એસઓજીએ દરોડો પાડતા નશીલી દવાના જથ્થા સાથે શખ્સ ઝડપાયો
- આણંદ-વઘાસી રોડ પર પાતોળપુરામાં
- એસઓજીએ દરોડો પાડતા નશીલી દવાના જથ્થા સાથે શખ્સ ઝડપાયો
આણંદ, તા.9 મે 2020, શનિવાર
આણંદ એસઓજી પોલીસે ગઈકાલ રાત્રિના સુમારે આણંદ-વઘાસી રોડ ઉપર આવેલ પાતોળપુરા ખાતે એક રહેણાંક મકાનમાં છાપો મારીને કોડીન ધરાવતી નશીલી દવાના જથ્થા સાથે એક શખ્શને ઝડપી પાડયો હતો. પોલીસે નશીલી દવા સહિત કુલ્લે રૃા.૫૭ હજાર ઉપરાંતનો મુદ્દામાલ જપ્ત કરી ઝડપાયેલ શખ્શને આણંદ ગ્રામ્ય પોલીસ મથકના હવાલે કરતા પોલીસે એનડીપીએસ એક્ટ મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
મકાનમાં દરોડો પાડતા કોડીન ધરાવતી નશીલી દવા સહિત રૃા. ૫૭ હજારનો મુદ્દામાલ જપ્ત કર્યો
વધુમાં મળતી વિગતો મુજબ આણંદ જિલ્લામાં નશીલા પદાર્થોનો ગેરકાયદેસ વેપાર તેમજ હેરાફેરી કરતા શખ્શોને ઝડપી પાડવા પોલીસ દ્વારા કવાયત હાથ ધરવામાં આવી છે. આણંદ એસઓજી પોલીસની ટીમ ગઈકાલ રાત્રિના સુમારે પેટ્રોલીંગમાં હતી દરમ્યાન આણંદ વઘાસી રોડ ઉપર આવેલ પાતોળપુરા ગામે પીપળીવાળા ફળીયામાં રહેતો ગોપાલ ઉર્ફે બબુ પ્રભાતભાઈ વાઘેલા પોતાના રહેણાંક મકાનમાં કોડીન ધરાવતી નશીલી દવાનો જથ્થો રાખી છુટક વેપાર કરતો હોવાની ગુપ્ત બાતમી એસઓજી પોલીસને મળી હતી. મળેલ ગુપ્ત બાતમીના આધારે એસઓજી પોલીસની ટીમે બાતમીવાળા સ્થળે ઓચિંતો છાપો મારતા રહેણાંક મકાનમાંથી એક શખ્શને ઝડપી પાડયો હતો. પોલીસે તેના નામ-ઠામ અંગે પુછપરછ કરતા તે પાતોળપુરાના પીપળીવાળા ફળીયા ખાતે રહેતો ગોપાલ ઉર્ફે બબુ વાઘેલા હોવાનું જાણવા મળ્યું હતું. પોલીસે મકાનમાં તપાસ કરતા મકાનમાંથી લાયસન્સ વગરની અલગ-અલગ કંપની માર્કાની કોડીન ધરાવતી નશીલી દવાઓની કુલ ૩૮૫ નંગ બોટલ મળી આવી હતી. જેની અંદાજિત કિંમત રૃા.૫૨,૧૨૫ જેટલી થવા જાય છે. પોલીસે તેની અંગજડતી લેતા તેની પાસેથી એક મોબાઈલ મળી આવ્યો હતો.
આમ પોલીસે કુલ્લે રૃા.૫૭,૧૨૫નો મુદ્દામાલ જપ્ત કરી નશીલી દવાના જથ્થા સાથે ગોપાલ ઉર્ફે બબુ વાઘેલાની ધરપકડ કરી આણંદ ગ્રામ્ય પોલીસ મથકના હવાલે કરતા ગ્રામ્ય પોલીસે ઝડપાયેલ શખ્શ સામે એનડીપીએસ એક્ટ મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.