આણંદ શહેર-જિલ્લામાં 3 દિવસે પણ સાર્વત્રિક વરસાદ : ખંભાતમાં 2 ઈંચથી વધુ
- શહેરી વિસ્તારોમાં સામાન્ય વરસાદમાં ઠેર ઠેર પાણી ભરાયા
- સોજિત્રામાં ૩૭, પેટલમાં ૩૫, ઉમરેઠમાં ૩૨, આણંદ તાલુકામાં ૨૮ મીમી, અન્ય સ્થળે હળવાથી ભારે ઝાપટાં પડયાં હતાં
આણંદ, તા.15 જૂન 2020, સોમવાર
ચોમાસાની વિધિવત શરૃઆત થતાં જ સમગ્ર આણંદ જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો છે. છેલ્લા ત્રણ દિવસથી આણંદ જિલ્લામાં સતત મેઘ મહેર જારી રહેવા પામી છે. ગઈકાલ મોડી રાત્રિના સુમારે જિલ્લામાં સાર્વત્રિક વરસાદ નોંધાયો હતો. જિલ્લાના ખંભાત તાલુકામાં સૌથી વધુ ૫૫ મી.મી. વરસાદ વરસ્યો હતો. આણંદ શહેર સહિત જિલ્લાભરમાં ઠેર-ઠેર વરસાદી ઝાપટા વરસતા નીચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણી ભરાઈ ગયા હતા. વરસાદી માહોલને લઈ છેલ્લા કેટલાક દિવસોથી આકરી ગરમીનો સામનો કરી રહેલ જિલ્લાવાસીઓએ હાલ કાળઝાળ ગરમીમાંથી રાહત અનુભવી છે. આજે સોમવારના રોજ પણ દિવસ દરમ્યાન વાદળછાયુ વાતાવરણ જોવા મળ્યું હતું.
સામાન્ય રીતે ગુજરાતમાં ૧૫ જૂનની આસપાસથી ચોમાસાની શરૃઆત થતી હોય છે. જો કે ચાલુ વર્ષે નિસર્ગ વાવાઝોડાની અસરને લઈ સમગ્ર ગુજરાત રાજ્ય સહિત આણંદ જિલ્લામાં ૧૫ જૂન પૂર્વે કમોસમી વરસાદ વરસ્યો હતો. બાદમાં બંગાળની ખાડીમાં સર્જાયેલ સીસ્ટમને લઈ છેલ્લા ત્રણેક દિવસથી સમગ્ર આણંદ જિલ્લામાં વરસાદ વરસવાનું ચાલુ રહ્યું છે. ગઈકાલ રવિવારના રોજ સવારથી જ જિલ્લામાં વાદળછાયુ વાતાવરણ જોવા મળ્યું હતું અને વહેલી પરોઢના સુમારે કેટલાક ઠેકાણે હળવા વરસાદી ઝાપટા વરસ્યા હતા. જો કે બાદમાં મેઘરાજાએ વિરામ ફરમાવ્યો હતો અને મોડી રાત્રિના સુમારે પુનઃ વીજળીના ચમકારા અને વાદળોની ગર્જના વચ્ચે મેઘરાજાની રીએન્ટ્રી થઈ હતી. તેજ પવનો ફુંકાવાની સાથે જિલ્લામાં ઠેર-ઠેર ધોધમાર વરસાદ વરસ્યો હોવાના અહેવાલ સાંપડયા છે. રાત્રિના ૧૨ઃ૦૦ થી સવારના ૪ઃ૦૦ કલાક સુધીમાં જિલ્લામાં સાર્વત્રિક વરસાદ નોંધાયો છે. તેમાંય મધ્યરાત્રિના સુમારે જિલ્લાના ઉમરેઠ, ખંભાત, પેટલાદ તથા સોજિત્રામાં એક થી દોઢ ઈંચ વરસાદ ખાબકતા નીચાણવાળા વિસ્તારો બેટમાં ફેરવાઈ ગયા હતા. જો કે વહેલી સવારના સુમારે વરસાદ બંધ રહેતા વિવિધ સ્થળોએ ભરાયેલ વરસાદી પાણી ઓસરી જતા સ્થાનિકોએ રાહત અનુભવી હતી. આણંદ જિલ્લા પુર નિયંત્રણ કક્ષના જણાવ્યા મુજબ આજે સવારે ૮ઃ૦૦ કલાકે પુરા થતા ૨૪ કલાક દરમ્યાન જિલ્લામાં ખંભાત તાલુકામાં સૌથી વધુ ૫૫ મી.મી. વરસાદ નોંધાયો છે. જ્યારે સૌથી ઓછો આંકલાવ તથા બોરસદ તાલુકામાં ૮-૮ મી.મી. વરસાદ વરસ્યો છે. જ્યારે આણંદ તાલુકામાં ૨૮ મી.મી., ઉમરેઠ તાલુકામાં ૩૨, તારાપુર તાલુકામાં ૧૬ મી.મી., પેટલાદ તાલુકામાં ૩૫ મી.મી. અને સોજિત્રા તાલુકામાં ૩૭ મી.મી. વરસાદ નોંધાયો છે.