ચરોતર પંથકમાં સારસ પક્ષીની ગણતરી ગત વર્ષની સરખામણીએ સંખ્યામાં વધારો
- વર્ષના સૌથી લાંબા દિવસ 21 જૂનના રોજ
આણંદ : દર વર્ષની જેમ ચાલુ વર્ષે પણ વર્ષના સૌથી લાંબા દિવસ એટલે કે ૨૧મી જૂનના રોજ ચરોતરમાં સારસ પક્ષીની ગણતરી કરવામાં આવી હતી. વિશ્વના સૌથી વધુ ઉંચાઈએ ઉડી શકનાર પક્ષી તરીકે ગણના ધરાવતા સારસ ક્રેનની સંખ્યામાં ગત વર્ષની સરખામણીએ ચાલુ વર્ષે વધારો નોંધાયો હોવાનું જાણવા મળ્યું છે.
પ્રવર્તમાન સમયમાં સારસ ક્રેનની ૧૫ પ્રજાતિ જોવા મળે છે. તેમાંથી છ જેટલી પ્રજાતિ ભારતમાં છે. સારસ ક્રેન છ ફૂટ ઉંચા અને આઠ ફૂટ પથરાય શકે તેવી પાંખો ધરાવે છે. આ સૌથી ઉંચું ઉડનાર પક્ષી છે. આ પક્ષીઓ ખેતરમાં અથવા ભીની જમીનમાં વસવાટ કરે છે અને મનુષ્યો સાથે રહેવા ટેવાયેલા છે. ગુજરાતમાં અમદાવાદ, આણંદ, વડોદરા અને ખેડા જિલ્લામાં જોવા મળે છે. રાજ્યમાં યુપીએલનો સારસ સંરક્ષણ પ્રોજેક્ટ ખેડા અને આણંદ જિલ્લામાં વર્ષ ૨૦૧૫થી હાથ ધરવામાં આવ્યો છે. આ પ્રોજેક્ટમાં ગ્રામીણ સમુદાયોના સહયોગથી ૩૫ ગામના ૮૯ ગ્રામીણ સારસ સંરક્ષણ જૂથ બનાવી સીટીઝન સાયન્સની પહેલ કરવામાં આવી છે. જે સ્વૈચ્છિક રીતે સારસ સંરક્ષણ સક્રિય છે અને ઈંડાની ચોરી, માળાના વિનાશ અટકાવી તેમજ જનજાગૃતિ ફેલાવી સારસનું સંરક્ષણ કરે છે.
વર્ષના સૌથી લાંબા દિવસ એટલે કે તા.૨૧મી જૂનના રોજ વાર્ષિક સારસ ગણતરી રાખવામાં આવી છે. નોંધનીય છે કે આ સમયગાળા દરમ્યાન મોટાભાગના તળાવો અને છીછરા પાણીના વિસ્તારો સુકાઈ જાય છે અને સારસ બારે માસ પાણી રહેતુ હોય તેવા જળાશયો અથવા તળાવોમાં મોટા સમુહમાં જોઈ શકાય છે. તેથી આ સમયગાળા દરમ્યાન સારસની ગણતરી સરળતાથી કરી શકાતી હોઈ આ દિવસે વાર્ષિક ગણતરી હાથ ધરાવામાં આવે છે. આણંદ તથા ખેડા જિલ્લાના ૧૨ તાલુકાના ૧૨૮ ગામોને આવરી લઈ વર્ષ ૨૦૨૦માં સારસ ગણતરી દરમ્યાન કુલ ૮૨૯ સારસ નોંધવામાં આવ્યા હતા.
જેની સરખામણીએ ૩૫ ગ્રામીણ સારસ સંરક્ષણ જૂથો દ્વારા કરાયેલ ૨૦૨૧ની વાર્ષિક સારસ ગણતરી દરમ્યાન ૯૧૫ સારસ નોંધવામાં આવ્યા હતા. જેમાં ૧૦૫ બચ્ચાનો સમાવેશ થાય છે.
ખેડા જિલ્લામાં વર્ષ 2015 માં 500 સારસ જોવા મળ્યા હતા
આણંદ : વર્ષ ૨૦૧૫માં શરૂ થયેલ પ્રોજેક્ટમાં થયેલ સંશોધન દરમિયાન ફક્ત ખેડા જિલ્લામાં જ ૫૦૦ સારસ પક્ષી જોવા મળ્યા હતા. આ સંશોધન પરથી ફલિત થાય છે કે એક પધ્ધતિસર અને સઘન સારસ પક્ષી ગણતરી અભ્યાસ હાથ ધરવો જરૂરી છે કે જેથી સમગ્ર રાજ્યમાં વસવાટ કરતા સારસ પક્ષીની સંખ્યાની ગણતરી કરી શકાય. આમ કરવાથી તેમની સાચી સંખ્યા જાણી શકાય અને તેમના સ્થાનિક સ્થળાંતર વિશે માહિતી મેળવી સારસ પક્ષીની પ્રજાતિના વસવાટ માટે સંરક્ષણ યોજના બનાવી શકાય. તેમના વસવાટ, સંરક્ષણ અને પ્રજનન માટેની સંરક્ષણ યોજના બનાવવા માટે સ્થાનિક લોકોની મદદ લઈ શકાય.
ગુજરાતમાં સારસની સંખ્યા માત્ર 915 જ રહી
ખેડા જિલ્લામાં એપ્રિલ ૨૦૧૫થી એપ્રિલ ૨૦૧૭ સુધી એક અભ્યાસ હાથ ધરાયો હતો. આ અભ્યાસનો હેતુ ખેડા જિલ્લામાં સારસની ચોક્કસ સંખ્યા જાણવાનો અને સારસ પક્ષીના વસવાટ અને તેના અસ્તિત્વ માટે જવાબદાર કારણો જાણવાનો હતો. સારસ પક્ષી ખેતરોમાં રહે છે અને માણસ સર્જિત રહેણાંક વિસ્તારોમાં જોવા મળે છે. જો કે રહેણાંક વિસ્તારોની ઘટ તથા પ્રવર્તમાન આધુનિક સમયમાં સીમેન્ટ ક્રોકીંટના જંગલોનો વધતો વ્યાપ સારસ પક્ષીની સંખ્યા ઘટવા પાછળ જવાબદાર છે. વર્ષ ૨૦૦૭માં સમગ્ર ગુજરાત રાજ્યમાં ૧૯૬૩ સારસ પક્ષી નોંધાયા હતા. જ્યારે વર્ષ ૨૦૧૦માં સારસ પક્ષીની સંખ્યામાં ફક્ત ત્રણ વર્ષ દરમ્યાન જ ૧૮.૫૪ ટકાનો ઘટાડો નોંધાતા સમગ્ર ગુજરાત રાજ્યમાંથી ૧૫૯૯ સારસ પક્ષી નોંધાયા હતા. જેની સરખામણીએ ચાલુ વર્ષે ફક્ત ૯૧૫ સારસ પક્ષી જ નોંધાતા સારસ પક્ષીની પ્રજાતિ ધીમે-ધીમે લુપ્ત થતી હોય તેમ લાગી રહ્યું છે.