Gujarat

વરસડાના પાટીયા પાસે બે ટ્રકો સામસામે ધડાકાભેર ટકરાતા 2 વ્યક્તિનાં કરૂણ મોત

By GS Team
20 Jun 20202 mins read
This article was originally published on 20 Jun 2020
વરસડાના પાટીયા પાસે બે ટ્રકો સામસામે ધડાકાભેર ટકરાતા 2 વ્યક્તિનાં કરૂણ મોત

આણંદ, તા.20 જૂન 2020, શનિવાર

આણંદ જિલ્લાના તારાપુર-વટામણ હાઈવે માર્ગ ઉપર આવેલ વરસડા ગામના પાટીયા નજીક ગઈકાલ રાત્રિના સુમારે બે ટ્રકો સામસામે અથડાતા ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં બે વ્યક્તિઓના કરૃણ મોત નીપજ્યા હતા. અકસ્માતને પગલે હાઈવે ઉપર ટ્રાફિકની લાંબી કતારો લાગી ગઈ હતી. ઘટનાની જાણ તારાપુર પોલીસને થતા પોલીસ તુરત જ ઘટના સ્થળે દોડી ગઈ હતી અને અકસ્માતનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

આ બનાવ અંગે પોલીસ સૂત્રોના વધુમાં જણાવ્યા મુજબ જામનગર જિલ્લાના વસઈ ખાતે રહેતા અશોકભાઈ રણજીતસિંહ જાડેજા ખેતી કરીને ગુજરાન ચલાવે છે. તેઓ પાસે એક ટ્રક પણ છે અને આ ટ્રક તેઓએ રોડ લાઈન્સમાં ભાડેથી આપેલ છે. જે ટ્રક ઉપર પોરબંદર તાલુકાના નવાકુંભારવાડા ખાતે રહેતા અશોકભાઈ બચુભાઈ ડાભી ડ્રાઈવર તરીકે ફરજ બજાવતા હતા. ગતરોજ સવારના સુમારે અશોકભાઈ ડાભી તથા કંડક્ટર નરેન્દ્રસિંહ જાડેજા ટ્રક લઈને વસઈ રીલાયન્સમાંથી પ્લાસ્ટીકના દાણા ભરી સુરત પીપોદરા મુકામે જવા નીકળ્યા હતા. દરમ્યાન રાત્રિના સુમારે તેઓની ટ્રક આણંદ જિલ્લાના તારાપુર વટામણ હાઈવે માર્ગ ઉપર આવેલ વરસડા પાટીયા નજીકથી પસાર થઈ રહી હતી ત્યારે સામેથી પુરપાટ ઝડપે આવી ચઢેલ અન્ય એક ટ્રકના ચાલકે પોતાની ટ્રક બેફિકરાઈ અને ગફલતભરી રીતે હંકારી લાવી અશોકભાઈની ટ્રક સાથે અથડાવતા ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં અશોકભાઈ ડાભીને શરીરે ગંભીર ઈજાઓ પહોંચતા તેઓને તુરંત જ ૧૦૮ મોબાઈલવાન મારફતે તારાપુરના સરકારી દવાખાના ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. જ્યાંથી વધુ સારવાર અર્થે તેઓને કરમસદ ખાતેની શ્રી કૃષ્ણ હોસ્પિટલમાં લઈ જવાતા રસ્તામાં જ તેઓનું કરૃણ મોત નીપજ્યું હતું. બીજી તરફ આ ગમખ્વાર અકસ્માતમાં સામેથી આવી ચઢેલ અન્ય એક ટ્રકના ચાલકને પણ માથા તેમજ શરીરના અન્ય ભાગોએ ગંભીર ઈજાઓ પહોંચતા તેનું પણ ઘટના સ્થળે જ કરૃણ મોત નીપજ્યું હતું. આ ઘટનાને પગલે હાઈવે ઉપર ટ્રાફિકની લાંબી કતારો લાગી ગઈ હતી. 

જો કે તારાપુર પોલીસને આ અકસ્માતની જાણ થતા તારાપુર પોલીસની ટીમ તુરંત જ ઘટના સ્થળે દોડી આવી હતી અને અકસ્માતગ્રસ્ત વાહનોને માર્ગ પરથી દુર કરી ટ્રાફિક ખુલ્લો કર્યો હતો. આ બનાવ અંગે તારાપુર પોલીસે અશોકસિંહ રણજીતસિંહ જાડેજાની ફરિયાદના આધારે અકસ્માતનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.