બોરસદમાં હજારો બીપીએલ કાર્ડના સર્ટિફિકેટ બોગસ હોવાનું ખૂલ્યું
- પાલિકાના સત્તાધીશો અને અધિકારીઓ વર્ષો સુધી અજાણ!
- વરસાદમાં થયેલી તારાજી બાદ સહાય માટે કાર્ડધારકોએ અરજી કરતા કૌભાંડ સામે આવ્યું
બોરસદમાં બીપીએલ કાર્ડ હેઠળ નોંધાયેલા અસરગ્રસ્ત પરિવારોએ સહાય માટે નગરપાલિકામાં રજૂઆત કરી હતી. ત્યારે મોટાભાગના બીપીએલ કાર્ડના સર્ટીફીકેટો પાલિકાના રજિસ્ટરમાં નોંધાયેલા ન હોવાનું અને સિક્કા વગરના બોગસ હોવાનું ધ્યાને આવ્યું હતું. જેથી નોંધણી સિવાયના બોગસ કાર્ડધારકોને તાત્કાલિક સહાય આપવાનું બંધ કરવાનો આદેશ પાલિકા દ્વારા કરવામાં આવ્યો છે.
બોરસદ નગરપાલિકા દ્વારા વર્ષ ૨૦૦૫માં સર્વે કરાયો હતો. જેમાં ફોટા વગરના બીપીએલ કાર્ડ આપવામાં આવ્યા હતા. ત્યારબાદ વર્ષ ૨૦૧૨માં સ્થાનિક એજન્સી નવજીવન ગ્રામ વિકાસ કેન્દ્ર, બોરસદ દ્વારા સર્વે કરીને ફોટા સાથે કાર્ડ આપવામાં આવ્યા હતા. ત્યારપછી વર્ષ ૨૦૧૪માં સરકાર દ્વારા આ યોજના બંધ કરી દેવામાં આવતા વર્ષ ૨૦૧૪ પછી કોઈ નવા કાર્ડ બનાવવામાં આવ્યા નથી. હાલમાં બોરસદ નગરપાલિકામાં અંદાજિત સાત હજાર જેટલા બીપીએલ કાર્ડધારકો નોંધાયેલા હોવાનું પાલિકા સુત્રોએ જણાવ્યું છે.
નોંધનીય છે કે, વર્ષો પહેલા અરજદારોને ખુશ કરવા અને મત મેળવવા માટે નગરસેવકો દ્વારા જાતે પાલિકાના સિક્કા મારીને કાર્ડ બનાવી આપવામાં આવતા હતા પરંતુ તે કાર્ડની પાલિકામાં નોંધણી થતી નહતી. બોરસદમાં કેટલાય એજન્ટો દ્વારા કમ્પ્યુટરમાં કાર્ડ બનાવીને ગરીબો પાસેથી તોડ કરવામાં આવ્યા હતા. જે બાબતે ભૂતકાળમાં અનેક લેખિત રજૂઆતો કરવા છતાં પાલિકા દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં ન આવી હોવાના આક્ષેપ ઉઠયા છે.
એજન્ટો કાર્ડ વેચવાનો ધંધો ચલાવી રહ્યા છે
બોરસદ પાલિકાના વોર્ડ નં.૬ના પૂર્વ કાઉન્સિલર મહેશભાઈ ઉર્ફે મેલાભાઈ ઠાકોરે જણાવ્યું હતું કે, શહેરમાં અસંખ્ય બોગસ કાર્ડ ફરી રહ્યા છે. બજારમાં પણ એજન્ટો દ્વારા કાર્ડ વેચવાનો ગોરખ ધંધો ચાલી રહ્યો છે. તે સંદર્ભે પાલિકામાં લેખિત રજૂઆતો કરી હતી અને તમામ બોગસ કાર્ડ રદ કરવાની જાણ પણ કરી હતી. જેથી પાલિકાએ નોંધણી વગરના કાર્ડ રદ કરવાનો આદેશ આપ્યો છે.