પેટલાદ નગર પાલિકાના કર્મચારીઓ દ્વારા હડતાળ પર ઉતરવાની ચિમકી


- અખિલ ગુજરાત નગરપાલિકા કર્મચારી મહામંડળના નેજા હેઠળ પાલિકાના ચીફ ઓફિસરને આવેદનપત્ર અપાયું

આણંદ : છેલ્લા કેટલાક સમયથી ગુજરાતમાં એક પછી એક આંદોલનોની વણઝાર જોવા મળી રહી છે ત્યારે હવે નગરપાલિકાના કર્મચારીઓ પણ મેદાને ઉતર્યા છે. વર્ષોથી વણઉકેલ્યા પડતર પ્રશ્નોને લઈ અખિલ ગુજરાત નગરપાલિકા કર્મચારી મહામંડળના નેજા હેઠળ પેટલાદ નગર પાલિકાના કર્મચારીઓ દ્વારા હડતાળ પર ઉતરવાની ચિમકી સાથે આજે પેટલાદ નગર પાલિકાના ચીફ ઓફીસરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું.

વધુમાં આવેદનપત્રમાં જણાવ્યા મુજબ રાજ્યની વિવિધ નગરપાલિકાઓમાં ફરજ બજાવતા કાયમી, રોજમદારો તથા ફીક્સ પગારના કર્મચારીઓના વર્ષોથી પડતર પ્રશ્નો બાબતે વારંવાર ઉચ્ચ કક્ષાએ રજૂઆતો કરવા છતાં કોઈ નિરાકરણ આવ્યું નથી. 

કર્મચારીઓના પડતર પ્રશ્નો બાબતે અનેક વિસંગતતાઓ ઉપસ્થિત થઈ છે. જે અંગે તાજેતરમાં ઉચ્ચ કક્ષાએ રજૂઆત પણ કરાઈ હતી અને મંત્રીઓની કમિટી બનાવવામાં આવેલ તે કમિટીમાં પણ રૂબરૂ રજૂઆત કરાઈ હતી તેમ છતાં પાલિકાના પાયાના કર્મચારીઓ સાથે અન્યાયકારી નિતીઓને લઈ લાભો આપવામાં આવતા નથી તેમ આવેદનપત્રમાં જણાવાયું છે. આ વણઉકલ્યા પ્રશ્નોને લઈ આજે એક દિવસ માટે અલ્ટીમેટમ આપવામાં આવ્યું હતું. આગામી સમયમાં પાલિકાના કર્મચારીઓ દ્વારા માસ સી.એલ. સહિત ઉગ્ર આંદોલનના કાર્યક્રમો આપવામાં આવશે તેવી ચિમકી પણ ઉચ્ચારાઈ છે.  

City News

Sports

RECENT NEWS