FOLLOW US

આણંદમાં બુલેટ ટ્રેન પ્રોજેક્ટ સાઇટ પરથી થતી ચોરી ચિંતાનો વિષય, પોલીસ કાર્યવાહી કરાશે

Updated: Mar 14th, 2023


- જાપાની ટીમ સાથે કેન્દ્ર સરકારના અધિકારીઓએ મહી બ્રિજનું નિરિક્ષણ કર્યું

- ચોરીના કિસ્સા રોકવા, સત્વરે પ્રોજેક્ટ પુરો કરવા માટે જરૂરી ચર્ચા વિચારણા કરવામાં આવી

આણંદ : આણંદ પંથકમાંથી પસાર થતા બુલેટ ટ્રેન પ્રોજેક્ટમાં કેટલાક વિઘ્નસંતોષીઓ દ્વારા હવનમાં હાડકાં નાખવાની સાથે બુલેટ ટ્રેનની વિવિધ સાઈટ પર થતી ચોરી મુદ્દે બુલેટ ટ્રેનના અધિકારીઓએ આકરા તેવર બતાવી આ પ્રોજેક્ટ ઝડપથી પૂર્ણ થાય તેવા પ્રયાસો હાથ ધર્યા હોવાનું જાણવા મળ્યું છે. તાજેતરમાં બુલેટ ટ્રેન પ્રોજેક્ટના અધિકારીઓની ટીમે આણંદ ખાતે મુલાકાત લઈ ચોરીઓ અંગે પોલીસ કાર્યવાહી હાથ ધરવા સૂચન કર્યું હોવાની માહિતી પ્રાપ્ત થઈ છે.

વધુમાં મળતી માહિતી મુજબ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ડ્રીમ પ્રોજેક્ટ બુલેટ ટ્રેન અંતર્ગત આણંદ જિલ્લામાં કામગીરી ચાલી રહી છે. જો કે આ પ્રોજેક્ટ ઝડપથી પૂર્ણ થાય તેવા પ્રયાસો હાથ ધરાતા ગત રોજ જાપાનની ટીમ તથા કેન્દ્ર સરકારના એચ.એસ.આર. સ્પીડ એલના એમ.ડી. રાજેન્દ્ર પ્રસાદે વાસદ નજીકના રાજુપુરા પાસેના સ્થળની મુલાકાત લઈ મહી બ્રીજનું નિરીક્ષણ કર્યું હતું. 

સાથે સાથે આ વિસ્તારમાં વકરેલ રેતી ખનન માફીયાઓના ઈશારે કેટલાક સ્થાનિકો દ્વારા આ પ્રોજેક્ટમાં અવરોધ ઉભો કરવા સાથે સાઈટ ખાતેથી અવારનવાર થતી ચોરીઓના કારણે પ્રોજેક્ટ પ્રભાવિત ન થાય તે માટે રાજેન્દ્ર પ્રસાદે સ્થાનિક અધિકારીઓને આવા તત્ત્વો સામે પોલીસ કાર્યવાહી કરવા સૂચન કર્યું હતું. 

ઉપરાંત આ પ્રોજેક્ટ નિર્ધારીત સમયમાં પરિપૂર્ણ થાય તેવા પ્રયાસો હાથ ધરવા પણ સૂચનાઓ આપવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે. ઉલ્લેખનીય છે કે વાસદના રાજુપુરા સીમમાંથી પસાર થતી બુલેટ ટ્રેનના પ્રોજેક્ટનું કામ મંથર ગતિએ ચાલી રહ્યું છે ત્યારે કેટલાક ભૂમાફિયાઓ દ્વારા આ કામમાં અડચણ ઉભી કરવામાં આવી રહી હોવાની ફરીયાદો ઉઠવા સાથે અવારનવાર પ્રોજેક્ટ ખાતેથી સરસામાનની ચોરીના કિસ્સા પણ પ્રકાશમાં આવ્યા છે. ત્યારે આગામી સમયમાં પ્રોજેક્ટની કામગીરી વેગવંતી બનશે તેવી સંભાવના જોવાઈ રહી છે.

Gujarat
News
News
News
Magazines