આણંદની રેલવે ગોદીમાં તંત્રની બેદરકારી અનાજની અનેક ગુણો લાવારીસ પડી છે
- સરકારની ગરીબોને અનાજ વિતરણની યોજના વચ્ચે
- સરકારે ટ્રેનથી મોકલેલો જથ્થો ગરીબોને મળવાના બદલે પડયો રહેતો હોવાથી લોકોમાં રોષ
આણંદ, તા.22 મે 2020, સોમવાર
લોકડાઉનના સમયગાળામાં ગરીબ પરિવારોને બે ટંક ભોજન મળી રહે તે હેતુથી વિનામૂલ્યે અનાજ વિતરણ કરવાની જાહેરાત કરવામાં આવી છે. તો બીજી તરફ તંત્રની ઘોર બેદરકારીના કારણે આણંદ શહેરના રેલ્વે ગોદી ખાતે સરકારી અનાજનો બગાડ થઈ રહ્યો હોવાનું જોવા મળી રહ્યું છે. છેલ્લા બે દિવસથી આણંદ રેલ્વે ગોદી ખાતે સરકારી અનાજનો મોટો જથ્થો તંત્રની લાપરવાહીના કારણે વેડફાઈ રહ્યો હોવાની ફરિયાદ ઉઠી છે.
કોરોના વાયરસને લઈ વિશ્વભરમાં મહામારી જાહેર કરાઈ છે ત્યારે લોકડાઉનના સમયગાળામાં ગરીબ-મધ્યમવર્ગના લોકોની રોજગારી છીનવાઈ જતા લોકો આર્થિક સંકળામણ અનુભવી રહ્યા છે. જો કે આ પરિસ્થિતિ વચ્ચે સરકાર આવા ગરીબોની વ્હારે આવી છે અને રેશનકાર્ડ ધારકોને વિનામૂલ્યે અનાજ આપવાનું શરૃ કરાયું છે. અગાઉ બીપીએલ તેમજ એપીએલ કાર્ડધારકોને અનાજ વિતરણ કરવામાં આવ્યું હતું ત્યારે હવે ફરીથી કાર્ડધારકોને અનાજ વિતરણ કરવાનું આયોજન કરાયું છે. જે અંતર્ગત સરકાર દ્વારા રેલ્વે મારફતે આણંદ ખાતે અનાજનો જથ્થો મોકલી આપવામાં આવ્યો છે. પરંતુ તંત્રની ઘોર બેદરકારીના કારણે છેલ્લા બે દિવસથી આણંદ રેલ્વે ગોદી ખાતે ઘઉંના જથ્થાનો વેડફાટ થઈ રહ્યો છે. બે દિવસથી રેલ્વે ગોદી ખાતે અનાજ આવીને ખુલ્લામાં પડયું છે. જે પૈકી કેટલીક ગુણોમાંથી ઘઉંનો જથ્થો પ્લેટફોર્મ ઉપર પડતા અનાજ વેડફાઈ રહ્યું છે. સાથે સાથે કેટલાક પશુઓ દ્વારા આ અનાજનો જથ્થો ભરેલ ગુણોને નુકસાન કરી અનાજનો બગાડ કરવામાં આવી રહ્યો છે. ખુલ્લામાં પડી રહેલ અનાજમાં કચરો ભળવાની પણ સંભાવના છે ત્યારે એક તરફ ગરીબોને બે ટંક ખાવા માટે ફાંફા પડી રહ્યા છે તો બીજી તરફ તંત્રની ઘોર બેદરકારી સામે આવતા જાગૃતોમાં તંત્રની કામગીરી સામે છુપો રોષ જોવા મળી રહ્યો છે. જવાબદાર તંત્ર દ્વારા આ મામલે સત્વરે યોગ્ય કાર્યવાહી કરી અનાજના જથ્થાને સુરક્ષિત કરવામાં આવે તેવી માંગ ઉઠી છે.