Get The App

આણંદ જિલ્લાની 1069 પ્રાથમિક શાળાઓમાં દ્વિતીય શૈક્ષણિક સત્રનો પ્રારંભ થયો

Updated: Nov 23rd, 2021

GS TEAM


Google News
Google News
આણંદ જિલ્લાની 1069 પ્રાથમિક શાળાઓમાં દ્વિતીય શૈક્ષણિક સત્રનો પ્રારંભ થયો 1 - image


- સ.પ.યુનિ.માં પણ બીજા એકેડેમીક સેમેસ્ટરની શરૂઆત થઇ

- મોટાભાગના વાલીઓએ વિદ્યાર્થીઓને શાળામાં મોકલવાનું ટાળ્યું પ્રાથમિકના વર્ગો 50 ટકા હાજરી સાથે શરૂ કરવાની મંજૂરી

આણંદ : આણંદ જિલ્લામાં આવેલ ૧૦૬૯ જેટલી પ્રાથમિક શાળાઓમાં આજથી બીજા સત્રનો પ્રારંભ થયો છે ત્યારે રાજ્ય સરકાર દ્વારા ધો.૧ થી ૫ના વર્ગો પણ ૫૦ ટકા હાજરી સાથે શરૂ કરવાની મંજુરી આપવામાં આવી છે. વિદ્યાનગર સ્થિત સ.પ.યુનિ.માં પણ આજથી બીજા શૈક્ષણિક સત્રનો પ્રારંભ થતાં શિક્ષણનગરી પુનઃ જીવંત બની છે.

૨૦ માસના લાંબા સમયગાળા બાદ રાજ્ય સરકાર દ્વારા ધો.૧ થી ૫ના વર્ગો ૫૦ ટકા હાજરી સાથે શરૂ કરવાની મંજૂરી અપાતા જિલ્લામાં આવેલ ૧૦૬૯ જેટલી પ્રાથમિક શાળાઓના સંકુલો બીજા શૈક્ષણિક સત્રની શરૂઆતે વિદ્યાર્થીઓની ચહલ-પહલથી ધમધમી ઉઠી છે. ૨૧ દિવસના દિવાળી વેકેશન બાદ આજથી બીજા શૈક્ષણિક સત્રનો પ્રારંભ થતાં વિદ્યાર્થીઓમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો. જો કે વિદ્યાર્થીઓને શાળાએ મોકલવા મરજીયાત હોઈ કેટલાક વાલીઓએ પોતાના પાલ્યને શાળાએ ન મોકલવાનું મુનાસિબ માન્યું હતું. તો વાલીઓની સંમતિ સાથે શાળાઓમાં વિદ્યાર્થીઓની એન્ટ્રીને લઈ કેટલીક શાળાઓમાં વિદ્યાર્થીઓની પાંખી હાજરી જોવા મળી હતી.  જો કે સરકાર દ્વારા નાના ભુલકાઓ શાળાએ આવનાર હોઈ કોરોના ગાઈડલાઈનનું ચુસ્તપણે પાલન થાય તે જોવા શાળા સંચાલકોને અપીલ કરી છે.

આજથી કોરોના એસઓપીના ચુસ્તપણે પાલન સાથે પ્રાથમિક, માધ્યમિક તથા કોલેજોમાં શૈક્ષણિક સત્રનો પ્રારંભ થતાં વિદ્યાર્થીઓમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો. માસ્ક તથા સોશ્યલ ડીસ્ટન્સના પાલન સાથે વિદ્યાર્થીઓને શાળામાં એન્ટ્રી આપતા પૂર્વે સેનીટાઈઝ પણ કરાયા હતા. શિક્ષણનગરી વિદ્યાનગરની સ.પ.યુનિ. સંલગ્ન વિવિધ કોલેજોમાં પણ આજથી બીજા શૈક્ષણિક સત્રનો પ્રારંભ થયો છે. 

બીજા શૈક્ષણિક સત્રના પ્રારંભ સાથે આવતીકાલથી સ્નાતક તથા અનુસ્નાતક કક્ષાની પરીક્ષાઓનો તબક્કાવાર પ્રારંભ થનાર છે.

આણંદમાં કોરોના સંક્રમણના નવા કેસોથી વાલીઓમાં ચિંતા

છેલ્લા કેટલાક દિવસોથી આણંદમાં કોરોનાએ પુનઃ માથુ ઉચકતા વાલી ગણમાં ચિંતાની લાગણી વ્યાપી છે. સાથે સાથે ધો.૧ થી ૫માં અભ્યાસ કરતા કેટલાક વિદ્યાર્થીઓના વાલીઓએ પોતાના પાલ્યને ઓફલાઈન શિક્ષણથી દુર રાખી હાલ પુરતું ઓનલાઈન શિક્ષણ કાર્ય આવકાર્યું છે. કોરોના સંક્રમણને લઈ ધો.૧ થી ૫ના વિદ્યાર્થીઓને પહેલા સત્ર દરમ્યાન ઓનલાઈન શિક્ષણકાર્ય સાથે અભ્યાસ શરૂ કરાયો હતો.  જો કે રાજ્ય સરકાર દ્વારા ૫૦ ટકા વિદ્યાર્થીઓની હાજરી સાથે પરવાનગી આપવામાં આવતા ધો.૧ થી ૫માં આજથી ઓફલાઈન શિક્ષણકાર્ય શરૂ કરાયું છે. 

Tags :