બાકરોલ ગામમાં ત્રાટકેલા તસ્કરો મકાનમાંથી રૂ. 1.43 લાખના રોકડ-દાગીના ચોરી ગયા
- શાલીગ્રામ સોસાયટીમાં રહેતો પરિવાર બહારગામ ગયો હતો : 3 હજાર રોકડા, 200 ડોલર ને દાગીના ચોરાયા
આણંદ,તા.09 માર્ચ 2020, સોમવાર
આણંદ પાસેના બાકરોલ ગામે રામભાઈ કાકા માર્ગ ઉપર આવેલ એક રહેણાંક સોસાયટીમાં ગત મધ્યરાત્રિના સુમારે તસ્કરો ત્રાટક્યા હતા. તસ્કરોએ એક બંધ મકાનને નિશાન બનાવી અંદરથી સોના-ચાંદીના દાગીના તેમજ રોકડ મળી કુલ્લે રૂા.૧.૪૩ લાખની મત્તાની ચોરી કરી ફરાર થઈ ગયા હતા. આ બનાવ અંગે વિદ્યાનગર પોલીસે અજાણ્યા શખ્શો સામે ચોરીનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
આણંદ પાસેના બાકરોલ ગામે રામભાઈકાકા માર્ગ ઉપર શાલીગ્રામ ગ્રીન સોસાયટીમાં વેન્ટેશકુમાર નરસિંહભાઈ પટેલ પોતાના પરિવાર સાથે રહે છે. ગત તા.૨૨ ફેબુ્રઆરી, ૨૦૨૦ના રોજ તેઓ પોતાના મકાનને તાળુ મારી પરિવાર સાથે પોતાની સાસરીમાં ગયા હતા. દરમ્યાન મધ્યરાત્રિના સુમારે અજાણ્યા તસ્કરોએ તેઓના બંધ મકાનને નિશાન બનાવ્યું હતું. તસ્કરોએ મકાનના મુખ્ય દરવાજાનું તાળુ તોડી મકાનમાં પ્રવેશ કરી તિજોરીના તાળા તોડી અંદરથી સોના-ચાંદીના દાગીનાઓ તેમજ રૂા.૩ હજાર રોકડા મળી કુલ્લે રૂા.૧,૪૩,૫૦૦ની મત્તા સાથે ૨૦૦ ડોલરની ચોરી કરી ફરાર થઈ ગયા હતા.
બીજા દિવસે સવારે વેન્ટેશકુમાર પટેલ પોતાના ઘરે પરત ફર્યા ત્યારે તેઓએ મકાનના દરવાજાનું તાળુ તુટેલું જોતા ચોંકી ગયા હતા. તેઓએ મકાનમાં જઈ તપાસ કરતા અંદરનો માલસામાન વેરવિખેર પડેલો માલુમ પડયું હતું. જેથી મકાનમાં ચોરી થઈ હોવાનું જણાતા તેઓએ તુરંત જ વિદ્યાનગર પોલીસને જાણ કરતા પોલીસની ટીમ ઘટના સ્થળે દોડી આવી હતી. આ બનાવ અંગે વિદ્યાનગર પોલીસે વેન્ટેશકુમાર નરસિંહભાઈ પટેલની ફરિયાદના આધારે અજાણ્યા શખ્શો સામે ચોરીનો ગુનો નોંધી ફિંગરપ્રિન્ટ નિષ્ણાંત અને ડોગસ્કવોર્ડની મદદ લઈ તસ્કરોને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા છે.