હેન્ડપંપ પર પાણી બાબતે મામલો બિચકતા બે જૂથો વચ્ચે પથ્થરમારો
- બોરસદ તાલુકાના દહેવાણ ગામમાં
- મામુલી બાબતમાં ઘર્ષણ થતા બે મહિલાને ઈજા થઈ : 9 વ્યક્તિઓ સામે ફરિયાદ
આણંદ, તા.5 સપ્ટેમ્બર 2020, શનિવાર
આણંદ જીલ્લાના બોરસદ તાલુકાના દહેવાણ ગામે મહાદેવ મંદિર પાછળ હેન્ડપંપ ખાતે પાણી ભરવા બાબતે બે જુથો વચ્ચે ઉગ્ર બોલાચાલી થયા બાદ બંને જુથોએ એકબીજા પર ભારે પથ્થરમારો કરતા બન્ને જુથોના માણસોને વધતા ઓછા પ્રમાણમાં ઈજાઓ પહોંચી હતી. જે પૈકી બે વ્યક્તિઓની હાલત ગંભીર હોવાનું જાણવા મળ્યું છે. આ બનાવ અંગે વિરસદ પોલીસે બંને પક્ષોની ફરિયાદને આધારે સામસામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
આ બનાવ અંગે પોલીસ સુત્રોના વધુમાં જણાવ્યા મુજબ બોરસદ તાલુકાના દહેવાણ ગામે મહાદેવ મંદિર પાછળ આવેલ ઓએનજીસી વેલ નજીક રહેતા વિક્રમસિંહ હરિભાઈ પરમારને નજીકમાં રહેતા લાભુભાઈ પર્વતસિંહ પરમારના પરિવાર સાથે ઘર નજીક આવેલ હેન્ડપંપનું પાણી ભરવા બાબતે છેલ્લા કેટલાક સમયથી વિવાદ ચાલે છે. દરમિયાન પાડોશમાં રહેતા નયનાબેન શૈલેષભાઈ પરમાર વિક્રમસિંહના ઘર નજીક આવેલ હેન્ડપંપ ખાતે પાણી ભરવા ગયા હતા. જ્યાં તેઓ તુલસી ક્યારા નજીક ચંપલ પહેરીને જતા વિક્રમભાઈની દિકરીએ ચંપલ ઉતારીને પાણી ભરવા જણાવતા નયનાબેન તથા તેમના પરિવારજનો એકદમ ઉશ્કેરાઈ ગયા હતા અને ઝગડો કર્યો હતો. દરમિયાન શનાભાઈ પુજાભાઈ પરમાર સહિત તેર વ્યક્તિઓ ત્યાં આવી ચડયા હતા અને પાણી ભરવાની ના કેમ પાડો છો તેમ કહી પથ્થરમારો કર્યો હતો. જેમાં બે મહિલાઓને ઈજાઓ પહોંચી હતી. આ બનાવ અંગે વીરસદ પોલીસે વિક્રમસિંહ પરમારની ફરિયાદને આધારે શનાભાઈ પુજાભાઈ પરમાર, પ્રવિણભાઈ શનાભાઈ પરમાર, અશોકભાઈ શનાભાઈ પરમાર, શૈલેષભાઈ શનાભાઈ પરમાર, લાભુભાઈ પર્વતસિંહ પરમાર, હિતેશભાઈ પર્વતસિંહ પરમાર, વિપુલભાઈ લાભુભાઈ પરમાર, રમીલાબેન લાભુભાઈ પરમાર, જ્યોતિબેન લાભુભાઈ પરમાર, ગજરાબેન શનાભાઈ પરમાર, ગીતાબેન પ્રવીણસિંહ પરમાર, ગીતાબેન અશોકસિંહ પરમાર તથા નયનાબેન શૈલેષભાઈ પરમાર વિરૃધ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
સામા પક્ષે લાભુભાઈ પર્વતસિંહ પરમારે નોંધાવેલ ફરિયાદમાં જણાવ્યા મુજબ તેઓ પ્રાથમિક શાળાના શિક્ષક તરીકે ફરજ બજાવે છે અને પાણી ભરવાની ના પાડવા બાબતે ઝઘડો થતા તેઓ ઘટનાસ્થળે ગયા હતા ત્યારે મહેન્દ્રભાઈ હરિભાઈ પરમારે પથ્થરમારો કરતા જ્યોતિબેન તથા હિતેષભાઈને ઈજાઓ પહોંચી હતી. જ્યારે અન્ય લોકોએ તેઓને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ બનાવ અંગે વીરસદ પોલીસે મહેન્દ્રભાઈ હરિભાઈ પરમાર, મીનાબેન હરિભાઈ પરમાર, વિક્રમસિંહ હરિભાઈ પરમાર, વંદનાબેન વિક્રમસિંહ પરમાર, ભાવનાબેન વિક્રમસિંહ પરમાર, રાજેન્દ્રભાઈ હરિભાઈ પરમાર, માલતીબેન રાજેન્દ્રભાઈ પરમાર અને લક્ષ્મીબેન જીતેન્દ્રભાઈ પરમાર વિરૃધ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.