આણંદમાં બંધ મકાનનું તાળું તોડી તસ્કરો 90 હજારની મત્તા ચોરી ગયા

Updated: May 22nd, 2023


Google NewsGoogle News
આણંદમાં બંધ મકાનનું તાળું તોડી તસ્કરો 90 હજારની મત્તા ચોરી ગયા 1 - image


- બેંક કર્મચારી પરિવાર સાથે મેરઠ વેકેશન માણવા ગયો હતો

- મકાન માલિકે ચોરીની જાણ કરી, ઘરમાંથી દાગીના સહિત 10 હજારની રોકડ ચોરાઇ

આણંદ : આણંદ શહેરની ડી.ઝેડ. પટેલ હાઈસ્કુલ પાછળ આવેલી એક સોસાયટીના બંધ મકાનને  તસ્કરોએ નિશાન બનાવી મકાનમાંથી સોના-ચાંદીના દાગીના તેમજ રોકડ સહીત રૂા.૯૦ હજારની મત્તાની ચોરી કરી પલાયન થઈ ગયા હતા.

મૂળ મેરઠના વતની અને હાલ આણંદ શહેરની ડી.ઝેડ. પટેલ હાઈસ્કુલ પાછળ સેવન એવેન્યુ સોસાયટી ખાતે રહેતા અશોકકુમાર બેંકમાં નોકરી કરે છે. ગત તા.૧૨મીના રોજ તેઓ પરીવાર સાથે મકાન બંધ કરીને મેરઠ ખાતે વેકેશન માણવા ગયા હતા. 

આ તકનો લાભ ઉઠાવી તેઓના બંધ મકાનને તસ્કરોએ નિશાન બનાવ્યું હતું અને મકાનના મુખ્ય દરવાજાનું તાળું તોડી મકાનમાં પ્રવેશ કરી મકાનમાંથી સોના-ચાંદીના દાગીના તથા રોકડા રૂા.૧૦ હજાર અને મોબાઈલ, કેમેરો મળી કુલ્લે રૂા.૯૦ હજારની મતાની ચોરી કરી પલાયન થઈ ગયા હતા. ગત તા.૧૯મીના રોજ મકાન માલિક અલકાબેને તેઓના મકાનનું તાળુ તુટેલ જોતા આ અંગે અશોકકુમારને જાણ કરતા તેઓ તુરત જ આણંદ મુકામે આવવા નીકળી ગયા હતા. દરમ્યાન તેઓએ પરત આવીને મકાનમાં જોતા  ઉક્ત મતાની ચોરી થઈ હોવાનું માલૂમ પડયું હતું. જેથી આ બનાવ અંગે અશોકકુમારે આણંદ શહેર પોલીસ મથકમાં ફરીયાદ નોંધાવતા પોલીસે અજાણ્યા ચોર શખ્સો વિરુધ્ધ ચોરીનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.


Google NewsGoogle News