આણંદના ખાટકીવાડ વિસ્તારમાં ગૌવંશની કતલ કરતા બે શખ્સો રંગેહાથ પકડાયા
- ગૌરક્ષકે અને પોલીસની ટીમે છાપો માર્યો
- ઘટના સ્થળેથી ગાય અને વાછરડાના અવશેષો મળ્યા અને બે વાછરડાને બચાવી પાંજરાપોળ મોકલાયા
આણંદ, તા.28 જુલાઈ 2020, મંગળવાર
આણંદ શહેરના પોલસન ડેરી રોડ ઉપર આવેલ ખાટકી વાડ વિસ્તારમાં રહેતા કેટલાક શખ્શો ગૌવંશની કતલ કરી રહ્યા હોવાની માહિતી ગૌરક્ષક દળના જવાનોને મળતા ગૌરક્ષક દળ તથા આણંદ શહેર પોલીસની ટીમે ખાટકીવાડ વિસ્તારમાં છાપો મારી ગૌ હત્યા કરી રહેલ બે શખ્શોને રંગેહાથ ઝડપી પાડયા હતા. તેમજ અન્ય બે વાછરડાને બચાવી ઝડપાયેલ બંને શખ્શો સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
આણંદ શહેરના પોલસન ડેરી રોડ ઉપર આવેલ ખાટકીવાડ વિસ્તારમાં કેટલાક શખ્શો દ્વારા ગૌમાતાની કતલ કરવામાં આવી રહી હોવાની માહિતી ગૌરક્ષક દળના સભ્યોને મળતા તેઓએ આ અંગે આણંદ શહેર પોલીસને જાણ કરી હતી. દરમ્યાન આણંદ શહેર પોલીસની ટીમે તપાસ કરતા ખાટકીવાડ વિસ્તારની મોબીન મસ્જિદ પાસે રહેતા ઈશાકભાઈ સિદ્દીકભાઈ કુરેશી તથા સિદ્દીકભાઈ અબ્દુલભાઈ કુરેશી અને નવશાદભાઈ સત્તારભાઈ કુરેશી (તમામ રહે.આણંદ, પોલીસન ડેરી રોડ)નાઓ ગાયો તથા વાછરડા લાવી કતલ કરી રહ્યા હોવાની માહિતી પોલીસને મળી હતી. જેથી પોલીસ તથા ગૌરક્ષક દળના જવાનોએ ઓચિંતો છાપો મારતા કતલ કરાયેલ એક ગાય અને વાછરડું મળી આવ્યા હતા. જ્યારે પોલીસે ઘટના સ્થળેથી બે વાછરડાને જીવીત હાલતમાં બચાવી લીધા હતા અને ઘટના સ્થળેથી સિદ્દીકભાઈ અબ્દુલભાઈ કુરેશી તથા નવશાદભાઈ સત્તારભાઈ કુરેશીને ઝડપી પાડયા હતા. પોલીસે આ બંને શખ્શો સામે ગુનો નોંધીને અન્ય આરોપી ઈશાકભાઈ સિદ્દીકભાઈ કુરેશીને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા છે.