ખંભાતના ચકડોળ ગ્રાઉન્ડ પર પરંપરાગત ભાતીગળ લોકમેળાનો પ્રારંભ થયો
- મોટી સંખ્યામાં લોકો મેળામાં જોડાતા હોય છે
- અગિયારસથી દેવદિવાળીના 20 દિવસ સુધી લોકમેળો યોજાય છે
દિવાળી સહિત નવા વર્ષના ઉત્સવોમાં અમેરિકા, લંડન, દુબઈ સહિત વિદેશમાં વસતા ખંભાતીઓ તેમજ સુરત, ભરૂચ, બેંગલોર, અમદાવાદ, વડોદરા, સૌરાષ્ટ્ર, ભાવનગર,જયપુર સહિતના દૂર રાજ્ય અને શહેરોમાં વસતા ખંભાતીઓ વતન ખાતે આવી ખંભાતના ચકડોળ ગ્રાઉન્ડ ખાતે યોજાતા પરંપરાગત લોકમેળાની મજા લૂંટે છે.
હાલ ખંભાત ચકડોળ ગ્રાઉન્ડ ખાતે વિવિધ રંગબેરંગી કલાત્મક રાઈડ્સ શરૂ કરવામાં આવી છે. ખંભાતનો લોકમેળો અગિયારસના દિવસથી શરૂ થાય છે અને કારતક સુદ પૂનમના દેવ દિવાળીએ પૂર્ણ થાય છે એટલે કે ખંભાતનો મેળો ૨૦ દિવસ સુધી ચાલુ રહે છે.
ખંભાતમાં દર વર્ષે પરંપરાગત ભાતીગળ લોકમેળામાં નાના-મોટા સૌ કોઈ મોજ માણે છે. સૌ કોઈ મેળામાં જુદી જુદી મનોરંજન પૂરું પાડતી કલાત્મક રાઈડ્સમાં બેસી આનંદ માણે છે.
ક્યાંક નાના બાળકોને રિસમણા સ્વભાવને કારણે મનગમતા રમકડાં મળી જાય છે, તો ક્યાંક એ રમકડાં વેચી પેટિયું રળનારને રોજગારી મળી જાય છે.
આ ઉપરાંત માનવ સમુદાય વચ્ચે ધ્યાન ખેંચતા કલાકારોની કારીગરીને પણ બાદ ન રખાય. સુંદર આયોજન અને વ્યવસ્થાને કારણે ઉત્સવપ્રિય જનતા મન મુકીને મજા માણે છે. લોકમેળામાં રાત્રિ દરમ્યાન રંગબેરંગી લાઈટોથી સુશોભિત વિશાળ ઈન્દોરી સહિતની રાઈડ્સ આકર્ષણનું કેન્દ્ર બની છે.