આણંદ જિલ્લામાં વધુ ત્રણ યુવતી રહસ્યમય રીતે લાપતા થતા ફરિયાદ
- જિલ્લામાં વ્યક્તિ ગુમ થવાનો સિલસિલો જારી
- આણંદ ટાઉનમાં બે જાણવાજોગ અને ભાલેજ પોલીસ સ્ટેશનમાં એક ફરિયાદ નોંધાતા તપાસ શરૂ
આણંદ,તા.8 માર્ચ 2020 રવિવાર
આણંદ જિલ્લામાં વ્યક્તિઓ ગુમ થવાનો સિલસિલો જારી રહ્યો છે. ત્યારે ઉમરેઠના ખાનકૂવ ગામની યુવતી અને સીંગરવા અને આણંદની યુવતી ગુમ થતા ત્રણ જાણવાજોગ નોંધાઈ છે.
પ્રથમ બનાવમાં દસક્રોઈના સીંગરવા ગામે કઠવાડા રોડ પરની ગજાનંદ સોસાયટીમાં રહેતા નરેન્દ્રસિંહ ભીખુસિંહની પુત્રી પ્રાંચી ગત તા. ૫-૩ ના રોજ ગુમ થતા પરિવારે તેની શોધખોળ હાથ ધરી હતી પરંતુ તેનો કોઈ પતો ન લાગતા આણંદ ટાઉન પોલીસમાં જાણવાજોગ નોંધાવી હતી.
જ્યારે બીજા બનાવમાં ઉમરેઠના ખાનકૂવાના બુચેલ ફળીયુમાં રહેતા કનુભાઈ બુધાભાઈ ઠાકોરની પુત્રી શીતળબેન ઉર્ફે ચકી તા. ૫-૩ ના રોજ કોઈને કઈ પણ કહ્યા વગર ઘરેથી જતા રહેતા પરિવારે શોધખોળ હાથ ધરી હતી પરંતુ કોઈપતો ન લાગતા ગુમ થવા અંગે ભાલેજ પોલીસ સ્ટેશનમાં જાણવાજોગ નોંધાવી હતી. ત્રીજા બનાવમાં આણંદના ઝુંપડપટ્ટી વિસ્તારમાં રહેતા લક્ષ્મીબેન મહેન્દ્રભાઈ કનોચીયાની પુત્રી ભારતીબેન તા. ૬-૩ ના રોજ ઘરેથી અચાનક ગુમ થતાં પરિવાર ચિંતામાં મુકાયો હતો અને સગા સંબંધીઓમાં પુત્રીની ખોજ કરી હતી તેમ છતાં કોઈ પતો ન લાગતા આણંદ ટાઉન પોલીસ મથકમાં ગુમ થવા અંગે જાણવા જોગ નોંધાવી હતી.