સોજિત્રામાં સ્ટેચ્યુ ઓફ યુનિટી એકતાયાત્રાનું ભવ્ય સ્વાગત કરાયું
- આ પ્રસંગે મોટી સંખ્યામાં ગ્રામજનો, પદાધિકારીઓ હાજર રહ્યા હતા
આણંદ.તા,30 ઓક્ટોબર 2018, મંગળવાર
સ્ટેચ્યુ ઓફ યુનિટીનું પ્રધાનમંત્રી તા.૩૧મીના રોજ રાષ્ટ્રાર્પણ કરાવના છે ત્યારે જનજનમાં એક્તાનો રાષ્ટ્રભાવ ઉજાગર થાય તે માટે સમગ્ર રાજ્યમાં સ્ટેચ્યુ ઓફ યુનિટી-એકતાયાત્રા રથ પરિભ્રમણ કરી રહ્યો છે.
જેના ભાગરૂપે આણંદ જિલ્લામાં પણ સ્ટેચ્યુ ઓફ યુનિટી-એકતાયાત્રા રથ પરિભ્રમણ કરી રહ્યો છે. સ્ટેચ્યુ ઓફ યુનિટી-એક્તાયાત્રા રથ પેટલાદ, ખંભાત અને તારાપુર તાલુકાના વિવિધ ગામોમાં પરિભ્રમણ કરીને સોજિત્રા તાલુકાના પલોલ ગામે આવી પહોંચતા એકતાયાત્રા રથનું ભવ્યાતિભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું.
સોજિત્રા તાલુકાના પલોલ ગામેથી આરંભાયેલ એકતાયાત્રા રથે રવિવારે તાલુકાના રૂણજ, ડાલી, દેવાતજ, ગાડા, બાલિન્ટ, મઘરોલ, મેઘલપુર, લીંબાલી અને ડભોઈ મળી ૧૦ ગામોમાં પરિભ્રમણ કરીને સોમવારના રોજ બાટવા ગામે એક્તાયાત્રા રથ આવી પહોંચ્યો હતો. જેને સમગ્ર દિવસ દરમિયાન ભડકદ, દેવાતળપદ, મલાતજ, કાસોર, ત્રંબોવડ, સોજિત્રા, કોઠાવી, ખણસોલ, વિરોલ(સી), ઈસણાવ અને પીપળાવ ગામોમાં પરિભ્રમણ કર્યું હતું.
સોજિત્રા તાલુકાના ગામે-ગામ એકતાયાત્રાનું ઉમળકાભેર સ્વાગત કરવામાં આવ્યું હતું. અને ગામે-ગામ સ્ટેચ્યુ ઓફ યુનિટીના પ્રતિક સમાન સરદાર પટેલની પ્રતિમાને ભાવપૂર્ણ પુષ્પાંજલિ અર્પણ કરી કુમકુમ તિલક કરી આરતી ઉતારવામાં આવી હતી. તાલુકાના ગામે-ગામે સરદાર પટેલના જીવન-કવન અને રાષ્ટ્ર માટેના કાર્યપ્રદાનનો સંદેશો આપતી તેમજ સ્ટેચ્યુ ઓફ યુનિટી એકતાયાત્રા રથના ડીજીટલ સ્ક્રીન મારફત દર્શાવવામાં આવી હતી.
જેને દરેક ગ્રામજનોએ રસપૂર્વક નિહાળી હતી. સોજિત્રા તાલુકાના જે જે ગામોએ એકતાયાત્રા રથે પરિભ્રમણ કર્યું તે દરમિયાન ગ્રામજનોની સાથે સાથે અધિકારીઓ-પદાધિકારીઓએ દેશની એકતા-અખંડિતતાના તેમજ એક ભારત-શ્રેષ્ઠ ભારત નિર્માણના શપથ ગ્રહણ કર્યા હતા. સોજિત્રા તાલુકામાં યોજાયેલ એકતાયાત્રાની સાથે જિલ્લા-તાલુકાના અગ્રણી પદાધિકારીઓ, ગામના અગ્રણીઓ, ગ્રામજનો, મહિલાઓ અને યુવક-યુવતીઓ જોડાયા હતા.