બેકાબુ ટેન્કર ચાલકે રોડ પર ટુ-વ્હીલર લઈ ઊભેલી 2 યુવતીને અડફેટે લેતા મોત
- સારસાની ચોકડી પાસે ગમખ્વાર અકસ્માત સર્જાયો
- ખંભોળજ ગામે રહેતી યુવતીઓ ખંભાતના સોખડા ગામની એક ફાર્મા કંપનીમાં નોકરી કરતી હતી
આણંદ, તા.25 મે 2020, સોમવાર
આણંદ તાલુકાના સારસા ગામની સારસા ચોકડી પાસે આજે સવારના સુમારે પુરપાટ ઝડપે જઈ રહેલ એક ટેન્કરે રોડ નજીકમાં ટુવ્હીલર લઈને ઉભી રહેલ બે યુવતીઓને અડફેટે લેતા બંને યુવતીઓના ઘટના સ્થળે જ કમકમાટીભર્યા મોત નીપજ્યા હતા. અકસ્માતને પગલે સ્થાનિકો ઘટના સ્થળે એકત્ર થઈ ગયા હતા. આ બનાવ અંગે ખંભોળજ પોલીસે અજાણ્યા ટેન્કરચાલક સામે અકસ્માતનો ગુનો નોંધી તેને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા છે.
વધુમાં મળતી વિગતો મુજબ આણંદ તાલુકાના ખંભોળજ ગામે મોટી ખડકીમાં રહેતા ચૈતાલીબેન ઘનશ્યાનભાઈ પટેલ (ઉં.વ.૨૪) ખંભાત તાલુકાના સોખડા ગામે આવેલ એક ફાર્મા કંપનીમાં નોકરી કરતા હતા. તેઓની સાથે સારસા ગામે જયઅંબે સોસાયટીમાં રહેતા કેયુરીબેન નિપુલભાઈ ચૌધરી (ઉં.વ.૨૮) પણ નોકરી કરતા હતા. ખંભોળજ ગામે રહેતા ચૈતાલીબેન પોતાના ટુવ્હીલર ઉપર સારસાથી કેયુરીબેનને બેસાડી અપડાઉન કરતા હતા. પોતાના નિત્યક્રમ મુજબ આજે સવારના સુમારે આ બંને યુવતીઓ ટુવ્હીલર ઉપર સવાર થઈ નોકરી પર જવા નીકળ્યા હતા. દરમ્યાન સવારના સુમારે સારસા ચોકડી નજીક તેઓ રોડની સાઈડમાં ટુવ્હીલર ઉભુ રાખીને ફોન ઉપર વાત કરતા હતા. દરમ્યાન પુરપાટ ઝડપે આવી ચઢેલ એક ટેન્કરના ચાલકે રોડની સાઈડમાં ઉભેલ બંને યુવતીઓને અડફેટે લીધી હતી. ટેન્કરની ટક્કર વાગતા જ બંને યુવતીઓ ઉછળીને રોડ ઉપર પટકાઈ હતી. આ બંને યુવતીઓને માથા તેમજ શરીરના અન્ય ભાગોએ ગંભીર ઈજાઓ પહોંચતા બંનેના ઘટના સ્થળે જ કરૃણ મોત નીપજ્યા હતા. અકસ્માત બાદ ટેન્કરના ચાલકે ટેન્કરને પુરપાટ ઝડપે હંકારી મુકી હતી. પરંતુ એક જીઆરડી જવાને તેને અટકાવવાનો પ્રયાસ કર્યો હતો. જો કે ટેન્કરચાલક ફરાર થવામાં સફળ રહ્યો હતો. અકસ્માતને પગલે આસપાસના સ્થાનિકો ઘટના સ્થળે એકત્ર થઈ ગયા હતા. દરમ્યાન ૧૦૮ની ટીમ પણ ઘટના સ્થળે દોડી આવી હતી. સાથે સાથે ખંભોળજ પોલીસ પણ ઘટના સ્થળે દોડી આવી હતી. આ બનાવ અંગે ખંભોળજ પોલીસે વિમલ ઉર્ફે લાલાભાઈ પટેલની ફરિયાદના આધારે ટેન્કર ચાલક સામે અકસ્માતનો ગુનો નોંધી તેને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા છે. પોલીસની પ્રાથમિક તપાસમાં ટેન્કરચાલક વાસદ ટોલનાકાએથી વડોદરા તરફ ભાગી છુટયો હોવાનું જાણવા મળ્યું છે. એક સાથે બે આશાસ્પદ યુવતીઓનું હીટ એન્ડ રન કેસમાં કરૃણ મોત નીપજતા સારસા તેમજ ખંભોળજ ગામમાં શોકની લાગણી પ્રસરી જવા પામી છે.