આસોદર ચોકડી ખાતે વી.યુ.પી. નાળું બનાવવા મુદ્દે વેપારીઓ લડી લેવાના મૂડમાં
હાઇવે હાલ સિક્સલેન માર્ગનું કામ ચાલે છે
- ચોકડી વી.યુ.પી. નાળું નહીં બનાવાય તો ગાંધી ચિંધ્યા માર્ગે ઉગ્ર આંદોલન કરવાની વેપારીઓની ચિમકી
આણંદ, તા.8 ડિસેમ્બર 2020, મંગળવાર
આણંદ જિલ્લાના આંકલાવની આસોદર ચોકડી ખાતે નિર્માણ પામી રહેલ સીક્સલાઈન હાઈવે ઉપર વી.યુ.પી. નાળુ બનાવવા અંગે આસોદર ચોકડી ખાતેના વેપારીઓ આકરા મૂડમાં આવી ગયા છે અને વી.યુ.પી. નાળુ બનાવવામાં નહી આવે તો ગાંધી ચીંધ્યા માર્ગે ઉપવાસ તથા આંદોલનની ચીમકી ઉચ્ચારવામાં આવી છે.
વધુમાં મળતી માહિતી મુજબ વાસદ-બગોદરા હાઈવેને સીક્સલાઈન બનાવવાની કામગીરી ખોરંભે પડયા બાદ હાલમાં આ કામગીરીનો પુનઃ આરંભ કરાયો છે. આંકલાવ તાલુકાના આસોદર ગામ નજીકથી આ હાઈવે પસાર થાય છે. આસોદર ચોકડી ખાતે અનેક ધંધા-રોજગાર વિકસ્યા છે અને આસપાસના ગ્રામજનો અત્રે ખરીદી અર્થે આવતા હોય છે. આસોદર ચોકડી ખાતેથી નેશનલ હાઈવે પસાર થવાના કારણે વેપાર-ધંધા-રોજગારને મોટુ નુકસાન થાય તેવી ભીતિ સ્થાનિક વેપારીઓને સતાવી રહી છે.
જે અંગે આસોદર ગ્રામ પંચાયતના સરપંચ દ્વારા સમસ્યાના નિરાકરણ માટે જુના બસ સ્ટેન્ડ વિસ્તાર તથા બોદાલ ગામ તરફ જવાના માર્ગ ઉપર વી.યુ.પી. નાળુ બનાવવામાં આવે તેવી નાયબ મુખ્યમંત્રીને રજૂઆત કરાઈ હતી. આસોદર ગ્રામ પંચાયત દ્વારા સપ્ટેમ્બર માસમાં પણ આ અંગે ઉચ્ચકક્ષાએ રજૂઆત કરાઈ હતી. છતાં પરિણામ શૂન્ય રહેતા હવે સ્થાનિક વેપારીઓ દ્વારા આગામી સમયમાં આંદોલનની ચીમકી ઉચ્ચારવામાં આવી છે.
સ્થાનિક વેપારીઓના જણાવ્યા મુજબ આસોદર ગામ અને બજારને જોડતા અન્ય ગામડાના કેટલાક રસ્તા આવેલા છે. જેમાં બોદાલ, પામોલ, દહેમી, કસુંબાડ, હરખાપુરા, સીંગલાવ વગેરે ગામોને જોડતો મુખ્ય માર્ગ હોઈ તેમજ આ સ્થળે અનેક શોપીંગ સેન્ટર તથા દુકાનો આવેલ છે. ઉપરાંત મુખ્ય રસ્તા ઉપર પ્રાથમિક શાળા તથા હાઈસ્કુલ પણ આવેલ છે ત્યારે આ સ્થળે વી.યુ.પી. નાળુ બનાવવામાં આવે તો સ્થાનિકોને દુર સુધીનું અંતર કાપવામાંથી મુક્તિ મળી શકે તેમ છે.