2 કાર સામસામે ભટકાતા એક જ પરિવારના 3 વ્યક્તિનાં મોત નીપજ્યાં
- વાસદ-બોરસદ હાઈ-વે પર કંથારિયા સીમમાં
- ૧૦૮ અને આંકલાવ પોલીસ ઘટના સ્થળે દોડી આવ્યા : અન્ય છને ઈજા થતા વડોદરા સયાજી હોસ્પિટલમાં દાખલ કરાયા
આણંદ, તા.23 જૂન 2020, મંગળવાર
આણંદ જિલ્લાના વાસદ-બોરસદ હાઈવે માર્ગ ઉપર આવેલ કંથારીયા ગામની સીમમાં આજે સવારના સુમારે પુરપાટ ઝડપે જઈ રહેલ બે કાર સામસામે ભટકાતા એક જ પરિવારના ત્રણ વ્યક્તિઓના કરૃણ મોત નીપજતા સમગ્ર પંથકમાં ભારે અરેરાટી વ્યાપી જવા પામી હતી. જ્યારે અન્ય છ જેટલા શખ્શોને વધતા-ઓછા પ્રમાણમાં ઈજાઓ પહોંચતા તેઓને સારવાર અર્થે તુરંત જ વડોદરાની સયાજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.
અકસ્માતને પગલે માર્ગ પરથી પસાર થતા વાહનચાલકોની ભારે ભીડ જામી ગઈ હતી. દરમ્યાન આંકલાવ પોલીસે પણ ઘટના સ્થળે પહોંચી ટ્રાફિક ખુલ્લો કરી આ ઘટના અંગે અકસ્માતનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
મંગળવારના રોજ વહેલી સવારના સુમારે વાસદ-બોરસદ સ્ટેટ હાઈવે ઉપર બનેલ ગોઝારા અકસ્માતની મળતી માહિતી મુજબ વડોદરા જિલ્લાના નાની શેરખી ગામે રહેતા હિતેષભાઈ હર્ષદભાઈ પંડયા (ઉં.વ.૪૨) પોતાની કારમાં પત્ની જયશ્રીબેન (ઉં.વ.૩૬) તથા એક પુત્ર તથા પુત્રી અને અન્ય બે પરિવારજનને લઈ કપડવંજ ખાતે રહેતા સબંધીને ત્યાં પ્રસંગમાં હાજરી આપવા જવા નીકળ્યા હતા. દરમ્યાન સવારના સુમારે તેઓની કાર આસોદર ચોકડી વટાવીને વાસદ તરફ જઈ રહી હતી ત્યારે સવારના લગભગ ૮ઃ૩૦ કલાકની આસપાસના સુમારે કંથારીયા ગામની સીમમાં નાની નહેર નજીક વાસદ તરફથી પુરપાટ ઝડપે આવી ચઢેલ એક સ્વીફ્ટ કાર સાથે તેઓની કાર ધડાકાભેર અથડાતા ગોઝારો અકસ્માત સર્જાયો હતો. અકસ્માત એટલો ભયંકર હતો કે બંને કારનો આગળથી ખુરદો બોલાઈ ગયો હતો. આ ગમખ્વાર અકસ્માતમાં કારમાં સવાર હિતેષભાઈ પંડયા તેમની પત્ની જયશ્રીબેન અને ૧૪ વર્ષીય પુત્ર વિવેકને માથા તેમજ શરીરના અન્ય ભાગોએ ગંભીર ઈજાઓ પહોંચતા ત્રણેયનું ઘટના સ્થળે જ કરૃણ મોત નીપજ્યું હતું. જ્યારે રિધ્ધિબેન ભટ્ટ, કૃપાબેન તથા વિધિબેનને ગંભીર ઈજાઓ પહોંચી હતી. બીજી તરફ સ્વીફ્ટ કારમાં સવાર ત્રણથી ચાર જેટલા વ્યક્તિઓને પણ શરીરે વધતા-ઓછા પ્રમાણમાં ઈજાઓ પહોંચી હતી. અકસ્માતને પગલે માર્ગ પરથી પસાર થતા વાહનચાલકોએ પોતાના વાહન ઉભા રાખી ઈજાગ્રસ્તોને મદદ કરવાનો પ્રયાસ કર્યો હતો. દરમ્યાન આ ઘટનાની જાણ ૧૦૮ ઈમરજન્સી સેવાને થતા બોરસદ તથા કિંખલોડની ૧૦૮ની ટીમો ઘટના સ્થળે આવી પહોંચી હતી. સાથે સાથે આંકલાવ પોલીસની ટીમ પણ તુરંત જ ઘટના સ્થળે દોડી આવી હતી અને ઈજાગ્રસ્તોને સારવાર અર્થે તુરંત જ વડોદરાની સયાજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.
આ ગોઝારા અકસ્માતમાં નાની શેરખી ગામના માતા-પિતા તેમજ ૧૪ વર્ષીય પુત્રનું કરૃણ મોત નીપજતા નાનકડા ગામમાં ભારે શોકની લાગણી ફેલાઈ જવા પામી હતી. બીજી તરફ અકસ્માતની જાણ કપડવંજ ખાતે રહેતા તેઓના પરિવારજનોને થતા ઉત્સવનો પ્રસંગ શોકમાં ફેરવાઈ ગયો હતો. હાલ તો આંકલાવ પોલીસે આ બનાવ અંગે અકસ્માતનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. જો કે ઈજાગ્રસ્તોમાં કેટલાકની હાલત ગંભીર હોઈ મૃત્યુ આંક વધવાની શક્યતા જોવાઈ રહી છે.