020, શનિવાર
આણંદ જિલ્લાના ખંભાત નગરને કોરોના વાયરસે ભરડામાં લીધું છે ત્યારે ધરતીપુત્રો દ્વારા તૈયાર પાકનું વેચાણ કરી શકાય તે હેતુથી ખંભાત ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિને ખોલવાનો નિર્ણય લેવાતા ધરતીપુત્રોમાં આનંદની લાગણી વ્યાપી જવા પામી છે.
ખંભાતમાં ઉજાગર થયેલ પોઝીટીવ કેસોને ધ્યાનમાં રાખી ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ ખાતે કોઈપણને કોરોનાનો ચેપ ન લાગે તે રીતે સુચારું આયોજન કરી ખરીદીની શરૃઆત કરવામાં આવી છે.
હાલ આણંદ જિલ્લાના ખંભાત નગરમાં કોરોનાના પોઝીટીવ કેસો વધતા ખંભાત નગરપાલિકા વિસ્તારમાં લોકોની અવર-જવર ઉપર પ્રતિબંધ મુકી સમગ્ર વિસ્તાર સીલ કરી દેવામાં આવ્યો છે. આ સમયગાળા દરમ્યાન ભાલ પંથકના ધરતીપુત્રો તૈયાર કરાયેલ પાકનું વેચાણ કરી શકે તે માટે ખંભાત ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ ખુલ્લી કરાતા ધરતીપુત્રોની મુંઝવણમાં આંશિક ઘટાડો નોંધાયો છે. આ માટે સૌપ્રથમ ધરતીપુત્રો દ્વારા એ.પી.એમ.સી. દ્વારા જાહેર કરાયેલ સંપર્ક નંબર ઉપર રજીસ્ટ્રેશન કરાવવાનું જણાવવામાં આવ્યું છે. રજીસ્ટ્રેશન કરાવ્યા બાદ દરરોજના ૧૦૦ જેટલા ધરતીપુત્રો તૈયાર પાક ભરેલા ટ્રેક્ટરને માર્કેટયાર્ડમાં લાવી શકશે. આ હરાજી દરમ્યાન સોશ્યલ ડીસ્ટન્સ જળવાઈ રહે તેનું ખાસ ધ્યાન પણ રાખવામાં આવે છે. હાલ વૈણજ, નવી આખોલ, દહેડા, તામસા, રોહિણી, મીતલી, હૈદરપુરા, ઉંદેલ સહિતના ગ્રામ્ય વિસ્તારોમાંથી ધરતીપુત્રો રજીસ્ટ્રેશન પ્રક્રિયામાં જોતરાઈ ગયા છે. જો કે પ્રથમ દિવસે રજીસ્ટ્રેશન કરાવેલ અંદાજીત ૭૫ જેટલા ધરતીપુત્રો પૈકી ૬૭ જેટલા ટ્રેક્ટરોમાં ભરેલા તૈયાર પાકની ખરીદી કરવામાં આવી હતી.