આણંદ જિલ્લામાં વધુ 9 કેસ સાથે દર્દીઓનો કુલ આંક 400ને પાર થયો
- જિલ્લામા કાળમૂખા વાઈરસનો ફૂંફાડો યથાવત
- આણંદ અને બોરસદ તાલુકામાં 3-3 અને પેટલાદ તાલુકામાં બે તેમજ ખંભાત તાલુકામાં એક કેસ નોંધાયો
આણંદ,તા.23 જુલાઈ 2020, ગુરુવાર
આણંદ જિલ્લામાં કોરોનાનું સંક્રમણ દિન-પ્રતિદિન વધી રહ્યું છે ત્યારે ગુરૂવારના રોજ વધુ ૯ નવા પોઝીટીવ કેસ નોંધાતા જિલ્લામાં કોરોના પોઝીટીવ દર્દીઓનો આંક ૪૦૦ને પાર કરી ગયો છે. ગુરૂવારના રોજ આણંદ જિલ્લાના આણંદ અને બોરસદ તાલુકામાં ૩-૩ અને પેટલાદ તાલુકામાંથી ૨ તેમજ ખંભાત તાલુકામાં ૧ કોરોના પોઝીટીવ દર્દીઓ મળી આવ્યા છે.
આણંદ શહેર સહિત જિલ્લાભરમાં કોરોના વાયરસ થોભવાનું નામ નથી લઈ રહ્યો. દિવસેને દિવસે કોરોનાનું સંક્રમણ વધી રહ્યું છે. આજે જિલ્લાના પેટલાદ, નાર, બાકરોલ, નાપા તળપદ, રણોલી, ઉંદેલ, બોરસદ, આણંદ ખાતેથી મળી કુલ ૯ પોઝીટીવ કેસ પ્રકાશમાં આવ્યા છે. જેમાં પેટલાદ તાલુકાના નાર ગામે લીમડી ચોકમાં રહેતા ૬૫ વર્ષીય પુરૂષ તથા તાલુકા મથક પેટલાદના રેલ્વે સ્ટેશન પાછળ આવેલ જે.ઝેડ. એસ્ટેટ ખાતે રહેતા ૬૮ વર્ષીય પુરૂષનો સમાવેશ થાય છે. સાથે સાથે આણંદ પાસેના બાકરોલ ગામે ત્રિવેણી લેન્ડમાર્ક ખાતે રહેતા ૬૦ વર્ષીય પુરૂષ તેમજ આણંદ શહેરના પૂર્વ ભાગમાં આવેલ ટી.બી. હોસ્પિટલ પાછળના રહીમાનગર ભાગ ખાતે રહેતી ૬૦ વર્ષીય મહિલા અને નયા વતન સોસાયટીમાં રહેતા ૩૭ વર્ષીય યુવકનો કોરોના ટેસ્ટ પોઝીટીવ આવ્યો છે. ઉપરાંત આણંદ તાલુકાના નાપા તળપદ ગામે જુની મસ્જિદ નજીક રહેતા ૬૭ વર્ષીય પુરૂષ, બોરસદ તાલુકાના રણોલી ગામે રહેતા ૮૨ વર્ષીય પ્રૌઢ, ઉંદેલ ગામે માતીયાવાડ ખાતે રહેતી ૨૮ વર્ષીય યુવતી તેમજ તાલુકા મથક બોરસદના માળી ચકલા ખાતે રહેતા ૬૦ વર્ષીય પુરૂષ પણ કોરોનાની ઝપેટમાં આવ્યા હોવાના અહેવાલ સાંપડયા છે.
આણંદ શહેર ઉપરાંત જિલ્લાના બોરસદ તથા પેટલાદ તાલુકામાં કોરોનાનું સંક્રમણ દિન-પ્રતિદિન રોકેટ ગતિએ વધી રહ્યું છે ત્યારે જિલ્લાવાસીઓમાં ફફડાટની લાગણી વ્યાપી છે. આજે વિવિધ સ્થળોએથી કોરોનાના પોઝીટીવ કેસો નોંધાતા સ્થાનિક પાલિકા તંત્ર, પંચાયત તેમજ આરોગ્ય તંત્રની ટીમો જે-તે વિસ્તારમાં પહોંચી ગઈ હતી અને કોરોનાગ્રસ્ત દર્દીઓના પરિવારજનોને કોરોન્ટાઈન કરી તબીબી પરીક્ષણ હાથ ધરી સમગ્ર વિસ્તારને સેનીટાઈઝ કરવાની કામગીરી હાથ ધરી હતી.
વિદ્યાનગરના આધેડનું કોરોનાથી મોત
આણંદ પાસેના વલ્લભ વિદ્યાનગરના નાના બજાર વિસ્તારમાં આવેલ યુનિવર્સિટી ગેસ્ટહાઉસ સામે આવેલ લોપામુદ્રા ખાતે રહેતા એક ૮૩ વર્ષીય વૃધ્ધા લગભગ ૧૫ દિવસ પૂર્વે કોરોનાની ઝપેટમાં આવ્યા હતા. તેઓને કરમસદ ખાતેની શ્રી કૃષ્ણ હોસ્પિટલમાં આઈસોલેટ કરી સારવાર આપવામાં આવી રહી હતી. દરમ્યાન આજરોજ તેઓનું કરૂણ મોત નીપજ્યું હતું. જેને લઈ વલ્લભવિદ્યાનગરની ફાયરબ્રિગેડ અને નગરપાલિકાના કર્મચારીઓ દ્વારા સબવાહીની ફાળવી મૃતદેહને પીપીઈ કીટમાં લપેટી વલ્લભ વિદ્યાનગરના હરીઓમનગર ખાતે આવેલ કૈલાસભૂમિ ખાતે લાવ્યા બાદ અંતિમક્રિયા કરવામાં આવી હતી. ત્યારબાદ સબવાહીની સહિત કૈલાસભૂમિને સેનીટાઈઝ કરી પીપીઈ કીટનો પણ નિકાલ કરવામાં આવ્યો હતો.