આણંદ જિલ્લામાં વધુ બે પ્રવાસીઓનું સ્ક્રીનિંગ કરાયું : કુલ આંક 1785 થયો
- ગુજરાતમાં કોરોનાનું સંક્રમણ વધતા તંત્ર સજ્જ
- જિલ્લામાં નર્સિગના વિદ્યાર્થીઓ દ્વારા ડોર ટુ ડોર સર્વે કરવાનું આયોજન : આઈસોલેશન વોર્ડની કેપેસિટી વધારાશે
આણંદ,તા.24 માર્ચ 2020, મંગળવાર
સમગ્ર વિશ્વમાં હાહાકાર મચાવી રહેલા કોરોના વાઈરસની સામે લડવા કેન્દ્ર અને રાજ્ય સરકારે અગમચેતીનાં સંખ્યાબંધ પગલાંઓ લીધા છે. કોરોના સામે લડવા લોકોની જાગૃતિ એટલી જ જરૂરી છે. જાગૃતિ અને સાવધાનીએ જ બચાવનું શ્રેષ્ઠ માધ્યમ સાબિત થયા છે ત્યારે જિલ્લા કલેક્ટર આર.જી.ગોહિલ અને જિલ્લા વિકાસ અધિકારીના સીધા માર્ગદર્શન હેઠળ જિલ્લા આરોગ્ય તંત્ર દ્વારા અનેકવિધ પગલાંઓ ભરવામાં આવી રહ્યા છે.
તદ્અનુસાર જિલ્લામાં તા.૨૨/૩/૨૦૨૦ના રોજ સાંજના ૪-૦૦ વાગ્યા સુધીમાં ૧૭૮૩ પ્રવાસીઓનું ફોલોઅપ કરવામાં આવ્યું હતું. ત્યારબાદ આજે તા.૨૩/૦૩/૨૦૨૦ના રોજ સાંજના ૪-૦૦ વાગ્યા સુધીમાં વધુ બે પ્રવાસીઓનું ફોલોઅપ કરતાં અત્યાર સુધીમાં કુલ ૧૭૮૫ પ્રવાસીઓનું ફોલોઅપ કરવામાં આવ્યું છે. જે પૈકી ૩૧૧ પ્રવાસીઓનું ઓબ્ઝર્વેશન પૂર્ણ કરવામાં આવેલ છે જ્યારે ૧૪૭૪ પ્રવાસીઓ ઓબ્ઝર્વેશન હેઠળ છે. કોરોના અંતર્ગત જિલ્લામાં એકપણ કેસ પોઝીટીવ આવેલ ન હોવાનું જ્યારે અત્યાર સુધીમાં જિલ્લામાં સીઝનલફુલ/કોરોનાના ૦૯ દર્દીઓના રીપોર્ટ નેગેટીવ આવ્યા હોવાનું જિલ્લા મુખ્ય આરોગ્ય અધિકારી ર્ડા.એમ.ટી.છારીએ જણાવ્યું છે.
જિલ્લામાં તકેદારીના ભાગરૂપે આજે નર્સિંગ કોલેજના આચાર્યો સાથે બેઠક કરીને નર્સિંગના વિદ્યાર્થીઓ દ્વારા ડોર ટુ ડોર સર્વે કરવા માટેનું આયોજન કરવામાં આવ્યું હતું અને તે માટેની જરૂરી માહિતી અને તાલીમ આપવામાં આવી હતી. આ ઉપરાંત જિલ્લા કલેક્ટર આર.જી.ગોહિલના અધ્યક્ષસ્થાને આઈ.એમ.એ. અને આઈ.એ.પી. આણંદના તબીબો સાથે બેઠક કરી જિલ્લામાં આઈસોલેશન વોર્ડ તથા બેડની કેપેસેટી વધારવા માટેનું આયોજન કરવામાં આવ્યું હોવાનું છારીએ વધુમાં જણાવ્યું છે.