ઓડ-ઈવન વ્યવસ્થામાં આડેધડ ટુવ્હીલર પાર્કિંગના લીધે ટ્રાફિકજામ
- આણંદ શહેરમાં સમસ્યા કાયમી બની
- દિવાળી પૂર્વે ખરીદી માટે આવતાં લોકોને હાલાકી : કાયમી ઉકેલની માંગ
આણંદ શહેરમાં ટ્રાફિકની સમસ્યાના નિરાકરણ માટે વર્ષો પહેલા મુખ્ય વિસ્તાર ગણાતા રેલવે ગોદી, સરકારી દવાખાના, સ્ટેશન રોડ પર ઓડ-ઈવન પાર્કિંગની વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી. સમયાંતરે વાહનોની સંખ્યામાં દિવસેને દિવસે વધારો થતો ગયો, જ્યારે સામાપક્ષે રસ્તાની પહોળાઈ પહેલા જેટલી જ રહી છે. જે દિવસે જે તરફ પાર્કિંગ નિર્ધારીત હોય તે બાજૂ ટુવ્હીલર ચાલકો આડેધડ પાર્કિંગ કરી દે છે. જેના લીધે રસ્તા સાંકડો થઈ જાય છે.
ફોરવ્હીલર સહિતના મોટા વાહનોને પસાર થવામાં મુશ્કેલી વેઠવી પડે છે. તેમજ દૂકાનોની આગળ વાહનો પાર્ક કરેલા હોવાથી ગ્રાહકો દુકાન સુધી પહોંચી શરતા નથી, જેથી વેપારીઓને આર્થિક નુકસાની ભોગવવી પડતી હોવાના આક્ષેપો લાગ્યા છે. ટ્રાફિકની સમસ્યાના ઉકેલ માટે લેવાયેલા પગલાંના કારણે ટ્રાફિકજામ થતો હોવાનું સ્થાનિકો જણાવી રહ્યા છે. દિવાળીના તહેવારને ગણતરીના દિવસો બાકી છે, ત્યારે મોટી સંખ્યામાં લોકો બજારમાં ખરીદી માટે આવતા હોવાથી હાલમાં ટ્રાફિકની સમસ્યા વકરી છે. આ સમસ્યાનો સત્વરે અને કાયમી ઉકેલ લાવવા માંગ ઉઠી છે.